Thursday, March 31, 2016

પીપાવાવ નજીક વાહન હડફેટે સિંહણનું મોત, શ્રધ્ધાંજલિ આપવા સત્યનારાયણની કથા


પીપાવાવ નજીક વાહન હડફેટે સિંહણનું મોત, શ્રધ્ધાંજલિ આપવા સત્યનારાયણની કથા

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:27 PM IST
રાજુલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી હોય તેમ અવારનવાર રેલ અને માર્ગ અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. આવી જ એક વધુ એક ઘટનામા રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક ફોર વે પર એક સિંહણનુ અજાણ્યા વાહન હડફેટે ચડી જતા મોત થયુ હતુ. વહેલી સવારે વનવિભાગે અહી દોડી જઇ એક વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ કબજે લીધો હતો. પીપાવાવ પોર્ટ તરફ જતા માર્ગ અને રેલ લાઇન સાવજો માટે ઘાતકી બની રહ્યાં છે.

રાજુલા પંથકમાં ફરી એકવાર માર્ગ અકસ્માતમા સિંહણના મોતની ઘટના બની છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસના પગલે દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. હજુ બે દિવસ પહેલા જ રાત્રીના સમયે એક સિંહણ પીપાવાવ નજીક રસ્તા પર આવી ગઇ હતી. ગઇરાત્રે પણ પીપાવાવ નજીક એકસાથે પાંચ સાવજોનુ ટોળુ રસ્તા પર આવી ગયુ હતુ. અહી વનતંત્રની ઘોર બેદરકારી ખુલીને સામે આવી છે.

આ સાવજો સલામત સ્થળે રહે તે માટે તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાતુ નથી બલકે સાવજો રસ્તા પર હોય ત્યારે પણ તેમને ખસેડવા વનતંત્રના કોઇ કર્મચારી ત્યાં જતા પણ નથી પરિણામ એ આવ્યું કે આ ટોળામા રહેલી એક વર્ષની સિંહણનુ કોઇ અજાણ્યા વાહન હડફેટે મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા વનવિભાગના અધિકારીઓ વહેલી સવારે પીપાવાવ નજીક ફોરવે પર પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો લઇ બાબરકોટ ખાતે લઇ ગયા હતા જયાં પીએમ બાદ સિંહણના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા.

વનવિભાગના અધિકારીઓ દ્વારા આ ઘટનાને છુપાવવા માટે પણ પ્રયાસ કરાયો હતો. સ્થાનિક આરએફઓ સી.બી.ધાંધીયા સહિતના અધિકારીઓએ આ ઘટનાથી ડરી જઇ મિડીયાથી પણ અંતર રાખ્યુ હતુ. વનતંત્રની ઘોર બેદરકારી એ હદે જોવા મળી હતી કે જેની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે તે સિંહણના મોત બાદ વનતંત્ર દ્વારા એકેય વાહન ચાલકની પુછપરછ પણ કરાઇ ન હતી.

શ્રધ્ધાંજલિ આપવા સત્યનારાયણની કથા

રાજુલા નજીક પીપાવાવ ફોરવે માર્ગ પર ગઇરાત્રે આશરે એક વર્ષની ઉંમરની સિંહણનુ માર્ગ અકસ્માતમા મોત થતા તેને શ્રધ્ધાંજલી આપવા અહીના પ્રકૃતિપ્રેમીઓ દ્વારા સત્યનારાયણની કથાનુ આયોજન કરાયુ હતુ. ભીખુભાઇ બાટાવાળા, આતાભાઇ વાઘ, અશોકભાઇ સાંખટ વિગેરેએ આ ઘટનાથી દુખ વ્યકત કર્યુ હતુ.

બે વર્ષમાં નવ સાવજોનાં મોત

રાજુલા જાફરાબાદ પંથકમાં બે વર્ષમા રેલ અને માર્ગ અકસ્માતમા નવ સાવજો મોતને ભેટયા છે જેમા જીકાદ્રીના પાટીયા પાસે બે સિંહબાળના મોત નિપજયા હતા. જયારે ભેરાઇથી પીપાવાવના ફાટક પાસે પાંચ બચ્ચા અને બે સિંહણ મોતને ભેટી હતી. હજુ પણ અહી રેલવે ટ્રેક પાસે સાવજો આવી ચડે છે.
 
અંધ સિંહણને સારવાર આપવા માંગ

પીપાવાવ બીએમએસ માર્ગ આસપાસ છેલ્લા કેટલાક સમયથી એક આંખે અંધ સિંહણ ફરી રહી છે. આ સિંહણ વારંવાર રસ્તા પર આવી જાય છે. તેને એક આંખે દેખાતુ ન હોય તેની સાથે અકસ્માતનો સતત ખતરો રહે છે. અહીના પ્રકૃતિપ્રેમી અશોક સાંખટે જણાવ્યું હતુ કે સિંહણની સારવાર નહી થાય તો તેનો જીવ જોખમમા છે. પરપ્રાંતિય લોકો તેને અવારનવાર હેરાન કરી રહ્યાં છે.

No comments: