Tuesday, November 20, 2012

ક્રાંકચઃ ગીર બહારનું સિંહારણ્ય.

સમયાંતર - લલિત ખંભાયતા. 18-November-2012, Sunday
- અમરેલી જિલ્લાના લિલિયા પાસેનો ક્રાંકચ વિસ્તાર છેલ્લા થોડા સમયથી સંિહોની હાજરી માટે જાણીતો બનતો જાય છે. માનવીય વસાહતનો વિસ્તાર હોવા છતાં ક્રાંકચ અને ત્યાંથી પસાર થતી શેત્રુંજીના કાંઠાના વિસ્તારોમાં ત્રીસેક સંિહોની હાજરી નોંધાઈ છે. માણસોની વસતી વચ્ચે સંિહોની મોટા પ્રમાણમાં હાજરીને કારણે વનવિભાગે ક્રાંકચ ખાતે ચેકપોસ્ટ પણ ઉભી કરવી પડી છે..
‘સિંહોના અવર-જવરનો વિસ્તાર છે, વાહન ધીમે અને સાવચેતીપૂર્ક ચલાવવું..’ અમરેલીથી ક્રાંકચ ગામ તરફ જતાં રસ્તામાં એક ચોકડી આવે. એ ચોકડી પર એક બોર્ડ મારેલું છે. થોડા ઘણા ઝાંખા થઈ ગયેલા અક્ષરોમાં લીલા કલરે આવા જ મતલબની લાંબી સૂચના ત્યાં લખેલી છે. સ્થાનિક લોકો માટે એ સૂચનાની કોઈ નવાઈ નથી, જ્યારે અજાણ્યા લોકો મોટે ભાગે આવી સૂચના ઘ્યાનથી વાંચતા નથી હોતા! પણ એ વિસ્તારની ભુગોળ (અમેરેલી-સાવરકુંડલા વચ્ચેનો વિસ્તાર)થી થોડા વાકેફ હોઈએ તો સવાલ જરૂર થાય કે અહીં સંિહ ક્યાંથી? ખેતરો છે, ગામડાંઓ છે, રહેણાંક મકાનો છે, વસાહતો છે. આખો વિસ્તાર તો માનવ-વસાહતથી ભરેલો છે. સંિહ ક્યારેક આવી ચડતા હોય એ તો સમજી શકાય એવી વાત છે, પણ કાયમી ધોરણે બોર્ડ મારવું પડે એટલી બધી સંિહોની અવર-જવર અહીં ક્યાંથી? થોડા દિવસો પહેલા સુધી આ સ્થિતિ હતી. હવે તો સંિહોના રક્ષણ માટે નાના લિલિયા ચોકડી કહેવાતા ચાર રસ્તે વનખાતાએ ડેરા-તંબુ તાણી ચેકપોસ્ટ ઉભી કરી છે! મતલબ કે મોટી સંખ્યામાં સંિહો ક્રાંકચ અને તેની આસપાસના વિસ્તારમાં આવ-જા કરે છે. સંિહોના ગીર બહાર જે રહેઠાણો છે, તેમાનું ક્રાંકચ એક છે.
મિની અભયારણ્ય
સંિહોએ પસંદ કરેલી આ જગ્યા આજે ગીર બહારનું મિની અભયારણ્ય બની ગઈ છે. સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ નદી શેત્રુંજી અહીંથી પસાર થાય છે. શેત્રુંજીના બન્ને કાંઠે ભેખડો અને થોડુ-ઘણુ જંગલ છે. સત્તાવાર રીતે ભલે આ વિસ્તાર ગીર ન ગણાય પરંતુ ત્યાંની જીવસૃષ્ટિ અને વન્યવસાહત સંિહોને બહુ માફક આવી ગઈ છે. એક સમયે બારેમાસ વહેતી શેત્રુંજી આજે પહેલા જેવી પાણીની વિપુલતા તો નથી ધરાવતી, પણ સંિહોને જોઈએ એટલુ પાણી મળી જ રહે છે. કાંઠે પાંખુ જંગલ હોવાથી ત્યાં રહેતા સજીવોને સંિહનો ખોરાક બનતા રહે છે. ક્યારેક જંગલમાં ખોરાક ન મળે ત્યારે આજુબાજુના ગામડાં જઈ મારણ ક્યાં નથી કરાતું?
આજુ-બાજુના ગામડાંઓમાં સંિહોની રંજાડ રહે છે. પણ સામે પક્ષે કેટલાક સ્થાનિક સળીબાજો દ્વારા સંિહોને થતી રંજાડ પણ એટલી જ છે. આ વિસ્તાર જંગલ નહીં પણ ગામ અને ખેતરોનો છે. કોઈકના ખેતરમાં કે ખેતરના શેઢે કે નદીના પટમાં સંિહ મારણ કરે કે ધામા નાખે તો પંથકમાં ખબર પડ્યા વગર રહેતી નથી. પરિણામ? કલાક-બે કલાકમાં તો સંિહ જોવા માંગતા અને વઘુ તો સંિહને સળી કરવા માગતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ જાય! સંિહ અને સંિહદર્શનાર્થીઓ વચ્ચે જંગલ અધિકારીઓ આવે ત્યાં સુધીમા ઘણો સમય નીકળી જતો હોય છે. વળી કેટલાક કિસ્સામાં જંગલખાતાના અધિકારીઓ પહોંચી પણ શકતા નથી. એ દરમિયાન સંિહોને સળી કરનારાઓને મજા પડી જાય છે. સંિહો પાછળ ટ્રેકટર-રીક્ષાઓ દોડાવવી, મારણ પર બેઠેલા સંિહોને પથ્થરો મારવા, મારણ પરથી હટાવી દેવા વગેરે પ્રવૃત્તિઓની અહીં નવાઈ નથી. સ્થિતિ એ સર્જાઈ છે, કે ક્રાંકચ આસપાસનો વિસ્તાર સંિહોની હાજરી માટે ગૌરવ લઈ શકત પણ કેટલાક લોકોને કારણે સંિહોને હેરાન-પેરશાન કરવા માટે બદનામ થઈ રહ્યો છે.
સાવધાન, તમે સંિહોના વિસ્તારમાં છો!
હવે જોકે વનવિભાગે ક્રાંકચ રોડ પર તત્કાળ ધોરણે એક ચોક-પોસ્ટ ઉભી કરી દેતાં સંિહોને થતી રંઝાડ ઓછી થશે. લોકે સંિહોને હેરાન ન કરે તો પણ રસ્તાઓ પર અવર-જવર કરતાં વાહનોને કારણે ક્યારેક અકસ્માત થવાની શક્યતા રહે છે. અમરેલી-લિલિયા રોડ પર ઘણી વખત રાત્રીના સમયે સંિહો આવીને આરામ ફરમાવતા હોય છે. અંધારમાં બેઠેલી સંિહોની ટોળકી પૂરપાટ આવતા વાહનોને નજરે પડે ત્યાં સુધીમાં ક્યારેક ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય એવુ બની શકે. થોડા દિવસો પહેલાં જ રોડ પર સંિહ પરિવાર આરામ ફરમાવી રહ્યો હતો. વન-વિભાગના અધિકારીઓ ત્યાં હાજર હતાં. એવામાં દૂરથી દેમાર ગતીએ એક જીપ આવી રહી હતી. જો જીપ સમયસર બ્રેક ન મારે તો અકસ્માત નક્કી હતો. હાજર રહેલા લોકોએ બૂમ-બરાડા પાડ્યા પણ જીપ-ચાલક સુધી એ અવાજ પહોંચે તો ને? એ તો પોતાની મસ્તીમાં જીપ ભગાવ્યે જતો હતો. પણ એવામાં કોઈએ લાઈટના શેરડાઓ મારી ઈશારાથી સમજાવતા જીપે સમયસર બ્રેક મારી દીધી. ત્યારે તો ખાસ વાંધો ન આવ્યો પણ આવો અકસ્માત ભવિષ્યમાં ન થાય એની કોઈ ખાતરી નથી હોતી. એટલે વનવિભાગે હાલ તુરંત થાણુ ઉભુ કરી દીઘું છે. વન વિભાગે સંિહોની મદદે આવવામાં મોડુ કર્યું છે, પણ જો હવે બરાબર કાળજી લેવાય તો આ વિસ્તારમાં સંિહોના વસવાટને ઘણો લાભ થશે.
સમય-સંજોગો પ્રમાણે પરિવર્તન!
ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કહે છે, એમ કોઈ પણ સજીવે અસ્તિત્વ ટકાવવું હોય તો જે-તે સ્થળ-સમયને અનુરુપ થવું પડે. અહીં આવતા સંિહો પણ પોતાની જંગલી આદતોમાં થોડો-ઘણો ફેરફાર કરી સ્થાનિક પર્યાવરણને અનુરુપ બન્યાં છે. જેમ કે સામાન્ય રીતે સંિહો પાણીમાં હોય એવું દશ્ય દુર્લભ છે. પણ અહીં શેત્રુંજીના પટમાં જ હોવાથી ક્યારેક ક્યારેક છીછરા પાણીમાં સંિહો નજરે પડી જાય છે. ચોમાસામાં નદીમાં પુર આવે ત્યારે નહી કાંઠે કોતરોમાં રહેતા સંિહો માટે મુશ્કેલી થઈ શકે છે. ખાસ તો સંિહના બચ્ચાઓનું સમયસર સ્થાનાંતર ન થાય તો પાણી સાથે તણાઈ જાય એ નક્કી વાત છે. પણ સંિહોને ચોમાસું આવતાં જ ખબર પડી જાય. એટલે શિયાળામાં જેમ કાશ્મીરની રાજધાની શ્રીનગરથી જમ્મુમાં સ્થળાંતરીત થઈ જાય છે, એમ સંિહો પણ ચોમાસામાં આખી વણઝારનું નદીના પટમાંથી ડુંગરાળ વિસ્તારમાં સ્થળાંતર કરી નાખે છે.
આઠ માસ સુધી નદીના પટમાં જમાવડો કરતા સંિહો વરસાદના પહેલા આગમન સાથે જ નવા સ્થળે જવાની તૈયારી કરવા માંડે છે. નદીથી થોડે દૂર આવેલા ડુંગરાળ વિસ્તારો ચોમાસાના ચાર માસ માટે સંિહોનું રહેણાંક બને છે. ફરી જેવું ચોમાસુ પુરું થાય એટલે સંિહો મેદાનમાં આવી જાય છે. સંિહોને આવી બુદ્ધિ ક્યાંથી આવી એ તો કોને ખબર, પણ ભુતકાળના અકસ્માતો પરથી સંિહોએ કદાચ શીખ લીધી હશે. થોડાંક વર્ષો પહેલાં ભારે પુર આવ્યું ત્યારે શેત્રુંજીના પાણીમાં ચાર સંિહોને મૃતદેહો નજરે પડ્યા હતાં. એ પછી કોઈ સંિહ તણાયા હોવાના બનાવો નોંધાયા નથી. સંિહો સમજીને જ પાણી માટે માર્ગ કરી આપે છે. અલબત્ત, સંિહોને તકલીફ નથી પડતી સાવ એવુંય નથી. ગયા વર્ષે લિલિયામાં બે દિવસ સતત વરસાદ પડતાં એક સંિહ પરિવાર ગાંગડિયા નદીના પટમાં ફસાઈ ગયો હતો. કુલ છ સંિહોનો પરિવાર એક બાજુ પાણી અને એક બાજુ નદીની ભેખડ વચ્ચે મુશ્કેલીમાં મુકાયો હતો. અંતે પાણી ઓસરતાં બધા સંિહો સલામત રીતે જંગલ તરફ રવાના થયા હતાં.
ગીરના સંિહો બધા એકસાથે હોવાથી કોઈ રોગચાળો ફેલાય કે કોઈ આફત વખતે બધા સંિહો નાશ પામે તો? એ મુદ્દો ઉપસ્થિત કરી વારંવાર કેટલાક સંિહોને મઘ્યપ્રદેશ લઈ જવાની દલીલ થતી રહે છે. હકીકત એ છે, કે હવે સંિહો માત્ર ગીરમાં નથી રહેતાં. સો-સવાસો જેટલા સંિહો ગીર બહારના વિવિધ વિસ્તારોમાં ફરે છે. માટે ન કરે નારાયણને કદાચ ‘કેનાઈન ડિસ્ટેમ્પર (એક રોગચાળો, જે સંિહોમાં થવાની સંભાવના વધારે છે)’ ફાટી નીકળે તો પણ સંિહો સલામત રહેશે. ૧૯૯૧મા ટાન્ઝાનિયાના વિશ્વવિખ્યાત ‘સેરેંગટી નેશનલ પાર્ક’માં આ રોગચાળાને કારણે સંિહોની વસતી ૨૦ ટકા ઓછી થઈ ગઈ હતી. એટલે કેનાઈન ડિસ્ટેમ્પરનો ડર હોવો સ્વાભાવિક છે, પણ હાલ તુરંત ગીરના કિસ્સામાં વ્યવહારુ નથી. બીજો ડર જંગલમાં આગ લાગવાનો હોય. તો આગ તો બધા જ જંગલોમાં લાગે છે અને એમાં રાબેતા-મુજબ જંગલજગતને નુકસાન થતું હોય છે. ક્રાંકચમાં જ ઊનાળામાં ૩ વખત દાવાનળ લાગ્યો હતો. એમાં સદ્‌ભાગ્યે સંિહો સલામત રહ્યાં હતા.
સંિહના ટોળા છે જ!
ગીરના જંગલમાં રહેતા સંિહો હજુ એટલા મોટા ટોળામાં નથી રહેતાં. પણ શેત્રુંજી-ક્રાંકચ-ગાંગડિયોના વિસ્તારમાં ફેલાયેલા સંિહો ટોળામાં ફરે છે. મે, ૨૦૧૧માં તો જંગલખાતાએ એક સાથે ૧૮ સંિહોનો વિશાળ કાફલો જોયો હતો. એ પહેલાં લિલિયા-ક્રાંકચ રોડ ઉપર ગાંગડિયો નદીના પુલ માથે એક સવારે એક સાથે ૧૧ સંિહો આવી પહોંચતા પુલ પરનો વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. સંિહનું મોટું ટોળું જોઈને પણ ઘણી વખત સંિહ જોવા આવેલા લોકો પૈકી કેટલાંક અળવિતરાઓ સળી કર્યાં વગર રહેતાં નથી. સળી કરે ત્યારે સંિહ ત્યાંથી તો દૂર થઈ જાય છે, પણ તેનો ગુસ્સો બીજા કોઈ પર ઉતરે છે. ગુસ્સે થયેલા સંિહોને રસ્તામાં કોઈ માલધારી મળે તો તેમના પર અકારણ હુમલો કરી બેસે છે. ક્યારેક બે સંિહો પણ અંદરો-અંદર બથોબથ આવે છે. અહીંના સંિહો અન્ય વિસ્તાર કરતા વધારે ઉગ્ર સ્વભાવના છે. એમના સ્વભાવની ઉગ્રતા પાછળ તેમને થતી હેરાનગતિ જવાબદાર છે. એ હેરાનગતિ ઓછી થતી જશે એમ એમ સંિહોની રંજાડ પણ ઘટતી જશે.

દુર્લભ દૃશ્ય સંિહ પાણીમા
પાણીમાં ઉભેલા સંિહની ઉ૫રની દુર્લભ તસવીરો અમરેલીના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર અમઝદ કુરેશીએ લીધી છે. એ દિવસ યાદ કરતાં કુરેશી કહે છે, ‘પહેલાં તો મને લાગ્યું કે કોઈ બીજુ જનાવર છે. સંિહ પાણીમાં ચાલ્યો જાતો હોય એવી તો કલ્પના પણ ક્યાંથી હોય! પણ પછી ઘ્યાનથી જોયું તો ડાલામથ્થો જ હતો. મે એ ક્ષણો કેમેરામાં કંડારવાની તક ઝડપી લીધી.’ સંિહો પાણીમાં ચાલતા હોય એવું દૃશ્ય સામાન્ય સંજોગોમાં જોવા મળવું મુશ્કેલ છે. અલબત્ત, સાવ સંિહોને પાણી સાથે દુશ્મની છે એવુંય નથી. આફ્રિકા ખંડના બોત્સવાના દેશમાં ઓકવાંગો ડેલ્ટા નામનો ઓકવાંગો નદીનો મુખત્રિકોણ પ્રદેશ છે. આ વિસ્તારમાં દોઢેક હજાર સંિહો રહે છે. પ્રાણીશાસ્ત્રી ક્રિસ્ટીઆન વિન્ટરબેચ અને તેમની પત્ની હેનલીને ખબર પડી કે પાણી ભરેલા વિસ્તારમાં સંિહો રહે છે, ત્યારે તેઓ કુતુહલવશ ઓકવાંગોના પટમાં આવ્યા. અહીં એમણે જોયું કે કેટલાક સંિહો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પાણીમાં ઝંપલાવે છે! સંિહને પાણીમાં જોઈ વિન્ટરબેચ દંપતિને આશ્ચર્ય થયું, કેમ કે સામાન્ય રીતે સંિહો પાણીથી દૂર રહેવાનું પસંદ કરતાં હોય છે. હા, પાણી પીવા પુરતાં જરૂર આવે પણ કાંઠેથી જ જીભ લાંબી કરીને પાણી પી, પરત થઈ જતાં હોય છે. અહીંના સંિહોનો અભ્યાસ કરવાનું નક્કી કરી ક્રિસ્ટીઆન અને હેનલી અહીં જ રહી ગયા. વર્ષોના અભ્યાસ બાદ તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે, કે સંિહો અનિવાર્ય હોય તો પાણીમાં ચાલવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે બે-અઢી ફીટ ઊંડુ હોય એવા પાણીમાં જ સંિહો ઝંપલાવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાયે જવાનો રસ્તો સીધો હોય પણ ત્યાં પાણી ઊંડુ હોય તો સંિહો ફરીને જવાનું પસંદ કરે છે. બાકી પાણીમાં રહેવાનું તેમને જરા પણ પસંદ નથી.
લાદેન છે અને તાડકા પણ છે!
લાદેન કે તાડકા બેમાંથી કોઈ પણ હયાત નથી, છતાં એના દર્શન તમને જંગલમાં થઈ શકે એમ છે! એમાંય તાડકા તો છેક કૃષ્ણના વખતમાં રાક્ષણસી હતી. પણ જંગલમાં લોકોએ સંિહ-સંિહણ, તેમના બચ્ચાંઓને આવા નામો આપ્યા છે. સાવરકુંડલાના સાકરપરા વિસ્તારમાં રહેતો એક સંિહ બહુ મોટેથી ત્રાડો પાડતો હોવાથી તેનું નામ ‘ઓસામા બીન લાદેન’ પાડી દેવાયું છે! અમેરિકા આતંકવાદી ઓસામાને ઠાર કરી શક્યું પણ આ ઓસામા તેમની પહોંચથી બહાર છે. તુલશિસ્યામ વિસ્તારમાં એક ખુંખાર સંિહણને ‘ફૂલનદેવી’ નામ આપી દેવાયું છે. નામ સંિહોની ખાસિયત-ટેવો-લક્ષણના આધારે અપાતાં હોય છે. મિતિયાળા વિસ્તારમાં એક સંિહ હતો જેનો કલર જરા ઝાંબલી હતો એટલે નામ ‘ઝામ્બો’ પાડી દેવાયું. એ રીતે સાસણ પાસે એક પુંછડી કપાયેલો સંિહ ‘બાંડા’ તરીકે ઓળખાતો હતો. પુછડું કપાયેલી સંિહણ ‘બાંડી’ તરીકે ઓળખાય છે. નાત બહાર મુક્યો હોય એમ એક સંિહ એકલો જ ફરતો રહેતો એટલે એનું નામ પડી ગયું ‘એકલમલ’. ગઢિયા વિસ્તારમાં બે કદાવર સંિહો એક સાથે જ ફરતાં. જોઈને ભલભલાના ધબકારા વધી જાય એવા સંિહોના નામ ‘ભીમ-અર્જૂન’ રાખ્યાં હતાં. કપાળે જરાક ટીલું હોય તો એવા સંિહ ‘ટિલિયા’ તરીકે ઓળખાણ અપાય છે. એ રીતે ગીરમાં તો ‘તાડકા’, ‘તરખો’, ‘જળકટો’ એમ વિધવિધ પ્રકારના નામો ધરાવતા સંિહો રાજ કરે છે.
Source: http://gujaratsamachar.com/20121118/purti/ravipurti/ravi44.html

No comments: