Thursday, March 31, 2016

ખાંભા-ધારી પંથકમાં બીજા દિ' એ પણ માવઠું, ખેડૂતોના જીવ પડિકે બંધાયા


ખાંભા-ધારી પંથકમાં બીજા દિ' એ પણ માવઠું, ખેડૂતોના જીવ પડિકે બંધાયા

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:21 PM IST
- શિયાળુ અને કેરીના પાકને થઇ રહેલુ નુકસાન, ખેડૂતોના જીવ પડિકે બંધાયા

અમરેલી, ધારી, ખાંભા: અમરેલી જિલ્લામા છેલ્લા બે દિવસથી વાતાવરણમા બદલાવ આવતા માવઠાનો માહોલ સર્જાયો છે. ગઇકાલે અમરેલી, સાવરકુંડલા, બાબરા પંથકમાં કમોસમી વરસાદ થયા બાદ આજે ખાંભા અને ધારી પંથકના કેટલાક ગામડાઓમા પણ કમોસમી વરસાદ થયો હતો. ખાંભાના નાનુડી, ભાડ વાંકીયા વિગેરે ગામમા તથા ધારીના પાતળા તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો.

કમોસમી વરસાદે અમરેલી પંથકમા ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. હજુ શિયાળુ પાક ખેડૂતના ઘરમા પહોંચ્યો નથી. બીજી તરફ કેરીનો પાક પણ આંબે ઝુલી રહ્યો છે. આવા સમયે માવઠાનો માહોલ સર્જાતા ખેડૂતોને પાકના નુકશાનની ભિતી સતાવી રહી છે. ગઇકાલે અમરેલી, બાબરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે ધારી અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. આજે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, વાંકીયા, નાના વિસાવદર, ખડાધાર, સમઢીયાળા, ભાવરડી, દાઢીયાળી વિગેરે ગામમા કમોસમી વરસાદ થયો હતો.

આ વિસ્તારમાં કમોસમી વરસાદથી કપાસ, જીરૂ, ચણાના પાકને નુકશાન થઇ રહ્યું છે. આજે ધારી તાલુકાના પાતળા તથા આસપાસના વિસ્તારમા પણ કમોસમી વરસાદ થયો હતો. પાતળાની બજારમાં જોરદાર ઝાપટુ પડી જતા શેરીઓમા પાણી દોડવા લાગ્યા હતા. પાછલા બે દિવસથી અમરેલી પંથકમાં આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલુ રહે છે અને જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઇ રહ્યો છે.

No comments: