Friday, November 23, 2012

પરિક્રમાના આયોજનમાં અનેક ખામી, યાત્રિકો રામભરોસે.


જૂનાગઢ, તા.૨૨:
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના આયોજનમાં તંત્ર દ્વારા લોલમલોલ કરવામાં આવી રહ્યું છે. આયોજનબદ્ધ અને પરિણામલક્ષી પગલાને બદલે તંત્રના ફકત દેખાડા પુરતા આયોજનોને કારણે લાખો પરિક્રમાર્થીઓ રામ ભરોસે મુકાયા છે.આ વર્ષે વરસાદના અભાવે પરિક્રમા માર્ગ પર પણ પાણીની સમસ્યા ઉદભવી છે.
  • તંત્રએ આગેવાનો કે અન્નક્ષેત્રના સંચાલકોને વિશ્વાસમાં નથી લીધા
  • દશેક લાખ યાત્રિકો માટે પીવાનું પાણી પુરૂ નહી પડે : જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઈ હોવાના માત્ર બણગા ફૂંકાયા
ત્યારે તંત્રએ અનેક બોર-કુવા કરવાના બણગા ફુક્યા બાદ માત્ર ૩ જ બોર કર્યા છે. તેમજ ૩૬ કિલોમીટરના પરિક્રમા માર્ગ પર ફક્ત ર૬ થી ૩૦ સ્થળોએ પાણીની વ્યવસ્થા કરી સંતોષ માની લીધો છે. આ વર્ષે અન્નક્ષેત્રના સંચાલકો, શહેરના આગેવાનો અને સાધુ સંતો સાથે બેઠક યોજવા સામે પણ નિષ્ક્રીયતા સેવી હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખે આ વર્ષે પરિક્રમાના આયોજનમાં ક્ષતિ રહી જવાની ભીતિ વ્યક્ત કરી છે.
ભરપુર ઐતિહાસિક અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ગરવા ગિરનારની ફરતે શિયાળાના પગરવની ગુલાબી ઠંડી વચ્ચે જંગલમાં યોજાતી પરંપરાગત પરિક્રમામાં દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે.
પૂણ્યનું ભાથુ બાંધવા દેશના ખુણે ખુણેથી આવતા પરિક્રમાર્થીઓ પોતાના ભાતીગળ પોશાક અને વિવિધ બોલી સાથે એક સંપ બની રાત્રિના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજી અનેરો માહોલ ખડો કરે છે.
પરિક્રમામાં આવતા ૮ થી ૧૦ લાખ ભાવિકોને શહેરની તમામ સુવિધાઓથી દુર જંગલમાં યોગ્ય સુવિધા અને સગવડ મળી રહે તે માટે દર વર્ષે તંત્ર દ્વારા એક મહીના પહેલા મીંટીંગનો દોર ચાલુ કરવામાં આવે છે.
વર્ષોથી પરિક્રમાના એક મહિના પહેલા ઉતારા સંચાલકો, અન્નક્ષેત્રના સંચાલકો, સાધુ સંતો, રાજકીય પક્ષો, વનવિભાગના અધિકારીઓ તેમજ શહેર અગ્રણીઓની મીટીંગ બોલાવી તમામ જવાબદારી અને આયોજનની ચર્ચા કરવામાં આવે છે.
પરંતુ આ વર્ષે જિલ્લા વહીવટી તંત્રએ પરિક્રમાના આયોજન અંગે મીટીંગ બોલાવવાને બદલે મનસ્વી વલણ અખત્યાર કરી તમામ નિર્ણયો પોતે જાતે જ લઈ લીધા છે. જેના કેફમાં રેવન્યુ અને વનવિભાગ પણ જડબેસલાક સુંદર વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોવાના બણગા ફુંકી રહ્યું છે.
પરંતુ આ બણગા બાદ પરિક્રમાના આયોજનમાં અનેક ક્ષતિઓ રહેવા પામશે તેવી ભીતિ વ્યક્ત કરી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે વધુમાં જણાવ્યું છે કે, આ વર્ષે તંત્ર સમક્ષ પરિક્રમાર્થીઓને પાણી પુરૂ પાડવાનો મસ મોટો પ્રશ્ન ઉભો છે. વરસાદના અભાવે જંગલમાં અનેક ઝરણાઓ ખાલી પડયા છે.
જંગલી પશુ પક્ષીઓને પુરૂ પડી શકે તેટલું પાણી પણ જંગલમાં નથી. ત્યારે ૮ થી ૧૦ લાખ પરિક્રમાર્થીઓને પાણી પુરૂ પાડવા માટે નક્કર પગલા લેવાને બદલે તંત્રએ જંગલમાં ૩૦ બોર કુવા બનાવવાની કરેલી જાહેરાત બાદ માત્ર ૩ જ બોર કુવા બનાવ્યા છે.
પાણીના અભાવે આ વર્ષે અન્નક્ષેત્રના સંચાલકો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. પરિક્રમા દરમિયાન જંગલની વચોવચ યાત્રિકોના ઘસારા વચ્ચે જો પાણીનો પ્રશ્ન ઉદભવે તો પરિક્રમાર્થીઓને જમવાની ના પાડવી કે કેમ ? તેવા અનેક પ્રશ્નો અન્નક્ષેત્રોના સંચાલકોમાંથી ઉદભવી રહ્યા છે. મર્યાદિત પાણીમાં લાખો ભાવિકોને જમાડવા શક્ય ન હોય આ વર્ષે અન્નક્ષેત્રોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.
ચાલુ વર્ષે વરસાદના અભાવે ખેતીની મોસમ ન હોય પરિક્રમાર્થીઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તંત્રએ ૩૬ કિલોમીટરના પરિક્રમા માર્ગમાં આશરે ત્રસેક જગ્યાએ પાંચ હજાર લીટરની પાણીની ટાંકીઓ મુકી સંતોષ માની લીધો છે.
લાખો લોકોનો ઝીંક ઝીલવા અસક્ષમ આ ટાંકીઓને કારણે પરિક્રમાર્થીઓને પાણીની સમસ્યા ઘેરી વળશે. રપ હજાર કરોડના ખર્ચે નર્મદા કેનાલમાંથી પાણી લાવવાની છેતરામણી જાહેરાતો કરતી રાજ્યસરકાર જો ૧પ થી ર૦ લાખના ખર્ચે પરિક્રમા માર્ગ પર ફક્ત ૪૦ - પ૦ બોર બનાવે તો અહીં પાણીની કાયમી વ્યવસ્થા ઉભી થઈ શકે છે.પરિક્રમા બાદ બોર ઢાંકી દેવામાં આવે તો વર્ષો વર્ષ તેનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રાજ્યસરકારે પરિક્રમાર્થીઓને રામ ભરોસે મુકી દીધા છે.
નહીવત વરસાદને કારણે આ વર્ષે પરિક્રમા માર્ગનો એક પણ રોડ ખરાબ થયો ન હતો ત્યારે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા સ્થળોએ થીગડા મારી વનવિભાગ પરિક્રમા માર્ગ સુંદર અને વ્યવસ્થિત કરી દીધો હોવાના બણગા ફુંકી રહ્યું હોવાની રાવ સાથે કોંગ્રેસ પ્રમુખે પરિક્રમા પુરી થયા બાદ પરિક્રમા રૂટ પર તુટી ગયેલા ચેકડેમ રીપેર કરી તેમાંથી કાપ દુર કરવા, ઈટવા મહાદેવ, કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, સરખડીયા હનુમાન, માળવેલા અને બોરદેવીની જગ્યાઓમાં અન્નક્ષેત્રો માટે ચાર ચાર બોર બનાવવા સાથે પરિક્રમાર્થીઓનો ઘસારો ચાલુ થઈ ગયો છે ત્યારે કામના દેખાડા કરવાને બદલે તાબડતોડ પરિક્રમા માર્ગ પર યોગ્ય પાણીની વ્યવસ્થા ઉભી કરવા માંગણી કરી છે.
પરિક્રમાના દૂર્ગમ માર્ગની ઝાંખી કરાવતો બસસ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો
રેલ્વે સ્ટેશનથી બસસ્ટેન્ડને જોડતો રસ્તો લાંબા સમયથી મગરની પીઠ સમાન બની રહ્યો છે. જોષીપરામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આસપાસના રહેવાસીઓ તેમજ હજ્જારો મુસાફરો દિવસ દરમિયાન આ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલમાં આ રસ્તો વાહન તો દુર ચાલીને જઈ શકાય તેવો પણ રહ્યો નથી. કાયમી આ રસ્તા પરથી પસાર થતા હજ્જારો લોકોને મગરની પીઠ સમાન આ રસ્તાને સ્ટ્રીટલાઈટના અજવાળાના અભાવ વચ્ચે પસાર કરવામાં નાકે દમ આવી જાય છે.
રેલ્વેની હદમાં આવેલા આ રસ્તાને રીપેર કરવાની વારંવાર કરાઈ રહેલી માંગણી સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે.
ત્યારે ગણતરીના દિવસો બાદ ચાલુ થનારી પરિક્રમામાં ઉમટી પડનાર લાખો ભાવિકોને પણ ખાડા ગાબડાથી ભરપુર આ રસ્તા રૂપી હાલાકીનો સામનો કરવો પડશે. કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલા અને સોરઠવાસીઓની માંગણીને અનદેખી કરવાની ટેવ વાળા રેલ્વેતંત્રની પરિક્રમાર્થીઓ પણ આબરૂ લઈ જશે. ત્યારે બે દિવસમાં અત્યંત બિસ્માર એવા રસ્તાને ડામરથી મઢવાનું કામ તંત્ર માટે શક્ય ન હોય રસ્તા પર થીગડાની કામગીરી હાથ ધરવાની માંગણી શહેરીજનોમાંથી ઉઠવા પામી છે.

No comments: