Friday, January 24, 2014

સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાય.

સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાય
divyabhaskar.com | Jan 24, 2014, 08:59AM IST

શક્તિપુંજ સમ દેહ ભયો, ભયો શૌર્ય માર્તંડ,
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી,ભયી તવ ત્રાડ પ્રચંડ,
રક્ષક તું રેવતા ચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન,
સ્મરતા શૌર્ય નિપજે, જેહી ઉપજાવે સ્વમાન,
જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા,
નિશિત દંત ,નખ,ત્રાડ હી શસ્ત્રા ,
કરભીર ગિર અદ્રીએ શોભે,
તુજ દર્શનથી ત્રિલોક થોભે.
માલગાડી સાથે અકસ્માતમાં બે સિંહણ અને ગર્ભમાં રહેલા ત્રણ બચ્ચાંઓના મોત બાદ ફરીએકવાર ગીરનો સાવજ ચર્ચામાં છે. આ દુહાઓ સાવજચાલીસાના છે. ગીરમાં જઇ સિંહને જોઇ ઓડકાર ખાઇ પાછા આવી જનારા આપણે બધા સાવજને કેટલો ઓળખીએ છીએ? આજે તમને સાવજ સાથે રૂબરૂ મળ્યાનો અહેસાસ કરાવવો છે. જાણે તમે સામે બેસેલા છો અને ગીરનો રાજા પોતાની વાત માંડી રહ્યો છે.
ગુજરાતને ગૌરવ અપાવતા ગીરના સિંહની વાત ખુદ તેના જ શબ્દોમાં....લ્હાવો છે આ.....તેની વાતો વાંચી (જાણે સાંભળી) તમારે નક્કી કરવાનું છે કે આ સાવજોને સાચવવા કે નહીં?
ગીરના જંગલો, સાવજો માટે જેમનું નામ અને અવાજ જરાય અજાણ્યો નથી, જેમના હાથ પ્રેમથી પોતાના માથે ફરે તે માટે ખુદ જંગલનો રાજા તેમની પાસે સાવ બાળુડો બની બેસી જાય છે અને આજના જમાનામાં જ્યારે બાપનું પણ બારમું કરતા નથી ત્યારે સિંહનું બારમું કરનાર રમેશભાઇ રાવળ સિંહોને નખશીખ ઓળખે છે...તેમણે દિવ્યભાસ્કરડોટકોમ સાથે ગીરના સિંહો વિશે કરેલી વાતોના આધારે સિંહોની વાત, તેમના જ શબ્દોમાં લખવાનું શક્ય બન્યું છે .
સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાય
આવો બેસો ત્યારે, આવો મોકો નહીં મળે
મારૂં નામ આમ તો સિંહ પણ દુનિયા મને વનના રાજા તરીકે ઓળખે છે. મારી ત્રાડ સાંભળી વાતાવરણ ગુંજી ઉઠે છે. મારા વિશે અનેક કહેવતો આવી છે. લોકો બડાઇ મારવા કહેતા હોય છે કે સિંહોના ટોળાં થોડા હોય. ગુજરાતનું ગીર મારૂં વતન છે. બધે એક નાદ ચાલી રહ્યો છે કે સિંહોને બચાવો, બચાવો. હા, ભૈ, તમારી વાત સાવ સાચી છે. જો મને બચાવો તો ગૌરવ શેનું લેશો? મને તો આખેઆખો ખસેડીને બીજા રાજ્યમાં મુકી આવવાની પણ વાતો ચાલે છે. હું ભલે જંગલનો રાજા પણ દેશનો કાયદો હવે નક્કી કરશે કે મારે ગીરમાં જ રહેવાનું છે કે પછી આ મારો મલક મારા પગલાં અને ત્રાડ વગર સાવ સુનો થઇ જશે.
તમે તો વાંચ્યું જ હશે કે બે સિંહણોના ટ્રેન નીચે કપાઇને મોત થયાં. એ બે અને તેમનાં પેટમાં રહેલાં બીજા ત્રણ. પાંચને ઓછા કરી નાખ્યા. એમાં ભાઇ, પેલા માલગાડીવાળાનો પણ શું વાંક? એક તો એ ઘટના બની એ વિસ્તાર ગીરની બહારનો જ ગણાય. એ બે સિંહણો તો અમસ્તાં જ ફરતાં-ફરતાં બહાર નીકળી ગઇ હતી. એક તો અમને ગીચ ઝાડીઓમાં અને વળાંકોમાં રહેવાની આદત. અમે ડરીએ જરાય નહીં.
અમે સિંહ છીએ, સાવજ છીએ, અમારેય જીવ છે.
અમારી દિનચર્યા
તમને એમ થાય કે આ મારા દીકરા સાવજો આખો દિવસ કરતા શું હશે? અમે જ્યાં રહીએ છીએ ત્યાં લોકો કેવી રીતે રહતા હશે? મારે તમને કહેવું છે કે અમે યારોના યાર છીએ. અમારે પણ સંવેદનાઓ છે. અમે આખો દિવસ બહુ રખડતા નથી પણ દિવસે તો જાણે અમારે રાત હોય છે. અમે મૂળ નિશાચર છીએ. સૂરજદાદા હળવે-હળવે પોતાની લીલા સંકેલે અને ચંદામામાની સાક્ષીએ અમારી લીલી શરૂ થાય. માણસ ઘર ભેગો થાય અને અમે નીકળી પડીએ જંગલો ખૂંદવા. આખી રાત ફરીએ. પેટનું કરીએ. સવાર પડતાં જ અમે એવી જગ્યા શોધી લઇએ જ્યાં આખો દિવસ આરામ મળે. જ્યાં છાંયડો હોય, પાણી હોય અને કોઇ બીજી હેરાનગતિ ના હોય.
અમે તો પ્રેમના ભૂખ્યા છીએ
લોકોને એમ લાગે છે કે અમે જનાવર છીએ પણ કહી દઉં કે અમને પણ માણસ ઓળખતાં આવડે છે. જેમની સાથે વિશ્વાસ બંધાય, મન મળે તેમને માટે યારોના યાર છીએ. એ ના ભૂલો કે અમે રાજા છીએ, રૈયતને રંજાડીએ નહીં. અમને માણસખાઉં માનવાની ભૂલ કરશો નહીં. કોઇને કહેતા નહીં પણ અમને પણ માણસથી બીક તો લાગે. અમે માનવીથી ડરીએ અને માનવી અમારાથી. જે માણસ અમારાથી ડરે તેના શ્વાસોશ્વાસમાંથી એક અજીબ પ્રકારની ગંધ છૂટે અને અમે તેને ઓળખી જઇએ અને તે વ્યક્તિને વધુ ડરાવીએ. અમારા વર્તન વિશે પૂછવું હોય તો નેસમાં વસતા માલધારીઓને આવીને પૂછી જાઓ.
અમે માણસોની સંવેદના, તેમનો અવાજ પણ અમે ઓળખીએ છીએ.

સાંખે તો સાવજ શેના?
તમારા ઘરમાં કે ગામમાં આવીને કોઇ તમને રંજાડે તો તમે શું કરો? બસ, અમે પણ ઘણીવાર એજ કરીએ છીએ. જંગલ અમારૂં ઘર છે. વિકાસના નામે અમારા ઘરોને કોઇ ભાંગીને ભુક્કો કરી નાખે એ સાંખી લઇએ તો સાવજ શેના? હવે તો દુનિયામાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સાવજ બચ્યા છે. અમને માનવીઓ પણ પ્રેમ તો બહુ કરે છે પણ  અમૂક હોય ને? સાવજનો શિકાર કરી દુનિયા આગળ ડંફાશ મારવાના શોખીન....
અમારો ઉનાળૉ
ઉનાળૉ આવે એટલે બાપ રે બાપ. અમારા આશ્રયસ્થાનો, ખોરાક મારણ કરવાનો સમય, અવરજવરનો સમય, વગેરેમાં મોટો ફરક પડી જાય છે. ઊનાળાના દિવસોમાં ખરી ગયેલાં સૂકાંભઠ્ઠ વૃક્ષો નજરે ચઢે પણ અમે નજરે ના આવીએ. માનવીમાં જેમ મોસમ બદલતાં રોજીંદું ટાઇમ ટેબલ બદલી જાય એમ અમારૂં પણ ટાઇમ ટેબલ બદલી જાય છે.

શિયાળામાં સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધીમાં તે જંગલમાં પાછા આવી જ જઇએ પણ ઉનાળામાં પરત જવાનો સમય વ્હેલો થઇ જાય છે. ઉનાળાની રાત્રે માલ-ઢોર કે બીજા પશુઓનું મારણ કર્યા બાદ તે મોડામાં મોડો ૯ વાગ્યા સુધીમાં તો જંગલનો માર્ગ પકડી જ લે. ઉનાળામાં પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. વળી જંગલમાં પાણીનાં સ્ત્રોત ઘટ્યાં હોય છે. આથી જ્યાં નદી-નાળાં કે વોંકળા જોવા મળે તેની આસપાસની વનરાજીને અમે પોતાનું ‘ઘર’ બનાવીએ છીએ.

એક ગધીયો અને બીજો વેલર

મારે તમને કેટલીક માહિતી આપવી છે કે ગીરમાં બે જાતના સિંહ છે. એક ગધીયો અને બીજો વેલર. બન્નેના શારિરીક લક્ષણો, અને આંતરિક સૂઝ વગેરેમાં ઘણો તફાવત. જંગલમા તમે બંદૂક ફોડો ત્યારે જો ગધીયો હોય તો નાસી જાય પણ વેલર હોય તે પાછો વળીને ઊભો રહે. ( ઝૂમાં જોવા મળતા આફ્રિકન સિંહ/African Lion ની ઓળખ જ જૂદી છે.તેઓ અમારા એટલે કે ગીરના સિંહ/Gir Lion કરતાં વધારે કદાવર હોય છે.) વેલર વધુ લાંબો હોય છે.એના કાન લાંબા હોય છે.ગધીયો જરા જાડો અને ગોળમટોળ હોય છે.

અમારા વિશે ઘણી ગેરમાન્યતાઓ લોક્માન્યતાઓ

અમારા વિષેની ઘણી ગેરમાન્યતાઓ –લોક્માન્યતાઓ છે. જેમ કે અમારે રોજેરોજ મારણ જોઇએ. એ રૂઢ માન્યતા ખોટી છે. અમને બે-ત્રણ દિવસે એકવાર ખોરાક જોઇએ. એક ભેંસ હોય તો ત્રણ દિવસ ચાલે.  સાંભલી લો કે અમે ભૂખ્યા હોઇએ કે ના હોઇએ પણ માણસને ભાગ્યે જ મારીએ. મારે વાઘ કે દીપડાઓ અને ગુનો મારે નામે ચડી જાય. મારી શરેરાશ ઉંમર પંદરથી વીસ વર્ષની. સિંહણ સાડાત્રણ ચાર વર્ષની વયે માતૃત્વ ધારણ કરવા સક્ષમ બને અને ક્ષમતા પ્રમાણે બેથી માંડીને ચાર સુધી વેતર કરે (ગર્ભાધાન કરે) એ એક સાથે ત્રણ કે ચાર બચ્ચાને જન્મ આપે છે.
 
ઉંમર સાથે વાળ ધોળા પણ કાળા

તમને નવાઇ લાગે એવી વાત છે કે અમારી જેમ ઉંમર થાય એમ વાળ ધોળા નહિં, પણ કાળા થાય છે. કોઇ જાણકાર હોય તો અમારી હુંકની(મોંમાંથી નીકળતા અવાજની) ફ્રિક્વન્સી પરથી કહી શકે છે અમારી ઉંમર કેટલી છે? પંદર વર્ષનો સિંહ હોય તો એનીહુંક એકત્રીસ-બત્રીસ જેટલી થાય.

વાઘની બોડ હોય, દીપડાની ,જરખની અરે શિયાળીયાની પણ ગૂફા હોય, પણ અમારે ગૂફા નથી હોતી. અમારૂં રહેઠાણ કરમદાના ઢૂવામાં હોય. અમને નદીનો કિનારો પસંદ છે. ઠંડક હોય, ઉપર વૃક્ષની છાયા હોય અને નીચે રેતી હોય. અમને જોવા હોય તો ત્તમ સમય એપ્રિલ-મેનો છે. ચોમાસામાં બિલકુલ ના આવતા. ચોમાસામાં અમે રસ્તા ઉપર આવી જવાનું વલણ ધરાવીએ છીએ. કારણ કે જંગલમાં અમને પણ મચ્છરો બહુ સતાવે છે.
અમારૂં મોત
અમને કુદરતી મોત પણ આવે અને રોગને કારણે પણ મરે. વાયરસ લાગુ પડી શકે અને હડકવા પણ લાગુ પડે.વાયરસને કારણે ઘણા અમારા ભાઇબંધુઓ 1993માં મરી ગયા. ક્યારેક વન વિસ્તારના ખુલ્લા કૂવાઓમાં અકસ્માતે પડી જવાને કારણે પણ અને છેલ્લે તદ્દન ગેરકાયદે એવા શિકારને કારણે પણ અમારી વસ્તી ઘટતી ચાલી છે, ભલું થજો કે 20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને  1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો.

અમે અને રમેશભાઇ
મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રમેશચંદ્ર ભાનુશંકર રાવળ 1972માં જ્યારે ત્રેવીસ વર્ષના હતા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે એકવાર શિવરાત્રીમાં જૂનાગઢ આવ્યા.  સતાધાર અને પછી તુલસીશ્યામ  પહોંચ્યા,એ વખતે ગીરના જંગલમાં વાયા કનકાઇ-બાણેજ એક બસ ચાલતી. બાણેજ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઇ. બસમાંથી ઉતરીને જરા પગ છૂટા કરતા હતા ત્યાં અચાનક જ સામે નજર પડી. સામે થોડા ફૂટ છેટે જ એક મોટી કેશવાળીવાળો ડાલામથ્થો આંખો ચળકાવતો અને ધીમો ધીમો ઘુરકાટ કરતો ઉભો હતો. રમેશ રાવળના હાંજા ગગડી ગયા. પણ કોણ જાણે કેમ એ ત્યાંથી ખસી ના શક્યા. બે-ચાર મિનિટ એની સામે નજર મેળવીને ઉભા રહી ગયા. ભય ધીરે ધીરે ઓસરતો ગયો, જાણે કે  ઓટના કિનારાથી દૂર થતાં જતાં નીર ! સિંહ પણ ત્યાંથી ના હટ્યો. ઘૂરકાટ શમી ગયો. બેપગા અને ચોપગા  વચ્ચે કોઇ અજબ તારામૈત્રક રચાયું.પરસ્પરની આંખોમાંથી પરસ્પર પ્રત્યેના ડરનો લોપ થયો.( રમેશભાઇની સામે હું જ ઉભો હતો)

કોણ છે સિંહોના સખા રમેશભાઇ?
થોડા વર્ષ પહેલા કુલ ચાલીસ દોહાનું બનેલું સિંહચાલીસા આમ તો સુરેન્દ્રનગરના ડૉ.નરેન્દ્ર રાવલ દ્વારા રચવામાં આવ્યું છે.  પણ આ ચાલીસા લખાવવા પાછળ સિંહોને પ્રાણ કરતાં પણ વધુ પ્રેમ કરતા રમેશ રાવળ જવાબદાર છે.  1980થી 1991 દરમ્યાન દોઢ લાખ કિલોમીટર ગીરમાં ને ગીરમાં જ ખેડી નાખ્યા. 1991-92માં પત્ની અને બે પુત્રો સાથે ગીરની પરકમ્મા કરવા નીકળ્યા તે કેવળ પર્યટન ખાતર નહિં,પણ સંશોધન ખાતર. 1880 થી 1990 ના એકસોદસ વર્ષો દરમ્યાન ગીરમાં કેટલા સિંહો હતા,એમની વિશિષ્ટતાઓ, ખાસીયતો,વર્તણુંકો,એમની દિનચર્યાઓ, એમની ઋતુચર્યાઓ જેવી વિગતો અનેક દસ્તાવેજો,જાણકારોની રૂબરૂ મૂલાકાતો,અને બીજા સ્રોતોમાંથી મેળવી અને તેનું એક નાનકડું પુસ્તક સિંહ જીવનદર્શન ગાંઠના ખર્ચે 1992માં પ્રગટ કર્યું. કારણકે કોઇ ધંધાદારી પ્રકાશક તો હાથ ઝાલે નહિં. જો કે પુસ્તક પ્રકાશિત થયા પછી એમની કદર થઇ.
લોકો  એ જોઇને દંગ થઇ ગયા કે એમની નજર સામે જ રમેશ રાવળે સિંહને બોલાવવાના  ખાસ અવાજો કાઢીને અગ્યાર જેટલા સિંહોને એકત્ર કરી બતાવ્યા અને તેમને લાકડીથી હાંકી બતાવ્યા. હા, રમેશ રાવળ સિંહોની અલગ અલગ ભાવો, જરૂરત અને  વૃત્તિઓની અભિવ્યક્તિના અવાજો કાઢી શકે છે, એમના રૂદનનો પણ! આ વસ્તુ એમને એમની સાથેની વિશ્વસનિયતા પેદા કરી આપવામાં કામ આવી છે .
પૂરા ગીરનો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર હવે માત્ર 1412 ચોરસ કિલોમીટરનો જ રહ્યો છે.જે પૂરો રમેશ રાવળે પગ તળે કાઢી નાખ્યો છે.20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને  1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો.જેની અંતર્ગત જ માનદ વાઇલ્ડ લાઇફ વૉર્ડન તરીકેનું વેતન વગરનો પણ માનભર્યો દરજ્જો રમેશ રાવળ પામ્યા. પોતે જેમને પોતાની ચેતનાનો એક અવિભાજ્ય અંશ માને છે  તેવા સિંહોની હત્યાના બનાવોથી રમેશ રાવળનો આત્મા કકળી ઉઠે છે. સિંહજાત સાથે આત્મસંબંધથી જોડાયેલા રમેશ રાવળે સિંહોની હત્યા તેમ જ કુદરતી રીતે મૃત્યુ પામેલા સિંહોના મોક્ષાર્થે તથા લુપ્ત થતા ડાલામથ્થા  વનરાજ સિંહોને બચાવવા લોક જાગૃતિના ભાગ રૂપે  નજીકના ગુપ્તપ્રયાગમાં 2007 ના સપ્ટેમ્બરની 10 મી એ ગૃહશાંતિ યજ્ઞનું આયોજન કર્યું અને 51111 યત્રિકોને જમાડ્યા ! સિંહજાતીના જ પરભવના પિતરાઇ હોય એવા રમેશ રાવળે પોતાના નિવાસનું નામ પણ સિંહદર્શન રાખ્યું છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-first-person-story-of-asiatic-lion-in-his-own-words-ramesh-rawal-gir-forest-4501090-PHO.html

No comments: