Tuesday, May 31, 2016

કેસરની લ્હાયમાં દેશી કેરી નામશેષ બની


કેસરની લ્હાયમાં દેશી કેરી નામશેષ બની

  • DivyaBhaskar News Network
  • May 30, 2016, 05:35 AM IST
અમરેલીપંથકમાં કેસર કેરીની મોટાપાયે ખેતી કરવામાં આવે છે. છેલ્લા બે દાયકાથી કેસરની પધ્ધતિસરની ખેતી થવા માંડી છે. પરંતુ તેની આડઅસર જોવા મળી કે દેશી કેરી નામશેષ થઇ ગઇ. કેસરની સરખામણીમાં દેશી કેરીનો સ્વાદ ક્યાય હરિફાઇમાં ટકે તેમ નથી. તો કેસરની ખાસીયાત છે. પણ તેના કારણે વર્ષો પહેલા જ્યાં જ્યાં દેશી કેરીના થોડાઘણાં આંબા ઉભા હતાં તે ક્રમશ: કપાવા લાગ્યા અને આજે અમરેલી જીલ્લામાં દેશી કેરીના ગ્ણયા ગાંઠ્યા આંબા ઉભા છે.

દેશભરમાં કેસર કેરીએ અમરેલી અને જુનાગઢ જીલ્લાને ગૌરવ અપાવ્યુ છે. તેનો સ્વાદ અનોખો છે. તેની સોડમ અનોખી છે.જેના કારણે તે દેશભરમાં સુવિખ્યાત છે. પરંતુ કેસર કેરીએ દેશી કેરીનો ભોગ લઇ લીધો છે. એક સમયે અમરેલી જીલ્લા આખામાં કેસર કેરી મોટા પ્રમાણમાં પાકતી હતી. દેશી કેરીની ખાસીયત છે કે લગભગ દરેક આંબામાં તેનો સ્વાદ અલગઅલગ હોય છે. તેની સોડમ અલગઅલગ હોય છે. વળી કેસરની સામે તો તે ક્યાંય ટકતી નથી.

દેશી કેરીનુ ખેડુતોને વળતર પણ મળતુ નથી. નાખી દેવાના ભાવમાં પણ ખરીદી નહીવત જોવા મળે છે. પરિણામ આવ્યું કે ખેડુતો કેસર તરફ વળી ગયા. કેસરની પધ્ધતિસરની ખેતી થવા લાગી. દેશી કેરીના આંબાના મુળ જમીનમાંથી ઉખડવા લાગ્યાં. આજે અમરેલી જીલ્લામાં દેશી કેરીના નામમાત્રના આંબા બચ્યા છે. ગીર કાંઠાના ગામોમાં ક્યાંક કોક ખેડુતના ખેતરના શેઢે કદાચ દેશી કેરીનો આંબો ઉભો જોવા મળી જાય. ક્યાંક જુદી જુદી કેરી પકાવવાના શોખીન ખેડુતને ત્યાં આંબા જોવા મળી જાય. અથવા તો ગીર જંગલમાં આપમેળે ઉગી નીકળેલા આવા આંબા જોવા મળી જાય. દેશી કેરીની ખેતી કરી બજારમાં તે વેચવાની તો વાત જવા દો. દેશી કેરીની જાતો પૈકી કેટલીક જાતોની મીઠાશ અદ્દભુત હોય છે. એક વખત સ્વાદ ચાખવા જેવો તો ખરો જ.

દેશી કેરીનું વળતર મળતા ખેડૂતો કેસર તરફ વળ્યા, હવે તેની ઉપજમાંથી પણ કંઇ મળતું નથી

પંથકમાં દેશી કેરીનાં વૃક્ષો ગણ્યાં ગાંઠ્યા બચ્યા છે : હવે કયાંક સ્વાદ ચાખવા મળે છે

સૌથી મોટો પ્રશ્ન વળતરનો

દેશીકેરીની સરખામણીમાં કેસરનું વળતર સ્વાભાવિક રીતે વધુ મળે છે. દેશી કેરી પાણીના ભાવે પણ બજારમાંથી કોઇ ખરીદતુ નથી.પાકી ગયા પછી તે ઝડપથી ખરાબ થઇ જાય છે. કેરી કાચી વેચી નાખવામાં થોડુ વળતર જરૂર મળે છે. ટુંકા ગાળા માટે અથાણું બનાવવામાં કે રોજીંદા કાચી કેરીના ઘરવપરાશ માટે કેરી જરૂર ચાલી જાય છે.

દરેક આંબાનો સ્વાદ અલગ-અલગ

દેશીકેરીની એક બીજી ખાસીયત પણ છે. કેરીનો સ્વાદ એકધારો હોતો નથી. દરેક આંબામાં તેનો સ્વાદ અલગઅલગ હોય છે. એટલુ નહી દેશી કેરીના ગોટલામાંથી કે કલમમાંથી બીજો આંબો ઉગાડવામાં આવે તો તેનો સ્વાદ પણ ફરી જાય છે. ક્યારેક તો એક આંબામાં પણ જુદી જુદી ડાળ પર કેરીનો સ્વાદ ફરી જાય છે.

No comments: