Tuesday, May 31, 2016

નવભક્ષી સાવજ: કિશોરને ફાડી ખાધાની ઘટના બાદ વધુ 1 સિંહ પાંજરે પુરાયો


વનવિભાગનાં અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા


સિંહે બાળકને ફાડી ખાતા માત્ર પગના ટુકડા મળ્યા હતા

સાવજો પાંજરે પુરાયા હતા
વન વિભાગે સાવજોને પાંજરે પૂર્યા
  • Dilip Raval, Amreli
  • May 30, 2016, 00:39 AM IST
11 વર્ષનાં બાળકને સાવજે ફાડી ખાતા દોડી આવેલા વનવિભાગનાં અધિકારીઓ
ધારી: ગીરપુર્વની સરસીયા રેંજમા આંબરડી પાર્ક નજીક થોડા દિવસ પહેલા માનવભક્ષી સિંહે એક કિશોરને ફાડી ખાધાની ઘટના બની હતી. બાદમાં વનવિભાગને ઉપરથી મળેલી સુચના મુજબ અહી વસવાટ કરતા તમામ સાવજોને પાંજરે પુરી જસાધાર ખાતે મોકલી આપ્યા હતા. જો કે અહી વધુ એક સિંહ હોય પાંજરા યથાવત રાખવામા આવ્યા હતા ત્યારે ગતરાત્રીના એક સિંહ પાંજરે સપડાઇ જતા તેને જસાધાર ખાતે મોકલી આપવામા આવ્યો હતો આમ વનવિભાગે કુલ 17 સાવજોને હાલ નજરકેદ રાખ્યા છે. 

કુલ 17 સાવજો વનવિભાગની નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા

આંબરડી પાર્ક નજીક રાત્રીના વાડીમા ખુલ્લામા સુતેલા એક કિશોરને સિંહે ઉપાડી જઇ ફાડી ખાધો હતો. અહી બે માસમા ત્રીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ત્યારે અગાઉ વનવિભાગે ત્રણ સિંહને સાસણ ધકેલી દીધા હતા અને અન્ય 13 સાવજોને ઝડપી લીધા હતા. જો કે અહી વધુ એક સિંહ હોવાની વનવિભાગને શકયતા જણાતી હોય પાંજરા યથાવત રાખવામા આવ્યા હતા. ગઇકાલે અહી વધુ એક સિંહ પાંજરે પુરાઇ જતા તેને પણ જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો. આમ હાલ કુલ 17 સિંહો વનવિભાગની નજરકેદમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ સુધી માનવભક્ષી સિંહ કયો હતો તે વનવિભાગ નક્કી કરી શકયુ નથી. આ વિસ્તારમાં અવારનવાર માણસ પર સિંહના હુમલાની ઘટનાઓ વધી જતા લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો. વનવિભાગને ઉપરથી મળેલી સુચના મુજબ તમામ સાવજોને પકડી પાંજરે પુરવામા આવતા આ વિસ્તારના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
વન વિભાગે સાવજોને પાંજરે પૂર્યા
કિશોરને 500 મીટર દૂર ઢસડી જઇ શેત્રુંજીના પટ્ટમાં ફાડી ખાધો
 
ધારી: ગીરપૂર્વની સરસીયા રેન્જમા આંબરડી ગામની સીમમાં વધુ એક સાવજ માનવભક્ષી બન્યો છે. ગુરુવારે આંબરડી ગામની સીમમાં સરપંચની વાડીમાં ખેતી કરતા પરિવારના 11 વર્ષના કિશોરને રાત્રીના સમયે એક સાવજે ફાડી ખાધો હતો. સવારે કિશોરના મૃતદેહના કેટલાક ટૂકડા છૂટાછવાયા મળી આવ્યા હતા. છેલ્લા બે મહિનામાં સાવજોએ અહીં ત્રણ વ્યક્તિને ફાડી ખાધી છે. સિંહોના માનવ પરના હુમલા વધતા વન વિભાગ દ્વારા 13 સાવજોને પાંજરે પૂરવામાં આવ્યા હતા. અમરેલીના આંબરડીમાં સિંહ દ્વારા માણસને ફાડી ખાવાના ઉપરાછાપરી બનાવના પગલે વસાહતીઓમાં ભય ફેલાયો છે ત્યારે હાલ તો વન વિભાગ દ્વારા આંબરડી વિસ્તારને સિંહ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નજીકના ભવિષ્યમાં તો સિંહનો વસવાટ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના પગલે સિંહનો વર્ષો જૂનો વસવાટ છે તે આંબરડી ખાલી થઇ જશે. બીજીતરફ સિંહ દ્વારા માણસ ઉપર હુમલો કરી ફાડી ખાવાના કિસ્સા કેમ વધ્યા અને સિંહની વર્તણૂકમાં આ ફેરફાર કેમ આવ્યો તેનું સંશોધન-અભ્યાસ પણ વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિકોની મદદથી હાથ ધરવામાં આવશે.

સિંહ માનવભક્ષી કેમ બન્યો? માણસ પર હુમલા કેમ વધ્યા? વન વિભાગ સંશોધન કરશે

સિંહ દ્વારા માણસનું ભક્ષણ કરવાના કિસ્સાને પગલે રાજ્યના પૂર્વમંત્રી દિલીપ સંઘાણીએ આવા માનવભક્ષી સિંહ-દીપડાને મારવાની મંજૂરી આપતો પત્ર લખ્યો છે ત્યારે વન વિભાગના પીસીસીએફ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જે.એ. ખાને જણાવ્યું હતું કે, આ પ્રકારના છૂટાછવાયા કિસ્સાઓથી સિંહ માનવભક્ષી બની ગયો છે તે કહેવું ઉતાવળભર્યું ગણાશે. સિંહ માણસ ઉપર હુમલો કરે તેના ઘણા કારણો હોઇ શકે છે. ક્યારેક લોકો દ્વારા સિંહને ડિસ્ટર્બ કરાતા હોય છે. હાલ ગરમી હોવાથી લોકો ખુલ્લામાં સૂતા હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સા બનતા હોય છે.

માનવભક્ષી સિવાયના સિંહને પણ આંબરડીમાં નહીં છોડાય

સિંહ મૂળભૂતરીતે માનવભક્ષી નથી ત્યારે આવા કિસ્સા કેમ બને છે તેનો અભ્યાસ કરવાનો અમે નિર્ણય લીધો છે. સિંહ અભયારણ્ય, જંગલ વિસ્તારની બહાર આવી ગયા છે તેને કેવી રીતે મેનેજ કરી શકાય તે પણ વિચારી રહ્યા છીએ. જે.એ. ખાને કહ્યું કે આંબરડીમાં આ પ્રકારના દુખદ બનાવથી લોકોમાં ભય ફેલાયો છે તે વાત સાચી છે. અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ. અહીં 16 સિંહનું ગ્રૂપ વસે છે જેમાંથી 13ને પકડી લીધા છે અને બાકીના પણ પકડી લેવાશે. આ તમામનો સ્કાઇટ એનાલિસિસ જે ફોરેન્સિક ટેસ્ટ છે તે કરાશે અને માનવભક્ષીને શોધીને તેને રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલી અપાશે.

માનવભક્ષી નથી તેવા સિંહને ચીપ પહેરાવાશે

આંબરડીમાંથી પકડાયેલા 16 સિંહના ગ્રૂપનો ફોરેન્સિક ટેસ્ટ કર્યા પછી માનવભક્ષીને તો અલગ કરાશે પણ બાકીના સિંહને ટ્રેનિંગ આપીને તેમાં માઇક્રો ચીપ ગોઠવવામાં આવશે. જેમને અલગ અલગ ગ્રૂપમાં વિવિધ વિસ્તારોમાં છોડીને અભ્યાસ કરાશે. તેમની વર્તણૂક કેવી છે, તેમને ખોરાક-શિકાર મળે છે કે નહીં તેનું ઓબ્ઝર્વેશન કરાશે.

આંબરડીમાં બે પાંજરા યથાવત રખાયાં

ગીરપુર્વની આંબરડી રેંજમા સાવજો માનવભક્ષી બન્યાં છે. બે માસમા ત્રણ લોકોને સાવજોએ શિકાર બનાવતા છેલ્લા બે દિવસ દરમિયાન 13 સાવજોને પાંજરે પુરાયા છે. અહી અગાઉ પણ ત્રણ સાવજોને પકડી લેવાયા છે. આમ છતા હજુ આ વિસ્તારમાં વધુ ત્રણ સાવજો હોવાની આશંકાએ વનવિભાગ દ્વારા બે પાંજરા યથાવત રાખ્યા છે. જો કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અહી વધુ એકેય સાવજ નજરે પડયો ન હતો.
સાવજો પાંજરે પુરાયા હતા
આંબરડી નજીકથી બાકીના વધુ 3 સાવજો પાંજરે પુરાતા સંખ્યા 16 થઈ

વનતંત્ર દ્વારા નરભક્ષી સાવજને શોધવા માટે ઐતિહાસિક કાર્યવાહી થઇ રહી છે. ધારી નજીક આંબરડી આસપાસ 16 સાવજોનું ગૃપ વસે છે. આ સાવજોએ પાછલા બે માસથી અહી કાળો કેર વર્તાવ્યો છે.
 
તમામ 16 સાવજો વનતંત્રના કબજામા પહોંચી જતા ભયભિત લોકોને હાશકારો

સામાન્ય રીતે સાવજો માણસનો શિકાર કરતા નથી. અને જો કોઇ સાવજ આવી રીતે માણસનો શિકાર કરે તો વનતંત્ર દ્વારા તેને કાયમ માટે કેદ કરી દેવામા આવે છે. કારણ કે એક વખત માણસનુ લોહી ચાખી ગયેલો સાવજ બીજી વખત પણ માણસ પર હુમલો કરે તેવી શકયતા રહે છે. આંબરડી પાર્ક આસપાસ અગાઉ સાવજે માણસને ફાડી ખાધાની બે ઘટના બની હતી તે સમયે વનતંત્રએ આ નરભક્ષી સાવજોને શોધી કાઢયાનો દાવો કરી ત્રણ સાવજોને કેદ કર્યા હતા.

આમ છતા થોડા દિવસ પહેલા આંબરડી ગામની સીમમાં વાડીમા ઓરડી બહાર સુતેલા 11 વર્ષના એક બાળકને સાવજે ઉપાડી જઇ બાળકને ફાડી ખાધો હતો. આમ ટુંકાગાળામાં માણસના શિકારની ત્રણ ત્રણ ઘટના બનતા વનતંત્ર પર માછલા ધોવાનુ શરૂ થયુ હતુ જેને પગલે તંત્રએ ઐતિહાસિક નિર્ણય કરી આ વિસ્તારના બાકી બચેલા તમામ 13 સાવજોને પાંજરે પુરવા નિર્ણય કર્યો હતો.

ગઇકાલ સુધીમાં અહી સાત પાંજરા ગોઠવી વનતંત્ર દ્વારા દસ સાવજોને પાંજરે પુરવામા આવ્યા હતા જયારે બાકી બચેલા ત્રણ સાવજો માટે પાંજરા યથાવત રખાયા હતા. દરમિયાન ગઇરાત્રે બાકી બચેલા આ ત્રણ સાવજો પણ પાંજરામા સપડાયા હતા. આમ આંબરડી આસપાસ વસતા તમામ 16 સાવજો તંત્રના કબજામા આવી જતા આખરે આ વિસ્તારમા વસતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

13 સાવજોને 72 કલાક સુધી પાંજરામાં રખાશે
 
વનવિભાગે આંબરડી નજીકથી 13 સાવજોને પકડી તો લીધા પરંતુ આ 13 સાવજોમાથી માનવભક્ષી સાવજ કેટલા છે તે શોધવાનુ કામ કપરૂ છે. જો કે વનવિભાગ પાસે તેની કેટલીક તરકીબો પણ છે. સાવજોનું બિહેવીયર પણ ઘણુ બધુ કહી જાય છે. જેને પગલે હાલમા આ તમામ 13 સાવજોને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં નિગરાની હેઠળ રાખવામા આવ્યા છે. વળી આ તમામ 13 સાવજોને અલગ અલગ પાંજરામા રાખવામા આવ્યા છે. અને અહીનો સ્ટાફ તેના પર સતત નજર રાખી રહ્યો છે.
વનવિભાગનાં અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા
અગાઉ માનવભક્ષીને બદલે નિર્દોષ સિંહોને પકડી લેવાયા હતા ?
 
ધારી નજીક બની રહેલા આંબરડી પાર્ક આસપાસના વિસ્તારમાં બે માસમાં સાવજોએ ત્રણ વ્યકિતઓને ફાડી ખાધાની ઘટના બાદ નરભક્ષી સાવજને શોધવાની વનતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ પણ માણસને ફાડી ખાધાની બે ઘટના બની હતી અને તે વખતે વનતંત્રએ ત્રણ સાવજોને નરભક્ષી ગણી પાંજરે પુરી દીધા હતા. છતા ત્રીજી ઘટના બની હતી. ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ખરેખર વનતંત્રએ જે ત્રણ સાવજોને પકડી તો લીધા પરંતુ શું ખરેખર તેઓ નરભક્ષી હતા?

અહીં બીજા અનેક સવાલો ઉભા થયા છે. શું અહી એક પછી એક સાવજો નરભક્ષી બની રહ્યાં છે. કે પછી માણસ પર હુમલાની ઘટનાનું સાવજો એકબીજાનું અનુકરણ કરી રહ્યાં છે. કે પછી એક જ સાવજ આવા હુમલા કરે છે અને વનતંત્ર તે સાવજને પકડી શકયુ નથી દરેક કિસ્સામાં સાવજ શિકારને ઢસડીને નદીના પટ્ટમા લઇ જાય છે. આમ અગાઉ હુમલો કરનાર સાવજ હજુ પણ ખુલ્લો રખડતો હોવાની શકયતા વધુ છે.
 
5 પાંજરા અને 2 રિંગકેજની મદદ લેવાઇ
 
અહીથી સાવજોને પકડી લેવા માટે ધારી, સાવરકુંડલા વિગેરે સ્થળેથી રેસ્કયુ ટીમોને બોલાવાઇ હતી. જુદાજુદા વિસ્તારમાં 5 પાંજરા ગોઠવાયા હતા. આ ઉપરાંત 2 રીંગકેજ પણ લગાવવામા આવ્યા હતા. અને તેની મદદથી આ સાવજોને પકડી લેવાયા હતા.
 
માનવભક્ષીની ઓળખ કેવી રીતે થાય છે...
 
સિંહ જ્યારે કોઇ માણસ ઉપર હુમલો કરે પછી તેનેશોધવાની કવાયત શરૂ થાય છે. ઘટના નિહાળનાર લોકોના નિવેદન, ક્યા વિસ્તાર તરફ ગયો, તેના લક્ષણો, માણસભક્ષી સિંહના મળમાંથી પણ માનવઅંગોના અવશેષો મળતા હોય છે. આ બધી બાબતોનો અભ્યાસ કરીને બેથી ત્રણ શંકાસ્પદ સિંહોને પકડવામાં આવે છે અને તેમનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાય છે જેમાં ચોક્કસ રિપોર્ટ આવતા માનવભક્ષીને પાંજરામાં કેદ કરાય છે જ્યારે અન્યને છોડી મૂકાય છે.
 
હિંસક પ્રાણીથી હુમલામાં મોતની સહાય 4 લાખ કરાશે
 
- રાજ્યમાં હિંસક પ્રાણીથી થતા હુમલામાં મોત નિપજવાના કિસ્સામાં પરિવારને અપાતી વળતરની રકમમાં વધારો કરવાની વિચારણા રાજ્ય સરકારે હાથ ધરી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે સહાયની રકમ અગાઉ 1.50 લાખ હતી.
- છેલ્લે 1 ઓક્ટોબર 2015થી તેમાં વધારો કરી હાલ 2.25 લાખની સહાય ચૂકવવામાં આવે છે. હવે રાજ્ય સરકાર દ્વારા પૂર અને કુદરતી આપત્તિઓમાં એસડીઆરએફમાંથી અપાતી 4 લાખની સહાય આ પ્રકારના કિસ્સામાં પણ લાગુ કરવાની વિચારણા હાથ ધરાઇ છે.
- સાવજોએ જયારે માનવ માંસ ખાધુ હોય ત્યારે 72 કલાક બાદ જે તે સિંહોના મળનુ પરીક્ષણ કરવામાં આવે છે. સાવજના મળને સુકવ્યા બાદ તેમનુ પરિક્ષણ કરાશે. - ડો. હિતેષ વામજા, વન વિભાગના વેટરનરી ડોક્ટર
- દસ સાવજોને પકડી લેવામા આવ્યા છે. અને હજુ અહી ત્રણ સાવજો ખુલ્લા છે તેને ઝડપથી પકડી લેવાશે. જસાધારમા રહેલા દસ સાવજોમાથી ત્રણને સાસણ લઇ જવાશે.  - ટી. કરૂપ્પાસામી, ડીએફઓ
- સિંહનો શિકાર બનેલા બાળકના પિતાને આજે મેડી તરવડા ખાતે સરપંચ સહિતના આગેવાનોની હાજરીમાં સ્ટાફ દ્વારા રૂપિયા 2.25 લાખનો ચેક અર્પણ કરાયો હતો.  - પરમાર, ગીરપુર્વના ઇન્ચાર્જ એસીએફ
- આવા બનાવ દુખદ છે આવા સિંહોને રેસ્ક્યૂ સેન્ટરમાં જ રખાય છે. જેને પછી ક્યારેય ખુલ્લામાં છોડાતા નથી..  - જે.એ.ખાન, ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન
સિંહે બાળકને ફાડી ખાતા માત્ર પગના ટુકડા મળ્યા હતા
ધારીઃ ગીરપૂર્વની સરસીયા રેન્જમા આંબરડી ગામની સીમમાં વધુ એક સાવજ માનવભક્ષી બન્યો છે. ગુરુવારે આંબરડી ગામની સીમમાં સરપંચની વાડીમાં ખેતી કરતા પરિવારના 11 વર્ષના કિશોરને રાત્રીના સમયે એક સાવજે ફાડી ખાધો હતો. સવારે કિશોરના મૃતદેહના કેટલાક ટૂકડા છૂટાછવાયા મળી આવ્યા હતા. છેલ્લા બે મહિનામાં સાવજોએ અહીં ત્રણ વ્યક્તિને ફાડી ખાધી છે.
 
માત્ર બે માસમાં સાવજોએ આંબરડી પાર્ક નજીક ત્રીજી વ્યક્તિને ફાડી ખાધી

અમરેલી તાલુકાના મેડી તરવડા ગામના મધુભાઇ સોલંકી નામનો દેવીપુજક યુવાન પોતાના 11 વર્ષના પુત્ર જયેશ સાથે વાડીની ઓરડી બહાર ખાટલા પર સુતા હતા. પિતા પુત્ર વહેલી સવારની ગાઢ નિદ્રાં માણી રહ્યાં હતા ત્યારે શિકારની શોધમા નીકળેલો એક સાવજ વાડીમા આવી ચડ્યો હતો. સાવજે 11 વર્ષના જયેશ પર હુમલો કરી દીધો હતો. સાવજના હુમલાના કારણે જયેશે અવાજ કરતા તેના પિતા જાગી ગયા હતા. સાવજના મોમાંથી પોતાના પુત્રને છોડાવવાનો પ્રયાસ કરતા સાવજે તેમને પણ ઘાયલ કરી દીધા હતા.
 
ભૂતકાળમાં પણ બેને ફાડી ખાધા હતા

19મી માર્ચના રોજ આંબરડીની સીમમાં વાડીમા સુતેલા મોટા આંકડીયાના જીણાભાઇ મકવાણાને સાવજે વહેલી સવારે ઢસડી જઇ ફાડી ખાધા હતા. જ્યારે 11મી એપ્રિલે ભરડ ગામની સીમમાં સાવજે વાડીમા ખુલ્લામા સુતેલા લાભુબેન ધીરૂભાઇ સોલંકી નામની મહિલાને ઢસડી જઇ ફાડી ખાધી હતી.  

પગના ટુકડા મળ્યા

પિતાની નજર સામે જ સાવજ કિશોરને ઉપાડી જઇ ફાડી ખાધો હતો. રાતના અંધારામા તેને સાવજ ઢસડી ગયા બાદ સવારે માત્ર પગ અને સાથળના ટુકડા મળી આવ્યા હતા. શરીરનો બાકીનો ભાગ સાવજ ખાઇ ગયો હતો.

સિંહ અનુકરણ કરે છે

જાણકારોનુ કહેવું છે કે સંગતની અસર માત્ર માણસ નહીં પણ સાવજ પર પણ થઇ રહી છે અને અન્ય સાવજોએ જે રીતે માણસ પર હુમલો કરી તેને ફાડી ખાધા હતા તેનું અનુકરણ બાકીના સાવજો પણ કરતા હોવાનુ એક અનુમાન છે.

No comments: