Tuesday, May 3, 2011

સક્કરબાગમાં કેનેડાથી રેડ કાંગારૃ અને ક્યુમા આવશે.

જૂનાગઢ, તા.૧
એશિયાઈ સિંહોના સંવર્ધનના કારણે સમગ્ર ભારતમાં જાણીતું બનેલું જૂનાગઢનું સક્કરબાગ ઝૂ જોવાલાયક વન્યસૃષ્ટિની બાબતમાં પણ ભારતમાં સુપર પાવર બની રહ્યું છે. કેનેડાથી ચાર, વડોદરાથી છ અને સુરતથી નવ મળી કુલ ૧૯ પ્રકારના નવા પ્રાણીઓ તથા પક્ષીઓ નજીકના સમયમાં સક્કરબાગ ઝૂ માં આવી રહ્યા છે. જેના બદલામાં અહીથી ત્રણેય સ્થળોએ સિંહોની એક-એક જોડી મોકલવામાં આવશે.
  • ભારતમાં પ્રથમવાર જ આવતા પ્રાણીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
કેનેડાથી બે પ્રકારના પ્રાણીઓ રેડ કાંગારૃ અને ક્યુમા ભારતમાં પ્રથમ વખત આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં એક માત્ર સ્થળ સક્કરબાગમાં જ ચિત્તાઓ પણ છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલા નવા પ્રાણી-પક્ષીઓને લઈને સક્કરબાગ દેશભરમાં નવા નઝરાણા ધરાવતું એક માત્ર પ્રાણીસંગ્રહાલય બની રહેશે.
મૈસુર ઝૂ માંથી તાજેતરમાં લાવવામાં આવેલ મલાબાર ખિસકોલી અને ગોર ને આજે પ્રવાસીઓને નિહાળવા માટે ખુલ્લા મૂકાયા હતાં. આ બન્ને નવા નઝરાણાઓને ખુલ્લા મૂકતા મુખ્ય વનસંરક્ષક(વન્યપ્રાણી વર્તુળ) આર.એલ.મીનાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં સક્કરબાગમાં હજી પણ વધારે પ્રાણી-પક્ષીઓ આવી રહ્યા છે. વિદેશમાં વસવાટ કરતી તેમજ દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળતી વન્યજીવ સૃષ્ટિને સક્કરબાગ ઝૂ માં લાવવા માટેના પ્રયાસો શરૃ કરાયા છે. તથા દર એકાદ મહિને સક્કરબાગમાં નવુ નઝરાણુ પ્રવાસીઓ માટે હવેથી જોવા મળશે.
કેનેડાના ઝૂ માંથી આવી રહેલા રેડ કાંગારૃ અને ક્યુમા ભારતમાં પ્રથમ વખત આવી રહ્યા છે. તેમજ લાયનટેલ મકાક અને ઓસ્ટ્રેલીયન લોરીફીશ પોપટ પણ પ્રવાસીઓ માટે આકર્ષણરૃપ બની રહેશે. ઓસ્ટ્રેલીયન લોરી ફિશ પોપટમાં પણ છ પ્રકારની પ્રજાતિ આવશે. આ ઉપરાંત વડોદરા અને સુરતના પ્રાણીસંગ્રહાલયમાંથી અનુક્રમે ૬ તથા ૯ પ્રકારના પશુ-પક્ષીઓ આવશે. આ પ્રાણીઓના બદલમાં સક્કરબાગમાંથી દરેક ઝૂ ને સિંહની એક-એક જોડી આપવામાં આવશે.
સક્કરબાગ ઝૂ ના ડાયરેક્ટર વી.જે.રાણાના જણાવ્યા પ્રમાણે અગાઉ થયેલા કરાર પ્રમાણે મૈસુર ઝૂ માંથી લાવવામાં આવેલ મલાબાર ખિસકોલી અને ગોર આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલમાં સક્કરબાગમાં એક માત્ર સ્થળે ચિત્તા છે. તેમજ વધારાના પ્રાણીઓ આવી રહ્યા છે. વિશ્વમાં એક માત્ર સ્થળે જોવા મળતા એશિયાઈ સાવજોના બદલામાં આવી રહેલા પ્રાણી-પક્ષીઓથી સક્કરબાગ ઝૂ દેશભરમાં અગ્રીમ પ્રાણીસંગ્રહાલય બની રહેશે.
૧૯ ફૂટના લાંબા કૂદકા મારતી ખિસકોલી સક્કરબાગમાં
જૂનાગઢ, તા.૧ : મૈસુરથી લવાયેલ અને સક્કરબાગમાં આજે પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાયેલ મલાબાર ખિસકોલી લાંબા કૂદકા મારવા માટે જાણિતી છે. સરેરાશ તો આ ખિસકોલી છ ફૂટ સુધીના કૂદકા લગાવીને દોડે છે. પરંતુ જંગલમાં એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ૧૯ ફૂટ લાંબો કૂદકો નોંધાયો છે. જ્યારે ગોર(ઈન્ડિયન બાયસન)ની સાડા ચાર વર્ષના નર અને સાડા ત્રણ વર્ષની માદાની જોડી ખુલ્લી મૂકવામાં આવી છે. ૩પ વર્ષનું આયુષ્ય ધરાવતી માદા ગોર જીવનકાળમાં દશેક વખત બચ્ચાને જન્મ આપે છે.
ક્યા ક્યા પ્રાણીઓ ક્યાંથી આવશે ?
કેનેડા ઝૂ માંથી...
* રેડ કાંગારૃ (પ્રાણી)
* ક્યુમા (પ્રાણી)
* લાયનટેલ મકાક (પ્રાણી)
* ઓસ્ટ્રેલીયન લોરી ફીશ (પક્ષી)
વડોદરા ઝૂ માંથી...
* વોર્નબીલ પાઈડ ઈન્ડિયન (પક્ષી)
* પિઝન્ટ મોનાલ ઈમ્પિરીયલ (પક્ષી)
* બ્લ્યુ ક્રાઉન ફિઝીયન (પક્ષી)
* ફ્રિઝન્ટ ગોલ્ડન (પક્ષી)
* પેરાપીન સોબેક ટર્ટલ (પ્રાણી)
* ફિન્ચીઝ (પક્ષી)
સુરત ઝૂ માંથી...
* ઈન્ડિયન ઓતર (પ્રાણી)
* સારસ કેન (પક્ષી)
* ઈન્ડિયન લોરીકિટ (પક્ષી)
* પેરાકિટ આફ્રિકન ગ્રે (પક્ષી)
* એમુ (પક્ષી)
* જેકલ (પ્રાણી)
* ક્રોકોડાઈલ કેઈમન (પ્રાણી)
* ક્રોકોડાઈલ સીયામીસ (પ્રાણી)
* ફોરહોર્ન એન્ટેલોફ (પ્રાણી)

No comments: