Monday, March 30, 2015

આંબે આવેલી કેરીનો ભાવ 900ને આંબશે

આંબે આવેલી કેરીનો ભાવ 900ને આંબશે
Bhaskar News, Amreli
Mar 30, 2015, 00:02 AM IST
 
અમરેલી: અમરેલી જિલ્લામાં ચાલુ માસે પાંચ વખત કમોસમી વરસાદ ખાબકયો હતો જેના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની પહોંચી છે. હજુ આંબાવડીયાઓમાં મોર બેસતાની સાથે જ ભારે પવન સાથે થયેલા માવઠાથી કેરીના પાકનો સોથ વળી ગયો હતો. ગત વર્ષે પણ આવી જ સ્થિતી જોવા મળી હતી જેના કારણે ઉત્પાદન ઓછુ આવ્યું હતુ. ત્યારે ઓણસાલ પણ માવઠાએ કેરીની સિઝન બગાડી નાખી છે. ઓણસાલ પણ ઉત્પાદન 50 ટકા જેટલુ જ આવવાનુ અને ભાવ પણ વધારે રહેવાની ખેડૂતો ધારણા વ્યકત કરી રહ્યાં છે.

- આંબે આવેલી કેરીનો ભાવ 900ને આંબશે
- સ્વાદના શોખીનોને મીઠી મધુર કેસર કેરી ખાટી લાગશે : 50 ટકા ઉત્પાદન થવાની ધારણા

જિલ્લામાં ખાસ કરીને ધારી પંથકમાં કેરીનુ વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ હજુ તો આંબાવડીયામા મોર બેસતા જ અચાનક કમોસમી વરસાદ ખાબકયો હતો. ભારે પવનના કારણે મોર ખરી ગયા હતા અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની પહોંચતા ખેડૂતો પણ મુંઝવણમાં મુકાઇ ગયા છે. ગત વર્ષે પણ માવઠાના કારણે માત્ર 50 ટકા જેટલુ જ કેરીનુ ઉત્પાદન આવ્યું હતુ. ગત વર્ષે 10 કિલો કેરીનો ભાવ રૂ. 600 સુધીનો રહ્યો હતો.

ઓણસાલ ઠંડી પણ મોડે સુધી રહેતા અને માવઠુ થતા કેરી બજારમા એક મહિનો મોડી આવશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. ધારી પંથકના ખીચા, દેવળા, માધુપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં માવઠાના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. આ ઉપરાંત દિતલા, ખંભાળીયા, ધારગણી, કરેણ, જીરા, સરસીયા, દુધાળા, સમુહખેતી, ગઢીયા સહિતના ગામોમાં પણ આંબાવડીયાઓને નુકશાન પહોંચ્યુ છે.
ઉત્પાદન 35 ટકા જેટલુ ઓછુ રહેશે- નુરૂદીનભાઇ

ધારીમા કેરીના વેપારી નુરૂદીનભાઇએ જણાવ્યું હતુ કે ઓણસાલ કમોસમી વરસાદથી કેરીનુ ઉત્પાદન 35 ટકા જેટલુ ઓછુ આવવાની સંભાવના જણાઇ રહી છે. અહી વેપારીઓ કેરીના બગીચા રાખે છે અને બાદમાં રાજકોટ, અમદાવાદ, ગોંડલ, ભાવનગર સહિતના શહેરોમાં સીધો માલ મોકલી દે છે.

ખાખડી બંધાઇ ગયા બાદ નુકશાનની સંભાવના ઓછી- જીતુભાઇ તળાવીયા

પર્યાવરણ વિદ્દ જીતુભાઇ તળાવીયાએ જણાવ્યું હતુ કે ખાખડીઓ બંધાઇ ગયા બાદ કેરીના પાકને નુકશાની નહિવત થશે. અગાઉ આંબાવડીયાઓમાં મોર બેસતાની સાથે જ માવઠુ થયુ ત્યારે કેરીના પાકને નુકશાન થયુ હતુ.

ઓણસાલ કેરીનો ભાવ વધુ રહેશે- ઉકાભાઇ

દિતલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ જણાવ્યું હતુ કે ઠંડી લાંબો સમય રહેતા અને હાલમાં કમોસમી વરસાદ ખાબકતા કેરીનો પાક એક મહિનો મોડો છે. આંબાવડીયામા મોર બેસ્યા ત્યારે માવઠુ થતા નુકશાની વધારે થઇ હતી. લુ અને ગરમી પડે તો જ કેરી વધે, હજુ પણ વાદળછાયુ વાતાવરણ રહે છે. ચોમાસુ લંબાઇ તો કેરીના પાકને થોડો ઘણો ફાયદો થઇ શકે તેમ છે. ગત વર્ષે 10 કિલોના રૂ. 600 સુધીનો ભાવ રહ્યો હતો ત્યારે ઓણસાલ તો ભાવ રૂ. 900 સુધી રહેવાની સંભાવના છે.

No comments: