Friday, January 24, 2014

જૂનાગઢ ફેબ્રુઆરીમાં લાઇટ-સાઉન્ડ શો શરૂ કરવા કવાયત.

જૂનાગઢ ફેબ્રુઆરીમાં લાઇટ-સાઉન્ડ શો શરૂ કરવા કવાયત
Bhaskar News, Junagadh | Jan 21, 2014, 01:29AM IST- ઉપરકોટનાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટે રૂપિયા ૧.૪૮ કરોડનો વર્ક ઓર્ડર આપી દેવાયો

જૂનાગઢનાં વિકાસ માટે અને પ્રવાસીઓને આકર્ષવા ઉપરકોટમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવી રહ્યો છે. રૂ. ૧.પ૦ કરોડનો આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ફેબ્રુઆરીનાં પ્રથમ સપ્તાહમાં શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી રહે છે. આ પ્રોજેકટ માટે અમદાવાદની પાર્ટીને રૂ. ૧.૪૮ કરોડનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રોજેકટને લઇને આજે કલેકટરની અધ્યક્ષતામાં ઉપરકોટ વિકાસ સમિતીની બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેક્ટ સહિ‌તનાં મુદાની ચર્ચા કરવામાં આવી હતી.

જૂનાગઢ શહેરની આર્થિ‌ક કરોડરજ્જુ પ્રવાસન રહી છે. જૂનાગઢનાં પ્રવાસન સ્થળોનાં વિકાસ અને પ્રવાસીઓનું આકર્ષણ એ જ શહેરનાં વિકાસ માટે નવી દિશા છે. વર્ષે લાખ્ખો પ્રવાસીઓ જૂનાગઢનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ઉપરકોટનાં વિકાસ અર્થે માટે રચાયેલી ઉપરકોટ વિકાસ સમિતી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવનાર છે. જેમાં સોરઠનો ઈતિહાસ રજૂ કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ રૂ. ૧.પ૦ કરોડનાં ખર્ચે તૈયાર થનાર છે.

આ પ્રોજેકટને લઇને મહત્વની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રોજેકટ માટે અમદાવાદની પાર્ટીને રૂ. ૧.૪૮ કરોડનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. પાણી અને લાઇટ માટેનાં કનેકશનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે કલેકટર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં ઉપરકોટ વિકાસ સમિતીની બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેકટ વહેલી તકે શરુ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ ઉપરકોટનાં વિકાસનાં અનેક મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ફેબ્રુઆરીનાં પ્રથમ સપ્તાહમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થઇ જાય તેના માટે કરવામાં આવતા પ્રયત્નોની ચર્ચા કરી હતી. અને ફેબ્રુઆરીમાં શો શરૂ કરી દેવા કવાયત હાથ ધરી હતી.

પ્રવેશ દ્વાર થી લાઇટ ફીટ કરાશે
ઉપરકોટનાં પ્રવેશ દ્વારથી લઇને રોડ પર લાઇટ બંધ છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રીનાં શરૂ થનાર હોઇ તેનાં ભાગરૂપે પ્રવેશ દ્વારથી રોડ પર લાઇટ ચાલુ કરવામાં આવશે.

સફાઇ અભિયાન શરૂ કરાશે
લાઇટ એન્ડ સાઉન્ડ શોને લઇને ઉપરકોટ વિસ્તારમાં બે દિવસમાં સફાઇ અભિયાન શરુ કરવામાં આવશે. જેમાં ઉપરકોટની રાંગ પર ઉગી નિકળેલા વૃક્ષો દુર કરવામાં આવશે. તેમજ ઉપરકોટની અંદરનાં ઝાડી ઝાખરા દુર કરવામાં આવશે.

માસીક ભાડા પટ્ટે પ્રોજેકટ આપવામાં આવશે
લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રોજેકટ તૈયાર થયા બાદ આ પ્રોજેકટ ખાનગી માલિકોને માસીક ભાડા પેટે આપવામાં આવનાર છે. તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

આ મુદાની થશે હવે ચર્ચા
પ્રવેશ ફી કેટલી રાખવી
દરરોજ કેટલા શો
શો નો સમય કયો રાખવો
શો રાત્રીનાં હોય તો પોલીસ બંદોબસ્ત કેટલો રાખવો

No comments: