Friday, April 29, 2016

ગીરનાં ગોવિંદપુરમાં સાવજોએ 5 દિ' માં 6 પશુનાં મારણ કર્યા

ગીરનાં ગોવિંદપુરમાં સાવજોએ 5 દિ' માં 6 પશુનાં મારણ કર્યા
  • Bhaskar News, Dhari
  • Apr 22, 2016, 00:27 AM IST
ધારી: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગામોમા તો દરરોજ રાત્રીના સુમારે સાવજો છેક ગામ સુધી આવી જતા હોય લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ધારીના ગોવિંદપુર ગામે તો છેલ્લા પાંચ દિવસમાં સાવજોએ છ પશુઓના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
 
- વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો : ગ્રામજનોમાં ફફડાટ

ધારી તાલુકાના ગોવિંદપુર ગામે છેલ્લા પાંચેક દિવસથી સાવજોના આંટાફેરાથી લોકોમા ફફડાટ જોવા મળી રહ્યો છે. ગીર જંગલમાંથી દરરોજ રાત્રીના સુમારે સાવજો ગામ સુધી આવી જતા હોય લોકોમા ભય ફેલાયો છે. અહી બે દિવસ પહેલા જંગલમાથી ત્રણ સાવજો રાત્રીના સુમારે ગામમા આવી ચડયા હતા. અને અહી ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ ઉપરાંત ગઇકાલે પણ અહી બેથી ત્રણ સાવજો આવી ચડયા હતા અને અહી રહેતા મનસુખભાઇ ભટ્ટી તેમજ પાંચાભાઇ રબારીની બે ગાય અને એક વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. સાવજો દરરોજ રાત્રીના સુમારે ગામમા ઘુસી આવતા હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઘટના અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં જ ધામા નાખતા હોવાથી ખેડૂતો વાડીએ જતા પણ ભય અનુભવી રહ્યાં છે. અવારનવાર સાવજો ગામમા ઘુસી દુધાળા પશુઓનુ મારણ કરી રહ્યાં છે. આ ઉપરાંત માણસ પરના હુમલાની પણ ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

No comments: