Friday, January 24, 2014

કોડીનારનાં ઘાંટવડ પાસેથી પાંચ બંદૂક-છરા સાથે ડફેર શખ્સ ઝડપાયો.

Bhaskar News, Kodianar | Jan 24, 2014, 00:58AM IST
- પોલીસ - એસઓજીની કાર્યવાહી : કોર્ટમાંથી ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર

કોડીનાર પોલીસ અને એસઓજીએ ગતરાત્રિનાં પેટ્રોલીંગ દરમિયાન ઘાંટવડ પાસેથી ડફેર શખ્સને પાંચ દેશી જામગરી બંદુક અને છરા સહિ‌તનાં દારૂગોળા સાથે ઝડપી લીધો હતો અને આજે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવી વિશેષ પુછપરછ હાથ ધરી છે.

ગીર-સોમનાથ એસઓજીનાં પીએસઆઇ જાડેજા, સ્ટાફનાં પરસોતમ પટેલ, નરવણસિંહ, વિજય આહિ‌ર, ગોવિંદભાઇ અને કોડીનાર પીઆઇ નાગોરી અને સ્ટાફ ગતરાત્રિનાં સંયુકત પેટ્રોલીંગમાં હતો ત્યારે ઘાંટવડ ગામનાં પેટ્રોલ પંપ પાસે ગાડીની લાઇટનાં પ્રકાશમાં એક શખ્સ છૂપાઇને બેસેલો જોવા મળતાં તેને પડકારતાં નાસવાની કોશિષ કરતાં ટીમે તેનો પીછો કરી ઝડપી લીધો હતો.

મૂળ તાલાલાનાં પાણીકોઠા ગામનો અને હાલ અરીઠીયા ગામે વાઘરીની સીમમાં રહેતા અલી ઇભ્રામ ઉર્ફે ગેબલો જુણેજા (ઉ.વ.૩પ) નામનાં આ ડફેર શખ્સ પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક અને ૧૭ છરા
મળી આવ્યા હતાં.આકરી પુછપરછમાં તેણે અરીઠીયા ગામે પોતાના મકાનનાં ઘાસચારામાં છુપાવેલી વધુ ચાર જામગરી બંદુક અને ૧૦૦ ગ્રામ દારૂગોળો પણ કાઢી આપતાં તે કબજે લેવાયો હતો. કોડીનાર પોલીસે અલી ડફેરને આજે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવી વિશેષ પુછપરછ હાથ ધરી છે.

હત્યા કેસમાં સાડા ત્રણ વર્ષની સજા ભોગવી ચૂકયો છે

આ ડફેર શખ્સ અમરેલીમાં થયેલી દેવીપૂજકની હત્યાનાં કેસમાં સાડા ત્રણ વર્ષ જેલમાં સજા ભોગવી ચૂકયો છે. તેમજ અનેક ગામોમાં તે ફર્યો હોય અરીઠીયા ગામે કોના સંપર્કથી અને કોના આશરે આવ્યો હતો, આ હથિયારો કોની પાસેથી મેળવ્યાં હતાં એ સહિ‌તની વિગતો ઓકાવવા પોલીસે તેની ઉલટ તપાસ હાથ ધરી છે. આ શખ્સ સાથે કોઇ જાણભેદુ છે કે નહીં એ અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહયાં છે.

No comments: