Friday, April 29, 2016

ભાવનગર: હિરામાં મંદી આવતા રોજીરોટી ગઇ ને બની ગયા સફળ ચિત્રકાર


ભાવનગર: હિરામાં મંદી આવતા રોજીરોટી ગઇ ને બની ગયા સફળ ચિત્રકાર

  • Dilip Raval, Amreli
  • Apr 12, 2016, 00:11 AM IST
ભાવનગર:ગુજરાતીમાં કહેવત છે મન હોય તો માળવે જવાય. અને ભાવનગરના રત્નકલાકાર યુવાને પોતાના જીવનમા આ કહેવતને સાર્થક કરી બતાવી છે. આ રાજપુત યુવાને પરિવારના પેટનો ખાડો પુરવા હિરા ઘસવાનુ કામ તો સ્વીકાર્યુ પરંતુ હિરા ઉદ્યોગમા ભયંકર મંદી આવતા રોજીરોટી છીનવાઇ ગઇ એટલે તેણે ચિત્રકલામા હાથ અજમાવ્યો. આજે આ યુવકની કલા દેશના સીમાડાઓ વટાવી વિદેશમા પણ સુવાસ પ્રસરાવી રહી છે. છ ગોલ્ડ મેડલ અને 17 અલગ અલગ ટ્રોફીઓ આ યુવાન મેળવી ચુકયો છે. અતુટ મહેનત અને કલાનો સંગમ કરી તેણે પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ કર્યુ છે. 
ભાવનગરમા બી-ડિવીઝન પાછળ આવેલા મફતપરામા રહેતા રાજપુત યુવાન રઘુવીરસિંહ ગોહિલે પરિવારની ગરીબીના કારણે નાનપણમા શિક્ષણથી વંચિત રહેવુ પડયુ હતુ. યુવાનીના ઉંબરે પગ મુકે મુકે ત્યાં પરિવારને આર્થિકરૂપે મદદરૂપ થવા હિરા ઘસવાનુ કામ સ્વીકારી લીધુ. દરરોજ હિરા ઘસી રૂપિયા 150 થી 200ની કમાણી કરી તેઓ પરિવારને મદદ કરતા હતા. પરંતુ 2008-09મા કુદરતે તેની કસોટી કરી નાખી. હિરા ઉદ્યોગમા ભયંકર મંદી આવી જેના કારણે અનેક કારખાના બંધ થઇ ગયા. રઘુવીરસિંહ ગોહિલની રોજીરોટી પણ છીનવાઇ ગઇ. મંદીના મારના કારણે બેકાર થયેલા યુવાનો અન્ય ધંધા રોજગાર તરફ વળી ગયા હતા. પરંતુ રઘુવીરસિંહ ગોહિલ પાસે ન તો કોઇ મુડી હતી કે ન તો કોઇ અન્ય ધંધાનો વિકલ્પ. 
નવરાશની આ પળો દરમીયાન તેણે ચિત્રકલા પર હાથ અજમાવ્યો. શરૂઆતમા કોરા કાગળ પર પેન્સીલથી અવનવા આકારો માંડયા. કુદરતે તેનામા ચિત્રકલાના ગુણ ભર્યા હતા જેથી તેણે કયારેય પાછુ વળીને જોવુ પડયુ નહી. આજે રઘુવીરસિંહના ચિત્રો દેશના સીમાડાઓ વટાવી છેક કેનેડા, ઓસ્ટ્રેલીયા, લંડન સુધી પહોંચી ચુકયા છે. ગુરૂ નિપુલભાઇના માર્ગદર્શન નીચે અનેક ચિત્ર પ્રદર્શનો યોજાયા. હનુમાનજી અને ભગવાન કૃષ્ણના જીવન ચરિત્ર પર આધારિત ચિત્રોનો શો રખાયો. ચિત્રકલાના ક્ષેત્રે તેમણે ભાવનગરનુ ગૌરવ વધાર્યુ છે.

શિક્ષણ નહોતુ એટલે નોકરી ન મેળવી શકયો- રઘુવીરસિંહ

રઘુવીરસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે નાનપણમા ગરીબાઇના કારણે શિક્ષણ મેળવી શકયો ન હતો. મારી પાસે કોઇ ડિગ્રી નથી. એટલે નાછુટકે આ કામ સ્વીકાર્યુ હતુ. જો મારી પાસે ડિગ્રી હોત તો હું પણ સારી નોકરી મેળવી શકયો હોત. 
સરકાર કલાકારો માટે નોકરી ઉભી કરે- બહાદુરસિંહ

ચિત્રકાર રઘુવીરસિંહના પાડોશી બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે સરકારે કલાકારો માટે નોકરી ઉભી કરવી જોઇએ. જેથી કલા ક્ષેત્રે નામના મેળવનારા લોકોને પ્રોત્સાહિત કરી શકાય. શિક્ષણ ન હોય તો શું થયુ તેમની પાસે આવડત તો છે ને. 
દેશ વિદેશમાં ચિત્ર પ્રદર્શનો

માત્ર ધોરણ-7 સુધી ભણેલા રઘુવીરસિંહે ચિત્રકલામા અત્યાર સુધીમાં છ ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને 17 ટ્રોફીઓ તથા 40 પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. કેનેડા, ઓસ્ટ્રેલીયા અને લંડન સુધી તેમના ચિત્રો પહોંચ્યા છે. આ ઉપરાંત ગોવા, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં તેમના ચિત્ર પ્રદર્શનો યોજાઇ ચુકયા છે.

No comments: