Friday, January 24, 2014

સિંહ મોતની ઘટનાની તપાસમાં વનતંત્ર સુસ્ત.

સિંહ મોતની ઘટનાની તપાસમાં વનતંત્ર સુસ્ત
Bhaskar News, Amreli | Jan 24, 2014, 01:02AM IST
- સમગ્ર દેશને જેના પર ગર્વ છે એવા એશિયાટીક લાયનની માવજતમાં વનતંત્રનું રગશીયા ગાડા જેવું કામ
-
સીધા પગલા લેવાને બદલે મામલો કોર્ટમાં લઇ જવાશે : રેલવે સાથે કેમ કામ પાડવું :અધિકારીઓ અજાણ

અમરેલી જીલ્લો સાવજનું ઘર છે અને આ જીલ્લાની પ્રજાને સાવજ પર ગર્વ છે. સાવજ થકી ગમે તેવું નુકશાન થાય તો પણ તે સહન કરી અહિંની પ્રજા તેનું સંરક્ષણ કરી રહી છે. પરંતુ રાજુલા નજીક માલગાડી હડફેટે ચડી જતા બે સિંહણના મોતની ઘટના બાદ જવાબદારો સામે પગલા લેવામાં વનતંત્ર સુસ્ત નઝરે પડી રહ્યુ છે. બલ્કે રેલવે સાથે કેમ કામ પાડવુ તે અંગે અધિકારીઓ પણ અવઢવમાં હોય હવે આ મામલો કોર્ટમાં લઇ જવામાં આવશે અને કોર્ટના નિર્ણય બાદ કોની જવાબદારી તે નક્કી થશે તેમ વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું. સમગ્ર દેશને જેના પર ગૌરવ છે તે એશીયાટીક લાયનની રક્ષા માટે અમરેલી જીલ્લામાં સિંહપ્રેમીઓ સંપૂર્ણપણે કટીબધ્ધ છે. પરંતુ વહીવટીતંત્ર આ મામલે રગશીયા ગાડાની જેમ કામ કરતુ નઝરે પડી રહ્યુ છે.

સાવજોના કમોતના મામલાને જાણે બીલકુલ ગંભીરતાથી ન લેવાતો હોય તેવું ચિત્ર આજે સ્પષ્ટ થયુ હતું. રાજુલા-ભેરાઇ રેલવે ટ્રેક પર ગઇકાલે વહેલી સવારે સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જઇ રહેલી એક માલગાડીએ બે સિંહણને કચડી નાખી હતી. એક સિંહણના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મોતને ભેટયા હતાં.

શેડયુલ વન નીચે આવતા સાવજને વિશેષ સુરક્ષા પ્રદાન થયેલી છે. ગીર જંગલમાંથી પસાર થતી માલગાડીઓ માટે આ જ કારણે ગતીમર્યાદા પણ લગાડવામાં આવી છે. પરંતુ ગીરકાંઠાના વિસ્તારોમાં રેલવે ટ્રેક પર અને રસ્તાઓ પર સાવજોની અવર જવર રહે છે. આમ છતાં અહિં વાહનો પર કોઇ ગતી મર્યાદા લાદવા વિશે તંત્ર દ્વારા વિચારણા પણ કરવામાં આવી નથી. વનતંત્રએ ઘોર બેદરકારી દાખવી આ મુદે ક્યારેય રેલવે કે અન્ય જવાબદાર તંત્ર સાથે જરૂરી ચર્ચા વિચારણા કે અન્ય કાર્યવાહી પણ કરી નથી.

ભેરાઇના મોતની ઘટના અંગે વન વિભાગ દ્વારા એફઓઆર તો નોંધવામાં આવેલ છે. પરંતુ આરોપી તરીકે કોઇના નામ લખવામાં આવેલ નથી. વન વિસ્તરણ વિભાગના ડીએફઓ મકવાણાએ જણાવ્યુ હતું કે આ અંગે જરૂરી તપાસ કરી કોર્ટને અહેવાલ મોકલી દેવામાં આવશે અને બાદમાં કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આમ વનતંત્ર પણ પોતાના ગળામાંથી ગાળીયો કાઢી રહ્યુ છે. દેશભરને ગૌરવ અપાવનાર ગીરના સાવજોની રક્ષા માટે નક્કર પગલાની આવશ્યકતા છે.ઉલ્લેખનીય એ છેકે, આ ઘટના અગાઉ પણ અનેક સિંહો અકસ્માતનો શિકાર બન્યા છે.
ડ્રાઇવરનું નિવેદન લેવાશે-ડીએફઓ મકવાણા
અમરેલી વન વિસ્તરણના ડીએફઓ મકવાણાએ જણાવ્યુ હતું કે ભેરાઇ નજીક બનેલી ઘટના અંગેની તપાસ રાજુલાના આરએફઓ ચલાવી રહ્યા છે. બન્ને સિંહણ કઇ રીતે ટ્રેઇન હડફેટે ચડી ગઇ અને ખરેખર ઘટના શું બની હતી તે અંગે ડ્રાઇવરનું નિવેદન લેવાશે. અને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવા થશે કાર્યવાહી
ડીએફઓ મકવાણાએ જણાવ્યુ હતું કે આવી ઘટના રસ્તાઓ પર પણ ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવા જરૂરી છે. ખાસ કરીને લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો અવાર નવાર રસ્તા પર આવી જતા હોય વનતંત્ર દ્વારા માર્ગ અને મકાન વિભાગને સિંહોની અવર જવરવાળા રસ્તાઓ પર સ્પીડબ્રેકર મુકવા લેખીત જાણ કરાઇ છે.

ગીરમાં માત્ર વીસ કિ.મી.ની ગતિમર્યાદા-ડીએફઓ શર્મા
ધારી ગીરપૂર્વના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે ગીર સેન્ચ્યુરીમાં ટ્રેઇન દાખલ થાય તે સાથે જ તેને ગતિમર્યાદા લાગુ પડે છે અને માત્ર વીસ કીમી પ્રતિ કલાકની સ્પીડે ટ્રેઇન ચલાવવાની મર્યાદા લદાયેલી છે. રેવન્યુ વિભાગમાં આવી સ્પીડ મર્યાદા નક્કી કરવા માટે રેલવે સાથે સંકલન થાય અને લાંબી પ્રક્રિયા બાદ તે શક્ય બની શકે છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-forest-department-lazy-about-lion-death-4501534-PHO.html

No comments: