Thursday, February 28, 2019

સિંહોની વધેલી વસ્તી નહીં પણ ગીરનું જંગલ ગીચ બનતું હોવાથી સાવજો બહાર નીકળી રહ્યાં છે

Divyabhaskar.com | Updated - Feb 14, 2019, 11:49 AM

  • શિકાર માટે સિંહોને ઘેડ પંથક વધુ અનુકૂળ બની રહ્યો છે 

જૂનાગઢ:ગિરનું જંગલ 1412 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી 258 ચોરસ કિમી વિસ્તાર નેશનલ પાર્ક છે. જે ખુબજ ગીચ છે. આથી સિંહોની વસ્તી જ નહિ પણ ગીરનું જંગલ ગીચ બનતુ હોવાથી સાવજો બહાર નિકળી રહ્યાં છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સ્વાભાવિકપણે જ ઘટી જાય. એક અધિકારી નામ ન આપવાની શરતે કહે છે નેશનલ પાર્કમાં છેલ્લા ત્રીસેક વર્ષથી કટીંગ નથી થયું. અહીં 30થી 50 સિંહો વસે છે. એ સિવાયે 180થી વધુ સિંહો રેવન્યુ વિસ્તારમાં વસે છે. જોકે, છેલ્લી વસ્તી ગણતરી કુલ 20,000 ચોરસ કિમી વિસ્તારમાં થઇ હતી.છેલ્લે સિંહોનાં ટપોટપ મોત બાદ રસીકરણ કરાયું એ વખતે 600 સિંહ દેખાયાનું વનવિભાગનું કહેવું છે.

સિંહોએ સલ્તનત માંગરોળથી શિહોર સુધી વિસ્તારી

1.ગિરનારનું જંગલ પણ 179 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી સિંહની રોજબરોજની અવરજવર વાળો વિસ્તાર તો વધીને 50 ચોરસ કિમીનો માંડ છે. તેની સાથે જ્યાં જંગલ નથી અથવા પાંખું જંગલ અથવા વિડી વિસ્તાર છે ત્યાં સિંહોની અવરજવર સૌથી વધુ પ્રમાણમાં નોંધાઇ છે. નામ ન આપવાની શરતે એક અધિકારી કહે છે, અહીં 12 ગૃપોમાં આશરે 45થી વધુ સિંહોનો વસવાટ છે. તો ગિરની બહારનાં સિંહની સંભવિત અવરજવરવાળા વિસ્તારને વનવિભાગે વર્ષો પહેલાં ગ્રેટર ગીર તરીકે ઓળખી કાઢ્યો છે.આ વિસ્તાર પૈકી અમરેલી અને ભાવનગર જિલ્લાનાં હાલ શિહોર, પાલીતાણા, સાવરકુંડલા, જેસર, મિતીયાળા, ખાંભા, સહિત શેત્રુંજી નદીની આસપાસનાં 109 ચોરસ કિમી વિસ્તારને કન્ઝર્વેશન રીઝર્વ તરીકે વિકસાવાયો છે. જે સિંહોની અવરજવર માટેનો કોરીડોર છે. 
સાવજોને જંગલ અનુરૂપ ન હોય તો બહારનો રસ્તો શોધવો પડે
2.વર્ષો સુધી સિંહો સાથે કામ પાડીને નિવૃત્ત જીવન ગાળી રહેલા વનઅધિકારીઓનાં કહેવા મુજબ, 1 સિંહને વસવાટ માટે 24 કિમી વિસ્તાર જોઇએ. એ રીતે જોઇએ તો પણ ગિર જંગલ હવે સાવજોને ટૂંકું પડે છે. 2015માં થયેલી વસ્તી ગણતરીમાં 523 સિંહો નોંધાયા હતા. ગિર અભયારણ્યનાં અમુક વિસ્તારો અને નેશનલ પાર્કના જે ગીચ વિસ્તારો છે ત્યાં સાવજોની અવરજવર બહુ ઓછી હોય છે. ગિરનારના પહાડી વિસ્તારને તો સિંહોની સીધી અવરજવરમાંથી બાકાતજ રાખજો પડે. આથી સાવજોએ જ્યાં ઘાસીયા મેદાનો છે એ વિસ્તારમાં વસવાટ માટે શોધવો પડે છે. આથીજ સાવજો જંગલમાંથી નિકળવાનું એકમાત્ર કારણ વસ્તી વધારો નહીં, જે જંગલ છે એ પણ તેને અનુરૂપ ન હોય તો તેણે બહારનો રસ્તો શોધવો જ પડે.
વિસ્તાર બદલે એટલે ખોરાક પણ બદલી જાય
3.વર્ષો સુધી સાસણ ફરજ બજાવી ગયેલા અધિકારી સિંહને ઘાસીયા મેદાનોમાં ચિત્તલ કે સાંભર ન મળે ત્યારે તેણે જંગલી ભૂંડ, નિલગાય, વગેરેનો શિકાર પણ કરવો પડે. એટલે કે, તેની ફૂડ હેબિટ બદલી જાય છે. એક અંદાજ મુજબ, ગીરમાં સિંહો 40થી 45 ટકા ચિત્તલ, 15 ટકા સાંભર, 15 ટકા નિલગાય, 6 ટકા ભૂંડ અને 15 ટકા રેઢિયાળ માલઢોરનો શિકાર કરે છે. 
દરિયાકિનારે રહેતા સિંહને ગિર અનુકૂળ ન આવે
4.વન અધિકારીઓનાં કહેવા મુજબ, ગીરમાંથી માઇગ્રેટ થયેલા સિંહોનાં ગૃપો દરિયાકિનારે પણ વસવાટ કરતા હોય છે. માંગરોળનાં દરિયાકાંઠે 4 સિંહોનાં ગૃપનો વસવાટ છે. આ સિંહોને ગિરમાં મૂકો તો તે ત્યાં અનુકૂળતા ન સાધી શકે.
 
મચ્છરથી બચવા પવન વધુ હોય એવા વિસ્તારો વધુ પસંદ કરે છે
5.વનવિભાગનાં એક અધિકારીનાં કહેવા મુજબ, ગિરનારમાં વસતા સિંહો તો ચોમાસામાં મચ્છરનાં ઉપદ્રવથી બચવા ઉત્તર ડુંગર રેન્જમાં આવેલા જાંબુડીથી લઇને રણશીવાવ રાઉન્ડમાં વસે છે. કારણકે, આ વિસ્તારમાં પવન સારો હોય છે. એ સમયે દક્ષિણ ડુંગર રેન્જનાં વિસ્તારોમાં પવન ઓછો હોવાથી ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધુ હોય છે.
ઠંડક-પાણી માટે ઉનાળામાં બોરદેવીમાં વસવાટ
6.દક્ષિણ ડુંગર રેન્જમાંજ આવતા બોરદેવીના જંગલમાં પહાડી અને ગીચ જંગલ હોવા છત્તાં પણ સાવજો વસે છે. કારણકે, અહીં ખાસ કરીને ઉનાળામાં ઠંડક હોય છે અને ગુડાજડી નદીના ઘૂનામાં પાણી ભરેલું હોય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-because-of-not-the-lions-population-but-the-gir-forest-is-crowded-gujarati-news-6022636.html

No comments: