Wednesday, January 29, 2014

વનવિભાગે રેલવે વિરુધ્ધ રાજુલા કોર્ટમાં કેસ દાખલ કર્યો.


Bhaskar News, Rajkot | Jan 25, 2014, 03:55AM IST

- માલગાડીના ડ્રાઇવર સહિ‌ત અધિકારીઓના નિવેદનો લેવાયા
- ભેરાઇમાં ટ્રેન અડફેટે બે સિંહણનાં મોત પ્રકરણમાં

ભેરાઇ ગામ નજીક ખાનગી રેલવે ટ્રેક પર બે દિવસ પહેલા સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જઇ રહેલી માલગાડી હડફેટે આવી જતા બે સિંહણ મોતને ભેટી હતી. આ ઘટનાથી સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરી હતી. ત્યારે વનવિભાગે જવાબદારો સામે પગલા લેવા કમર કસી છે. વનવિભાગે માલગાડીના ડ્રાઇવર સહિ‌ત અધિકારીઓના નિવેદનો નોંધ્યા છે. અને વન્યપ્રાણી પ્રોટેકશન ૧૯૭૨ એકટ હેઠળ કલમ લગાવી રેલવે વિરૂધ્ધ કોર્ટમા કેસ દાખલ કરવામા આવ્યો છે.

શીડયુલ વનમાં આવતા સાવજોને વિશેષ સુરક્ષા પ્રદાન થયેલી છે. જંગલમાંથી પસાર થતી ટ્રેનો માટે ગતિ મર્યાદા પણ લગાડવામા આવી છે. તેમ છતા ભેરાઇ નજીક બે દિવસ પહેલા સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડી હડફેટે બે સિંહણો આવી જતા મોતને ભેટી હતી. આ ઘટનાથી વનવિભાગ પણ થોડીવાર માટે અવઢવમા પડી ગયો હતો. જો કે બાદમાં ટ્રેનના ડ્રાઇવર સહિ‌ત અધિકારીઓના નિવેદનો લઇ તપાસ હાથ ધરવામા આવી હતી.

વનવિભાગ દ્વારા ટ્રેનના ડ્રાઇવર રમેશ તુલશી કોલાદરા તેમજ આસિસ્ટન્ટ વિનયશંકર ઉમેદશી ઉપરાંત રેલવે અધિક્ષક જયંતીભાઇ મારૂ અને ગાર્ડ દિનેશભાઇ વાઢેરના નિવેદનો લેવામા આવ્યા હતા. આરએફઓ રાજપુતે જણાવ્યુ હતુ કે આ રેલવે ટ્રેક ખાનગી હોય તે બાબતમાં પણ તપાસ શરૂ કરી છે. હાલ કોર્ટમા કેસ દાખલ કરવામા આવ્યો છે બાદમાં કોર્ટના હુકમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

કઇ કલમ હેઠળ ગુનો દાખલ

વનવિભાગ દ્વારા રેલવે વિરૂધ્ધ વન્યપ્રાણી પ્રોટેકશન ૧૯૭૨ એકટ મુજબ રાજુલા કોર્ટમા કેસ દાખલ કરી દેવામા આવ્યો છે. જેમાં કલમ ૨(૧૬) ૯, પ૧ મુજબ ગુના હેઠળ કેસ દાખલ કરવામા આવ્યો છે. જેમાં ૨(૧૬) જે તે વિસ્તારમાં ઘટના બની હોય તે ૯ જેમાં શિડયુલ વન હેઠળ આવતા પ્રાણીઓનો કોઇપણ રીતે શિકાર થયો હોય ઉપરાંત પ૧ જેમાં દંડની જોગવાઇ છે.

http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-forest-department-file-case-agaisnt-railway-department-4502727-NOR.html

No comments: