Friday, April 29, 2016

અમરેલી: નાગેશ્રીમાં ઘર બહાર ઉભેલી મહીલા પર દિપડાનો હુમલો

  • Dilip Raval, Amreli
  • Apr 12, 2016, 00:11 AM IST
    અમરેલી:અમરેલી જીલ્લામાં વન્ય પ્રાણીઓ અને માણસ વચ્ચેનું ઘર્ષણ વધી રહ્યુ છે. શિકારની શોધમાં નિકળેલા સિંહ-દિપડા જેવા હિંસક પ્રાણીઓ સતત માણસો પર હુમલો કરી રહ્યા છે. આવી વધુ એક ઘટનામાં આજે સવારે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે માર્કેટીંગયાર્ડમાં બકાલુ વેચવા જવા માટે ઘર બહાર ઉભેલી 42 વર્ષની એક મહિલાને શિકારની શોધમાં નિકળેલો દિપડો ઉપાડી ગયો હતો. લોકોએ મહા મુસીબતે આ મહિલાને દિપડાની પકડમાંથી છોડાવી હતી. પરંતુ દિપડાએ તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હોય મહિલાને સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવેલ છે. 
     દિપડાએ મહિલા પર હુમલો કર્યાની આ ઘટના આજે સવારે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના પાદર પાસે બની હતી. અહિં રહેતા દેવુબેન મોહનભાઇ પરમાર (ઉ.વ. 42) નામની મહિલા પર આ હુમલો થયો હતો.આ મહિલા આજે વહેલી સવારે માર્કેટીંગયાર્ડમાં શાકભાજી વેચવા જવાનું હોય તેની પૂર્વ તૈયારી માટે ઘરની બહાર બેઠી હતી તે સમયે અચાનક એક દિપડો ધસી આવ્યો હતો. દિપડો દેવુબેનને ઢસડીને થોડે દુર ખેંચી ગયો હતો. આ સમયે તેમણે રાડારાડ કરતા તેનો પરિવાર દોડી આવ્યો હતો. 
     મહિલાના પરિવારજનોએ હાકલા પડકારા અને દેકારો કરતા દિપડો તેમને મુકી નાસી છુટ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં દેવુબેનને લોહીલુહાણ કરી નાખ્યા હતાં. તેમને અહિંથી ગંભીર હાલતમાં સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. તેમની હાલત નાજુક ગણાવાઇ રહી છે. બીજી તરફ આ અંગે રાજુલા વનતંત્રને જાણ કરવામાં આવતા તેનો સ્ટાફ અહિં મોડી પહોંચ્યો હતો.

No comments: