Friday, February 28, 2014

ગેરકાયદે જંગલ સિંહદર્શન કરાવનાર વનઅધિકારીઓ સામે પગલા લો.

ગેરકાયદે જંગલ સિંહદર્શન કરાવનાર વનઅધિકારીઓ સામે પગલા લો
Bhaskar News, Amreli | Feb 19, 2014, 01:28AM IST
- લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
- કોઇ ભૂલુ પડી જાય તો વન તંત્ર તેની સામે દંડો ઉગામે છે ત્યારે


જંગલમાં કોઇ ભુલુ પડી જાય તો પણ વનતંત્ર દ્વારા તેની સામે કાયદાનો દંડો ઉગામીને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ આ જ વન અધિકારીઓ દ્વારા મામલતદાર અને અન્ય અધિકારીઓને ગેરકાયદે બાણેજ-કનકાઇ વિસ્તારમાં જંગલ દર્શન અને સિંહ દર્શન કરાવવામાં આવે તે ઘટનાને ક્રુર મજાક ગણાવી લાયન નેચર ફાઉન્ડેશને જવાબદારો સામે તાકીદે પગલા લેવાની માંગ કરી છે.

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં રજુઆત કરી છે કે બાણેજ ખાતે એકમાત્ર મતદાર છે અને તે મતદાન મથક ઉપર બોગસ મતદાન કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા નથી. ત્યારે મતદાન મથક જોવાના બહાને સ્ટાફનો મોટો રસાલો સાથે રાખી સરકારી ગાડીઓમાં પ્રજાના પૈસે વન વિભાગની મદદથી આવા તમાશા કરવામાં આવે છે.

વન વિભાગ દ્વારા કાયદાનું મનઘડત અર્થઘટન અને મન માન્યો અમલ કરાવવામાં આવી રહ્યો છે. કોઇ વ્યક્તિ જંગલમાં ભુલી પડીને હેરાન થતી હોય તેને પણ દંડ ફટકારાય છે પરંતુ આ જ વનતંત્રના જવાબદાર અધિકારીઓ કાયદાનો સરેઆમ ભંગ કરી ગેરકાયદે જંગલ દર્શન અને સિંહ દર્શન કરાવે છે. વન વિભાગના અધિકારીઓ આ રીતે વગદાર લોકોના વહાલા થવાની કોશીષ કરે છે. ત્યારે પ્રકૃતિ અને જંગલની રક્ષા માટે આવી ગેરકાયદે પ્રવૃતિ કરનારા વનતંત્રના જવાબદાર અધિકારીઓ સામે તાકીદે પગલા લેવામાં આવે તેવી માંગણી અંતમાં બાટાવાળાએ કરી છે.

No comments: