Wednesday, October 3, 2012

ગીરનાર-ભવનાથના વિકાસની દિશામાં ડગ મંડાયા.

Bhaskar News, Junagadh | Oct 03, 2012, 01:46AM IST
- અમલ થયા બાદ પ્રવાસનનાં માળખાકિય વિકાસ માટેનાં નિર્ણયો અને અમલીકરણની પ્રક્રિયા ઝડપી બનશે

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે ગિરનાર અને ભવનાથનો પ્રવાસનની દ્રષ્ટિએ વિકાસ કરવા માટે સત્તા મંડળ (ઓથોરિટી) રચવાની જાહેરાત કરી દીધી. આગામી તા. ૨૬ જાન્યુ. ૧૩ થી આ સત્તા મંડળ અમલમાં આવશે. એમ પણ જણાવ્યું. તેનું નામ ગમે તે રાખવામાં આવે.

પરંતુ જૂનાગઢવાસીઓની ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની માંગણી સાકાર થવાની દિશામાં ડગ મંડાયા છે. સાથોસાથ આ સત્તા મંડળની કામગિરીમાં વનવિભાગનો ચંચૂપાત ન હોવો જોઇએ. જો એમ થાય તો ઓથોરિટીનો કશો જ અર્થ નહીં સરે એવો સૂર પણ લોકોમાંથી ઉઠ્યો છે.

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના માટે આજથી ૩૯ વર્ષ પહેલાં ૧૯૭૩ નાં વર્ષમાં શહેરનાં અનંત ધમૉલય ખાતે પ્રબુદ્ધ નાગરિકોની એક મીટિંગ મળી હતી. જેમાં ઉઠેલી માંગણીઓનો છેક હવે સ્વીકાર થયો છે. આ સત્તા મંડળને પગલે ગિરનાર અને ભવનાથ વિસ્તારનાં પ્રવાસન આંતરમાળખાકિય વિકાસ કાર્યો ઝડપી બનશે. આ સત્તા મંડળનો ફાયદો એ કે જો તે અમલમાં હોય તો પાજનાકા પુલને નવો બનાવવા માટે આજે બે વર્ષથી કામ ટલ્લે ચઢયું છે એ સ્થિતી ન હોત.

એ રીતે દામોદર કુંડનાં પાણીને બારેમાસ સ્વચ્છ રાખવા માટેનાં પગલાં તાકીદે લેવાઇ ગયાં હોત. હવે સ્થાનિક ભાજપનાં આગેવાનોએ તેની અમલવારી ઝડપથી કરાવવી જોઇએ. સરકાર માત્ર જીઆર બહાર પાડે તેનાથી કશું નહીં થાય. એમ જૂનાગઢનાં પૂર્વ નગરસેવક શશીકાંત દવે જણાવે છે. સંજય કોરડીયાએ કહ્યું હતુ કે, પ્રવાસનક્ષેત્રે વિકાસની ઉજળી તક ઉભી થઇ છે. ભવનાથ અને ગિરનાર આમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

જ્યારે ચેમ્બર ઓફ કોમર્સનાં મંત્રી ભુરાભાઇ દેસાઇ કહે છે, સ્વાયત્ત ઓથોરિટી તિરૂવલમ ડેવલપમેન્ટ ઓથોરિટીની માફક કામ કરી શકવી જોઇએ. તો જ તિરૂપત્તિની માફક ગિરનારનો પણ વિકાસ થઇ શકે. સરકારે એ રીતનું ભંડોળ પણ ફાળવવું જોઇએ. કારણકે, જો એમ ન હોય તો વનવિભાગ પોતાની સત્તાનો અભયારણ્યનાં બહાના તળે દુરૂપયોગ કરે તો પછી આ સત્તા મંડળનો કશો જ અર્થ ન સરે. પાજનાકા પુલનાં મામલે વનવિભાગનાં ચંચૂપાત નડ્યો એવું ન થવું જોઇએ. આવા સત્તામંડળ માટે ચેમ્બરે છેક ૧૯૯૫ થી માંગણી કરી છે.

- અમલવારી થવી જોઇએ : ભારતીબાપુ

ગિરનાર અને ભવનાથનો પ્રવાસન દ્રષ્ટિએ વિકાસ કરવા માટે સત્તા મંડળની રચના થતાં જૂના અખાડાનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીએ જણાવ્યું હતું કે, અત્યારે તો જાહેરાત થઇ છે પરંતુ તેની અમલવારી થાય તો સારું. રાજ્યનાં પ્રવાસન વિભાગ સાથે મારે પત્રવ્યવહાર ચાલતો જ રહે છે. ગિરનાર એવું ક્ષેત્ર છે જ્યાં વર્ષે ૫૦ લાખ યાત્રાળુઓ આવે છે. ત્યારે ઓથોરિટી બનતાં કામો ઝડપથી થઇ શકે એ વાત ખરી છે. હાલ તો ઘણાં કામો બાકી છે. વિકાસ કામોનો લાભ આખરે મળવાનો તો લોકોને જ છે. મેં તો આ મામલે વારંવાર રજૂઆતો કરી છે.

- દિવ્ય ભાસ્કરે વિકાસની આ તક અંગે ટકોર કરી ‘તી

મુખ્યમંત્રીની વિવેકાનંદ યાત્રા વખતે જૂનાગઢની મુલાકાતનાં આગલા દિવસે દિવ્યભાસ્કરે પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢનાં વિકાસની ભરપૂર તકો હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત થવી જોઇએ. તે વાતનો ઉલ્લેખ પણ તેમા કર્યો હતો. એવી વર્ષો જૂની માંગણી શશીકાંત દવેએ દિવ્ય ભાસ્કર મારફત દોહરાવી હતી.

- સાથે પૂરતી ગ્રાન્ટ આપે તો સારું : ગોપાલાનંદજી

સત્તા મંડળ બને એ તો સારી વાત છે. પરંતુ સાથોસાથ વિકાસ કામો માટે પૂરતી ગ્રાન્ટો ફાળવાય તો તેનો અર્થ સરે. વળી સત્તા મંડળ પૂરતી સત્તાનો ઉપયોગ કરીને કામ કરે એ પણ જરૂરી છે.

- મંડળ ઝડપી નિર્ણયો લઇ શકશે : ખિમાણી

ભાજપ અગ્રણી પ્રદિપ ખિમાણીએ જણાવ્યુ હતુ કે, ઓથોરિટીની રચના થતાં તેમાં જેતે વિસ્તારનાં સરકારનાં સબંધીતો મેમ્બર બનશે. તેઓએ મંજૂરી જરૂર રહેશે નહી જેથી ઝડપી નિર્ણયો લેવાશે. શિવરાત્રીનો મેળો વગેરે આયોજનોમાં તેઓ પાસે સત્તા રહેશે. એકંદરે વિકાસને વેગ મળશે.

No comments: