Saturday, May 30, 2020

ગીરમાં સિંહો ટપોટપ મરે છે ને વન વિભાગ અઠવાડિયાથી કારણ શોધે છે: મોતનું કારણ બેબસીયા હોવાનું વન્યજીવ સંરક્ષણ કાર્યકરનું તારણ


6સિંહોને મુક્ત કરવામાં આવ્યા

  • ગાંધીનગરની ટીમોએ 5 દિવસથી જંગલ વિસ્તારમા સ્ક્રિનિંગ અને સેમ્પલ લેવાની ઝૂંબેશ શરૂ કરી છે
  • ફોરેસ્ટ અને ગાર્ડ જેવા કર્મીઓને આ કામગીરીથી દૂર રખાયા, માહિતી લીક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સુચના 

દિવ્ય ભાસ્કર

May 08, 2020, 08:01 AM IST

અમરેલી. ખાંભા, તુલસીશ્યામ રેન્જમાં થોડા દિવસ પહેલા વન વિભાગ દ્વારા 13 સિંહોને રેસ્ક્યુ કર્યા હતા. તમામ સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝેર્વેશન હેઠળ રખાયા હતા. જેમાંથી વન વિભાગ દ્વારા આજે 6 સિંહોને ફરી તુલસીશ્યામ રેન્જમાં મુક્ત કરવામાં આવ્યા છે. વન વિભાગ શંકાના ઘેરામાં આવતા આજે સિંહોના વીડિયો સીસીએફ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. કેટલાય દિવસથી મીડિયાને દૂર રાખી જંગલ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી છે. સિંહોના સતત મોત થઇ રહ્યા છે તેનો આંકડો વન વિભાગ દ્વારા છૂપાવવાનો હજુ પણ પ્રયાસ જારી છે. સિંહોના મોત મામલે વનવિભાગ હજુ પણ મૌન સેવી રહ્યું છે. આ અંગે વન્યજીવ સંરક્ષણ કાર્યકર મનીષ વૈદ્યએ એવું તારણ કાઢ્યું છે કે સિંહોના મોત પાછળ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) કારણભૂત છે. આ શક્યતા નકારી શકાય નહીં.

ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા: વન્યજીવ સંરક્ષણ કાર્યકર

વન્યજીવ સંરક્ષણ કાર્યકર મનીષ વૈદ્યએ જણાવ્યું હતું કે, ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) આ બાબેસીયા વન્યજીવોમાં પિરોપ્લાઝ્મોસિસ: ઇટાલિયન આલ્પ્સમાં બેબીઝિયા અને થેલેરિયા મુક્ત રીતે વિહરતા ખરીવાળા સસ્તન પ્રાણી અને માંસાહારીને અસર કરે છે. બેબીસિયા તે એપીકોમ્પ્લેક્સ પરોપજીવી છે. બેબીસીયા એ ટિક-જન્મેલા ઇન્ટ્રોસેલ્યુલર એરિથ્રોસાયટીક હીમોપ્રોટોઝોઆન પરોપજીવી બેબીયોસિસનું કારણ છે. આ રોગ લાલ લોહીના કોષોને હેમોલિટીક એનિમિયા દ્વારા વર્ગીકૃત થયેલ લક્ષણો સાથે ચેપ લગાવે છે. બેબીસિયા વિશ્વભરમાં ટિક (જૂવો) ઝૂનોસિસના કારણ તરીકે ઉભરી રહી છે અને મુક્ત જીવંત પ્રાણીઓ અનેક ઝૂનોટિક બેબીયા પ્રજાતિમાં પણ જોવા મળે છે. ફક્ત ચેપગ્રસ્ત બગાઇ જે ચેપગ્રસ્ત પ્રાણીના લોહીને ખવડાવવાથી રોગને વહન કરે છે તે જ રોગને સંક્રમિત કરે છે અને પેઢીમાં ચેપ પસાર કરી શકે છે. એપ્રિલના અંતમાં છેલ્લા 2 મહિનામાં 25 સિંહો મૃત્યુ પામ્યા હતા અને લગભગ સંભવિત રોગગ્રસ્ત દેખાતા 13 જેટલા સિંહોને પકડીને પાંજરામાં પૂરવામાં આવ્યા હતા. હજી આજ તારીખ સુધીમાં કેટલા સિંહોના મૃત્યુ થયા છે તે આંકડો રહસ્યમય છે.

દલખાણીયા રેન્જમાં એકસાથે 23 સિંહો મોતને ભેટ્યા હતા

સમગ્ર વિશ્વમાં માનવ જીવો પર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના સામે લડી રહી છે. તેવા સમયે હવે ફરીવાર ગીરના પ્રસિદ્ધ એશિયાટીક સિંહો પર મોતના સંકટથી ગીરથી ગાંધીનગર સુધી વનવિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. છેલ્લા કેટલાય દિવસોથી વનવિભાગ ભેદી રોગચાળાને શોધવા માટે કામે લાગી ગયું છે. પરંતુ હજુ સુધી કોઈ શું થઇ રહ્યું છે, કેવી રીતે સિંહો મોતને ભેટી રહ્યા છે તેની લઇને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ડોક્ટરો સતત ચર્ચા કરી રહ્યા છે. જ્યારે કેટલાક સ્થાનિક લોકો એવુ માની રહ્યા છે અગાઉ દલખાણીયા રેન્જમાં પ્રખ્યાત તંદુરસ્ત સિંહો જે રીતે ટપોટપ 23 જેટલા મોતને ભેટ્યા હતા અને CDV નામનો રોગ હોવાનુ ખુલ્યું હતું. તેજ હોવાનુ સ્થાનિક જંગલના ગ્રામીણ વિસ્તારના લોકો માની રહ્યા છે. જ્યારે આ અંગે વનવિભાગ આ વાતને નકારી રહી છે અને થોડા દિવસ પહેલા ધારી ડીસીએફ ડિવીઝન ખાતે જૂનાગઢ સીસીએફ વસાવડા દોડી આવ્યા હતા અને ખુલાસો કર્યો હતોકે આ રોગ નથી. રેસ્ક્યુ રૂટિન પ્રક્રિયા હોવાનું પણ મીડિયા સમક્ષ કહ્યું હતું. જ્યારે વનવિભાગની પણ એટલી જ ચિંતા વધી છે.


13 સિંહોના એક સાથે રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રખાયા હતા

વનસુત્રોમાંથી એવી પણ વિગતો મળી રહી છે સિંહો પર ભયાનક સંકટ આવ્યું છે. હવે સત્તાવાર રીતે કોણ જાહેર કરે? તે સૌથી મોટી ચિંતા છે. સ્થિતિ બગડતી જાય છે તેવા સમયે પહેલા સમગ્ર ઘટનાક્રમ કંટ્રોલ કરવા કામે લાગવાની સુચના મળી છે. જ્યારે સૌપ્રથમ ખાંભા તુલસીશ્યામ રેન્જના 13 સિંહોના એક સાથે રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રખાયા હતા. તેમાં કેટલાક સિંહ બાળ સહિતના મૃત્યુ થયાની વાત છે. પરંતુ વનવિભાગ આ મુદ્દે તપાસ કરી ખુલાસો કરવા માટે કહી રહ્યા છે. જ્યારે ધારી ગીર ડિવીઝનના મોટાભાગના અધિકારીઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. જ્યારે તુલસીશ્યામ ખાંભા રેન્જમાં તાજેતરમાં રેસ્ક્યુ કરાયેલા સિંહોના 5થી 7 સિંહો ના મૃત્યુ થયાની વાત સામે વનવિભાગ ભેદી મૌન સેવ્યું છે. જ્યારે ધારી ગીર પૂર્વના આંબરડી, ગઢીયા, દલખાણીયામા પણ સિંહો મોતને ભેટી રહ્યા છે. પરંતુ સિંહોના મોતના આંકડા હવે ફરીવાર છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  સમગ્ર ઘટનાના પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડતા ગાંધીનગર વાઈલ્ડ લાઈફ પીસીસીએફ શ્યામલ ટીકાદાર સહિત ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરોની ટીમ જંગલ વિસ્તારમાં દોડી આવ્યા હતા અને 3 દિવસથી જંગલ વિસ્તારમાં ધામા નાખ્યા છે અને રાત્રી રોકાણ પણ જંગલમા રાખ્યું હતું.  તેમની હાજરીમાં કેટલાક સિંહોના સેમ્પલ લેવાય રહ્યા છે. જ્યારે પીસીસીએફ ધારી ગીર અને ખાંભા તુલસીશ્યામ રેન્જ અને નાનકડી પીપળવા રાઉન્ડ જેવા વિસ્તારની પણ મુલાકાતો લીધી હતી અને રાત્રીના તેમની હાજરીમાં અનેક રેસ્ક્યુ કરી સેમ્પલ લેવાય રહ્યા છે. ત્યારે ખૂબ મોટો ભેદી વાઇરસની વનવિભાગને આશંકા છે. પરંતુ વનવિભાગના ડોક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ હજુ સુધી જાણી શક્યા નથી તે પણ વાસ્તવિકતા છે. 


સમગ્ર મામલે સીસીએફ શું કહી રહ્યા છે

સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 19 સિંહોના રેસ્ક્યુ કર્યા અને કોઈ રોગ નથી. સિંહોના મોત અંગે જવાબ દેવાનુ ટાળ્યું હતું અને કહ્યું હતુ કે, મોત
અંગે તપાસ કરીને કહીશ. 


ગીરના અનુભવી ડી.સી.એફ. અંશુમન શર્માને તાકીદે સ્પેશિયલ કેસમાં ધારી લવાયા

સિંહોના સતત મોતના કારણે વનવિભાગ દ્વારા પાલનપુરથી ડી.સી.એફ.અંશુમન શર્માને તાત્કાલિક ધારી ડિવીઝનમાં સ્પેશિયલ કેસમાં મુકાયા છે. ડી.સી.એફ.અંશુમન શર્મા અગાઉ ધારી ગીરમાં ફરજ બજાવી ચૂકેલા છે. ગીરના જંગલના સિંહો અને વન્યપ્રાણીમાં અનુભવ સાથે સ્ટાફ પાસેથી કામ કેવી રીતે લેવુ અને સ્થાનિક ગીરના ગ્રામ્ય વિસ્તારમાં આ અધિકારી ખૂબ લોકપ્રિય છે. આવા સમયે તેમની વનવિભાગને જરૂર હોવાનુ જાણવા મળી રહ્યું છે
.

 મોંમાંથી લોહી નીકળવા અને નખ તૂટી જવાની ગંભીર ઘટના

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિંહોના રેસ્ક્યુ દરમિયાન કેટલાક લક્ષણો જોવા મળ્યા છે. જેમાં મોંમાંથી લોહી નીકળવા અને નખ તૂટી જવા જેવી ગંભીર ઘટના સામે આવ્યાનું ચર્ચાઇ રહ્યું છે. તેને લઇને અફડા તફડી સર્જાઇ છે. જો કે આ વાત સાથે કોઈ સત્તાવાર રીતે સમર્થન આપવાનું ટાળી રહ્યા છે.


આર.એફ.ઓ. કક્ષાના અધિકારીઓને મીડિયાથી દૂર રેહવા કોની સૂચના

ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગીરની રેન્જમાં ફરજ બજાવતા આર.એફ.ઓ., સિનિયર ફોરેસ્ટરો મીડિયાથી દૂર રહેજો માહિતી લીક થશે તો કડક કાર્યવાહીની સુચનાના આદેશથી વનવિભાગના કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આ કડક સુચના આપનાર અધિકારી કોણ છે તેની પણ ભારે ચર્ચા શરૂ થઇ છે.


ધારી ગીર ડિવીઝનમાં બદલીના ભણકારા?

ધારી ગીર ડિવીઝનમાં રેન્જ અને રાઉન્ડમાં અધિકારી અને કર્મચારીઓની બદલીના ભણકારા વાગી રહ્યા છે. કેટલાક અધિકારીઓ અને કર્મીઓની થોડા દિવસોમાં બદલી પણ થવાની શકયતા સેવાઇ રહી છે.

(અહેવાલ-તસવીરો: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/lions-death-in-gir-so-forest-team-found-reason-127279157.html

No comments: