Friday, February 28, 2014

ટ્રેઇન નીચે કપાયેલી બન્ને સિંહણોની યાદમાં દેરી બનાવાશે.

ટ્રેઇન નીચે કપાયેલી બન્ને સિંહણોની યાદમાં દેરી બનાવાશે
Bhaslkar News, Rajula | Feb 22, 2014, 01:17AM IST
- પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા લોક જાગૃતિનો પ્રયાસ : સિંહણોની તસ્વીર અને તકતી મુકાશે

રેલવે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા રાજુલા-ભેરાઇ ટ્રેક પર બે સિંહણ કપાઇ ગયાના બનાવને પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં રેલવેતંત્ર સામે રોષ છે ત્યારે આજે અહિંના પ્રકૃતિ પ્રેમીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આવા કમોત સામે લોક જાગૃતિ આવે તે માટે આ સ્થળે બે સિંહણ અને તેના ગર્ભસ્થ ત્રણ બચ્ચાની દેરી બનાવી તેના ચિત્ર અને આરસની તખ્તી બનાવવાનો નિર્ણય લેવાયો છે.

એશીયાટીક લાયન એ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહી પરંતુ ભારતનું ગૌરવ છે. સૌરાષ્ટ્રની પ્રજા આ સાવજોના રક્ષણ માટે કટીબધ્ધ છે. ગીર કાંઠાના ગામોમાં લોકો સાવજોથી થતુ નુકશાન સહન કરીને પણ તેની રક્ષા કરે છે. પરંતુ રાજુલા અને ભેરાઇ વચ્ચે થોડા સમય પહેલા માલગાડીએ બે સિંહણોને કચડી નાખી હતી. જે પૈકી એક સિંહણના પેટમાં તો ત્રણ બચ્ચા હતાં. તે પણ મોતને ભેટયા હતાં. આ ઘટનાએ સિંહ પ્રેમીઓને હચમચાવી નાખ્યા હતાં. ઘટનામાં રેલવે તંત્રની ઘોર બેદરકારી છતી થઇ હોવા છતાં હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી.

આ સ્થિતિ વચ્ચે આજે લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા, આતાભાઇ વાઘ, દિલીપભાઇ કાતરીયા, મંગાભાઇ ધાપા, આકાથડભાઇ રામ, વિક્રમભાઇ ધાખડા વિગેરેએ ઘટનાસ્થળેની મુલાકાત લીધી હતી. અહિંથી તેમને સિંહણોના લોહીવાળા પત્થર તથા સિંહણની રૂવાંટી પણ મળી આવી હતી. હવે અહિં પ્રકૃતિ પ્રેમીઓએ તંત્રની આંખ ઉઘાડવા તથા લોક જાગૃતિ લાવવા માટે ઘટનાસ્થળ નજીક બે સિંહણ તથા ત્રણ બચ્ચાની દેરી બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેથી તેમની અહિં કાયમી સ્મૃતિ જળવાઇ રહે. આ પ્રકૃતિ પ્રેમીઓએ જણાવ્યુ હતું કે આ કામમાં ખાંભા અને જાફરાબાદના અગ્રણીઓ સાથ આપશે અને પ્રકૃતિ પ્રેમીઓની ઉપસ્થિતિમાં દેરીનું નિર્માણ થશે.

દેરીમાં સિંહણોની તસવીર મૂકાશે
પ્રકૃતિ પ્રેમીઓએ જણાવ્યુ હતું કે ઘટનાસ્થળની નજીક જ સિંહણોની સ્મૃતિમાં તૈયાર થનારી દેરીમાં બે સિંહણ અને બચ્ચાની તસવીર મુકવામાં આવશે. એટલુ જ નહી આરસની તખ્તી પણ મુકવામાં આવશે. કમોતે મરેલા સાવજો માટે સહાનુભુતી દર્શાવવા ગુજરાતમાં આ પ્રકારનો કાર્યક્રમ કદાચ પ્રથમ વખત યોજાશે

No comments: