Tuesday, May 31, 2016

પીપાવાવ નજીક સાવજોની લટારો, ગરમીથી બચવા નિકળ્યા ઠંડકની શોધમાં


પીપાવાવ નજીક સાવજોની લટારો, ગરમીથી બચવા નિકળ્યા ઠંડકની શોધમાં

  • Bhaskar News, Rajula
  • May 29, 2016, 00:37 AM IST
રાજુલાઃ ગીર જંગલમાં વસતા સાવજો દરિયાઇ કાંઠા વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં પણ મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. આ સાવજો અવારનવાર માર્ગો પર આંટાફેરા મારતા નજરે પડી જાય છે. હાલ આકરી ગરમી સાવજોને પણ અકળાવી રહી હોય તેમ સાવજો ખુલ્લા મેદાન કે માર્ગો પર લટારો મારતા જોવા મળી રહ્યાં છે. લોકો પણ સિંહ દર્શનનો લ્હાવો લેવાનુ ચુકતા નથી. અહીના પીપાવાવ બીએમએસ માર્ગ નજીક તો દરરોજ સાવજો લટારો મારતા નજરે પડે છે.  
 
સાવજો પણ ઠંડક મેળવવા માટે માનવ વસાહત પાસેના પુલ નીચે અડ્ડો જમાવી બેસી રહે છે

રાજુલા નજીક પીપાવાવ બીએમએસ રોડ નજીક પુલ પાસે ચાર સાવજોનું ટોળુ આંટાફેરા મારતુ નજરે પડયુ હતુ. હાલ આકરી ગરમીના કારણે સાવજો પણ અકળાયા હોય તેમ ખુલ્લા મેદાનો કે ઠંડક મેળવવા આમથી તેમ આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. સાવજો અહીના પુલ નીચે એકઠા થઇ ધીંગામસ્તી કરતા પણ જોવા મળ્યાં હતા. આ વિસ્તારમાં અવારનવાર સાવજો માર્ગ પર આવી જતા હોય છે. વનવિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં એક ગાર્ડ અને ફોરેસ્ટર સાવજોના રક્ષણ માટે મુકવામા આવ્યા છે.  આ વિસ્તારમાં વનવિભાગના સ્ટાફ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામા આવી રહ્યું છે.

આ વિસ્તારમાં સિંહ દર્શનની લહાયમા અનેક લોકો આવી ચડે છે. અનેક વખત ટીખળ પણ કરતા હોય વનવિભાગ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરવામા આવે છે. આ વિસ્તારમાં વનવિભાગનુ પેટ્રોલીંગ શરૂ હોય આવા તત્વો અહી આવવાનુ ટાળે છે. આ વિસ્તારમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા સતત પગલાઓ લેવામા આવી રહ્યાં છે તેમ પ્રકૃતિપ્રેમીઓ જણાવી રહ્યાં છે.

No comments: