Thursday, March 31, 2016

અમરેલીઃ સાવજના ઘર સમું ક્રાંકચનું જંગલ બીજે દિવસે પણ સળગતું રહ્યું, વનતંત્ર નિષ્ફળ


અમરેલીઃ સાવજના ઘર સમું ક્રાંકચનું જંગલ બીજે દિવસે પણ સળગતું રહ્યું, વનતંત્ર નિષ્ફળ

  • Bhaskar News, Liliya
  • Mar 27, 2016, 00:02 AM IST
લીલીયાઃ સાવજોના એક વિશાળ ગૃપે જ્યાં પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યુ છે તે લીલીયાના ખારાપાટ વિસ્તારમાં બાવળના જંગલમાં વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ગઇકાલે લાગેલા દવ પર આજે પણ કાબુ મેળવી શકાયો ન હતો. અહિં એકાદ હજાર વિઘામાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો. વનતંત્ર દ્વારા મોડે મોડે અહિં ચાર ફાયર ફાઇટરોને દવ પર કાબુ મેળવવા કામે લગાડાયા હતાં પરંતુ તંત્રને રાત સુધી સફળતા મળી ન હતી. આ વિસ્તારમાં 35 જેટલા સાવજો છે. જેનું લોકેશન મેળવવા પણ પ્રયાસો હાથ ધરાયા છે.
 
- સાવજના ઘરને સળગતુ બચાવવામાં વનતંત્ર નિષ્ફળ : ચાર ફાયર ફાઇટર કામે લાગ્યા છતાં આગ ન ઓલવાઇ
- 35 જેટલા સાવજો અને અન્ય વન્યપ્રાણીઓની ભાળ મેળવવા વન તંત્ર કામે લાગ્યું: મોટા ભાગનું ઘાસ સળગી ગયું

જંગલ વિસ્તારમાં આમ તો દવની ઘટના નવી નથી. પરંતુ લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસનો વિસ્તાર ગીરનું જંગલ નથી પરંતુ ખારાપાટ વિસ્તારમાં આપમેળે ઉગી નિકળેલુ બાવળનું જંગલ છે. અહિં બરૂ નામનું મોટા કદનું ઘાસ પણ વિપુલ પ્રમાણમાં ઉગી નિકળે છે. આસપાસના આઠ-દશ ગામોની સીમને આવરી લેતા આ વિસ્તારમાં સાવજો ઉપરાંત દિપડા, નિલગાય, હરણ, કાળીયાર સહિતના વન્ય પ્રાણીઓ ઉપરાંત પશુ-પક્ષીઓ સરીસૃપોની મોટી સંખ્યા નભે છે. આ વિસ્તારમાં પણ દર વરસે દવની ઘટનાઓ બને છે.
 
વનવિભાગે ચાર ફાયર ફાયટર કામે લગાડ્યા

ગઇકાલે સાંજના સમયે જુના સાવરના સીમ વિસ્તારથી દવની શરૂઆત થઇ હતી. ભારે પવનના કારણે  રાત સુધીમાં આ દવ છેક ક્રાંકચની સીમ સુધી પહોંચી ગયો હતો. નિંભર વનતંત્ર ડોકાયુ ન હતું. વનતંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થિતી એ સર્જાય કે આજે પણ દવ પર કાબુ મેળવી શકાયો ન હતો. આજે પણ આખો દિવસ શેત્રુજી કાંઠાના વિસ્તાર સહિત દવ ચાલુ રહ્યો હતો. વનતંત્ર દ્વારા દવ પર કાબુ મેળવવા ચાર ફાયર ફાઇટર કામે લગાડવામાં આવ્યા હતાં. પરંતુ આમ છતાં રાત સુધી દવ પર કાબુ મેળવી શકાયો ન હતો.
 
 
વન્યસૃષ્ટિ ભારે પ્રભાવિત થઇ હતી

ગઇરાત્રે વનતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચવામાં ઘોર બેદરકારી દાખવી હતી. આખરે સિંહ પ્રેમીઓ દ્વારા છેક ગાંધીનગર સુધી રજુઆત કરાયા બાદ સ્થાનિક તંત્ર દોડતુ થયુ હતું. હજુ પણ ઠેકઠેકાણે આગ લબકારા મારી રહી છે. સ્વાભાવીક રીતે જ ભારે દવના કારણે અહિં પક્ષીઓના માળા, સરીસૃપો અને જીવજંતુનો સહિતની વન્યસૃષ્ટિ ભારે પ્રભાવિત થઇ હતી. જો આગ પર સંપૂર્ણપણે કાબુ નહી મેળવાય તો આ જંગલના કોઇપણ ખુણેથી ફરી એકવાર દવ ચારેય તરફ ફરી વળી તેવી શક્યતા જોવાઇ રહી છે.

એક હજાર વિઘામાં વન્ય સૃષ્ટિનો નાશ

જુના સાવરની સીમ વિસ્તારથી શરૂ થયેલો દવ છેક ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં પ્રસરેલો છે. અહિં એકાદ હજાર વિઘા કરતા વધુ વિસ્તારમાં દવ પ્રસરી ચુક્યો છે. હજુ પણ દવ શરૂ હોય અને સંપૂર્ણ કાબુ મેળવી શકાયો ન હોય ક્ષતિગ્રસ્ત વિસ્તાર વધવાની શકયતા છે.

35 સાવજોની ભાળ ક્યારે મેળવાશે ?

આ ખારાપાટ વિસ્તારમાં 35 જેટલા સાવજો છે. જ્યાં આગ લાગી હતી તે વિસ્તારમાં આગલી સાંજે સાત સાવજોએ એક પશુનું મારણ કર્યુ હતું. આ સાવજોની હજુ ભાળ મળી નથી. આ વિસ્તારમાં વસતા તમામ સાવજોનું લોકેશન મેળવવુ જરૂરી બન્યુ છે. સામાન્ય રીતે સિંહણના બચ્ચા એક કે બે માસથી નાના હોય ત્યારે હરીફરી શકતા નથી.

કયા કયા વિસ્તારમાં દવ ?

લીલીયાના ખારાપાટમાં બૃહદ ગીર વિસ્તારમાં આવતા શેઢાવદર અને ક્રાંકચની સીમ, જુના સાવરની સીમ, નાળીયારાથી ગાગડીયાના  આરા, લોંકીની સીમ સહિતના વિસ્તારોમાં આ દવ પ્રસરી ચુક્યો છે.

No comments: