Monday, November 19, 2012

દીવાળી વેકેશન પર સોરઠ સહેલાણીઓથી ઉભરાયું.

દીવાળી વેકેશન પર સોરઠ સહેલાણીઓથી ઉભરાયું


Bhaskar News, Junagadh  |  Nov 17, 2012, 00:56AM IST
દીવાળીનાં મીની વેકેશનમાં ટુરીસ્ટોનો પ્રવાહ અવિરત રહ્યો : જૂનાગઢ, સોમનાથ, સાસણમાં કતારો લાગી : હોટલો, ધર્મશાળા, ગેસ્ટહાઉસ હાઉસફૂલ : ટુરીસ્ટોએ કેટલાક સ્થળે હાઇવે પર વાહનોમાં જ રાત વિતાવવી પડી
 
દીવાળીનું મીની વેકેશનમાં બેસતા વર્ષ અને ભાઇ-બીજનાં પવિત્ર પર્વે સોરઠની ખુશ્બુ જાણે છલકાઇ હોય તેમ જૂનાગઢ, સાસણ, સોમનાથ અને ઊના નજીકનાં કેન્દ્ર શાસિત દીવ પ્રદેશમાં માનવ સમુદાય ઉમટતા જાણે સોરઠ હાઉસફૂલ બન્યુ હોય તેવું સર્જાયુ હતું. જેમાં સોમનાથ, સાસણ અને દીવમાં તો હોટલ, ધર્મશાળા અને ગેસ્ટહાઉસમાં પણ અકડેઠઠની સ્થિતિમાં કેટલાક ટૂરીસ્ટોએ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોનાં ખેતરોમાં અને કેટલાક લોકોએ હાઇવે પરજ વાહનમાં જ રાત વિતાવી આ મીની વેકેશનનો ફરવાનો આંનદ માણ્યો હતો.
 
જૂનાગઢ : સોરઠમાં પ્રવેશ દ્વાર સમા જૂનાગઢમાં દીવાળીની સમી સાંજથી ટૂરીસ્ટોનો પ્રવાહ શરૂ થતાં શહેરની હોટલ, ધર્મશાળા અને ભવનાથમાં જ્ઞાતિઓની ધર્મશાળા પણ હાઉસફુલ થઇ ગઇ હતી. જયારે બેસતા વર્ષ અને ભાઇબીજનાં પવિત્ર પર્વે સક્કરબાગ, ભવનાથ, ગિરનાર, દાતાર, ઉપરકોટ સહિ‌તનાં જોવાલાયક સ્થળોમાં માનવ કિડીયારૂ ઉભરી આવ્યું હતું.
 
દીવ : દીવમાં દીવાળીનાં વેકેશનનાં પ્રારંભથી જ તમામ હોટલો અને ગેસ્ટહાઉસમાં હાઉસફુલનાં બોર્ડ લાગી ગયા હતાં. જયારે આ બે દિવસ દરમ્યાન તો ટૂરીસ્ટોનો મહાસાગર છલકાતાં નાગવાબીચ ખાતે તો દોઢ થી બે કિલોમીટર બંને સાઇડ વાહનોનાં થપ્પા લાગી ગયા હતાં. આજ રીતે ટૂરીસ્ટો કિલ્લો, ચર્ચ, મ્યુઝીયમ અને માર્કેટમાં પણ ઉભરાતા બંદર ચોક ખાતે પણ વાહનોની કતાર લાગી ગઇ હતી.
 
આમ એક તરફ દીવમાં ટૂરીસ્ટોનું આગમન અને પાર્કિગ સહિ‌તની સમસ્યાને લઇને સ્થાનિક લોકોને નૂતન વર્ષાની આસપાસમાં શુભકામનાં આપવા જવા માટે હાલાકી સર્જા‍ઇ હતી. બીજી તરફ અહીં દારૂબંધી ન હોય જેથી પ્યાસીઓએ પણ દારૂ - બીયરની પરોઢીયાથી માંડીને મોડી રાત સુધી મજા માણી હતી જેથી અહીંનાં બારમાં પણ ખરીદીનો ઘસારો જોવા મળ્યો હતો. જોકે, અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
 
સોમનાથ : દિપાવલી અને નૂતનવર્ષના પ્રારંભે દિવાળીના મીની વેકેશન માણવા પર્યટકો, ભાવીકો અને સહેલાણીઓના ઘોડાપુર સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડતા ઘોડાપુર જેવા દ્રશ્યો સોથની ભીડ જોવા મળતી હતી. સોમનાથ- વેરાવળ ખાતે રેલ્વે અને એસ.ટી. બસોમાં ઘસારાથી ખાનગી વાહનોમાં પણ તડાકો બોલ્યો હતો અને ભાડામાં રપ ટકા જેટલો વધારો ચુકવી મુસાફરી કરી હતી. યાત્રાધામ વેરાવળ- સોમનાથમાં ઠેર-ઠેર માર્ગો ઉપર ફોર વ્હીલર વાહનના થપ્પા લાગવા લાગતા પાકીર્ગની અસુવિધાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તો ગેસ્ટહાઉસો અને હોટેલોમાં બુકીંગના અભાવે ખાનગી જ્ઞાતિની વાડીઓમાં ઉતારાની વ્યવસ્થા કરવી પડી હતી.
 
અરબી સમુદ્ર કાંઠે વસેલ યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરે માત્ર ગુજરાતભરના નહી દેશભરમાંથી આ યાત્રિકો, ભાવીકો મીની વેકેશન માણવા ઉમટી પડયા છેલ્લા આઠ દિવસમાં ત્રણેક લાખ યાત્રિક - પર્યટકોએ સોમનાથની મુલાકાત લેતા ઉતારા ઉપરાંત જમવા, નાસ્તાની વ્યવસ્થામાં પણ ઓટ આવી હતી. તો સોમનાથ મહાદેવને શિશ નમાવવા ભાવીકો, યાત્રિકોની કતારો જામવા લાગી હતી. આ યાત્રિકોની ભીડ હજુ રવિવાર અને લાભ પાંચમ સુધી ચાલુ રહેશે તેવો માહોલ સાથે ગેસ્ટ હાઉસ, હોટેલના બુકીંગ ફુલ હોવાનું જણાવવામાં આવે છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રસિધ્ધ સોમનાથ - વેરાવળમાં સોમનાથ યાત્રાધામના હિ‌સાબે વર્ષભર પર્યટકોની ભીડ કાયમ રહેતી હોય વેરાવળ- પ્રભાસપાટણ (સોમનાથ) શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જાળવવા ઉચ્ચકક્ષાએથી એક માસ્ટર પ્લાટ સાથે રસ્તાઓ પહોળા ઉપરાંત પાકીર્ગની સુવિધા વધારવાની જરૂર હોવાની તાતી જરૂર જોવા મળે છે.
 
દીવની અમુક હોટલમાં તો મનફાવે તેવા ભાડાં
 
દીવાળીનાં મીની વેકેશનનો લાભ લઇ ટૂરીસ્ટો દીવમાં ઠલવાતા અમુક હોટલ અને ગેસ્ટહાઉસનાં સંચાલકોએ તકનો લાભ લઇ ટેરીફ કાર્ડને બાજુએ મુકી મન ફાવે તેવા ભાડા વસૂલ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.

No comments: