Wednesday, October 3, 2012

સિંહણના ગળે બંધ આઈ.ડી.કોલર કાઢવા માટે વન વિભાગની કસરત



લીલીયા, તા.૨
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસવાટ કરી એક સિંહણને પહેરાવવામાં આવેલ આઈ.ડી.કોલર બંધ થઈ ગયેલ હોવાથી તેને કાઢવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે, પરંતુ સાત દિવસની મહેનતા છતાં તેમાં સફળતા મળી નથી.સિહણ સાથે નાના બચ્ચા હોવાથી તે જોખમી હોય વન વિભાગ સાવચેતીપુર્વક પ્રયાસ કરી રહ્યું છે.
  • લીલીયા તાલુકાના ક્રાંકચ વિસ્તારમાં
  • બચ્ચા સાથે હોવાથી જોખમ, સતત સાત-સાત દિવસના પ્રયાસો નિષ્ફળ
ગીર જંગલ વિસ્તાર ટુંકો પડતા અનેક સિહો જંગલ બહાર નિકળી જુદા જુદા વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે.તે પૈકી એક સિંહણ આશરે દસેક વર્ષથી ક્રાંકચ આસપાસના વિસ્તારમાં વસવાટ કરી રહી છે. આ સિંહણ પરિવારમાં હાલ ૩૦ જેટલા સભ્યો છે.આ સિંહણને થોડા વર્ષો પહેલા રિસર્ચ માટે વન વિભાગ દ્વારા આઈ.ડી.કોલર લગાવવામાં આવેલ, જે છેલ્લા બે વર્ષથી બંધ છે.જેથી સિંહણને ભારરૂપ બનેલ બંધ આઈ.ડી.કોલર કાઢી લેવા અનેકવારની રજુઆતો બાદ વન વિભાગ જાગેલ છે અને હવે જિલ્લા વન અધિકારી જે.કે.મકવાણાની સુચનાથી આ આઈ.ડી.કોલર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. સિંહણને હાલ ચારેક માસના બે બચ્ચા છે.બચ્ચાવાળી સિંહણ જોખમી છે.
જેથી આઈ.ડી.કોલર કાઢવા માટે પ્રયાસ કરી રહેલા આર.એફ.ઓ. એ.કે.તુર્ક, સ્થાનિક બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિલ, પ્રફુલભાઈ મહેતા વગેરે સાવધાનીપુર્વક પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ સાત દિવસની જહેમત છતાં સફળતા મળી નથી. સિંહણ સાથે બચ્ચા હોવાથી પાંજરે પુરવામાં નહીં આવે પરંતુ તેને બેહોશ બનાવી ગળામાં પહેરાવેલ આઈ.ડી.કોલર કાઢવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે. બીજી બાજુ સિંહણના વસવાટ નજીક શેત્રુંજી નદીના પટમાં પાણી ભરેલું હોવાથી સિંહણ કે, બચ્ચા પાણીમાં પડી ન જાય તેનો ખ્યાલ રાખવો પડે છે.
સિંહણનાં બચ્ચાના કાન પર ઈજા
સિંહણ સાથેના ત્રણથી ચાર માસના બે બચ્ચા પૈકી એક બચ્ચાના જમણાં કાન પર ઈજા થયાનું વન તંત્રના નજરે ચડયું હોય તેને સારવાર આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=92605

No comments: