Saturday, November 3, 2012

કોડીનાર: બે બાળા પર દીપડો ત્રાટક્યો : એકનું મોત.


Bhaskar News, Kodinar | Nov 03, 2012, 02:50AM IST
કોડીનારના કડવાસણ ગામ નજીક આદમખોર દીપડાને પકડવા તંત્ર ઉંધેમાથે
 
કોડીનારનાં કડવાસણ ગામ નજીક આજે સમી સાંજનાં સુમારે દીપડાએ બે બાળકી પર હુમલો કરતાં એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. દીપડાનાં આ આતંકથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ બનાવનાં પગલે વન વિભાગે ઘટના સ્થળે દોડી જઇ આદમખોર દીપડાને પકડવા પાંજરા ગોઠવી દીધા છે.
 
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોડીનારથી ત્રણ કિલોમીટરનાં અંતરે આવેલ કડવાસણ ગામ નજીક રોડ પર કાળુભાઇ અરવીંદભાઇ વાળાની વાડી આવેલી છે. આ ખેડૂત પરિવાર આજે સાંજના સુમારે વાડીમાં બાજરો વાઢવાનું કામ કરી રહયા હતાં અને તેમની ત્રણ વર્ષની પુત્રી નિશા વાડી પાસે ઉભી હતી. ત્યારે સાંજનાં ૬ વાગ્યાની આસપાસ અચાનક ખુંખાર દીપડાએ આવી ચઢી નિશા પર હુમલો કરી દેતા આ બાળકીની ચીસાચીસથી પરિવારજનો અને આસપાસનાં લોકોએ દોડી આવી હોહા દેકારો કરી મુકતા દીપડો નાસી ગયો હતો. 
 
દીપડાનાં નહોરથી નિશાને છાતીનાં ભાગે ઇજા પહોંચી હતી. આ બાળકી પર હુમલો કરીને દીપડો ૨૦૦ મીટર દુર જ સંતાય ગયો હતો અને ર૦ મીનીટ બાદ ફરી અહીં આવી ચઢી નજીકમાં જ રહેતા ભગુભાઇ બાલુભાઇ વાળાનાં મકાનમાં ઘુસી જઇ તેમની બે વર્ષની પુત્રી સંજનાને ડોકના ભાગેથી પકડી નાસવા જઇ રહયો હતો ત્યારે લોકોએ આ દ્રશ્ય જોઇ જતા બુમાબુમ કરી મુકતા સંજનાને ત્યાં મુકીને નાસી ગયો હતો. આ માસુમ બાળા સંજનાના ગળાના ભાગે દીપડાનાં તીક્ષ્ણ દાંત બેસી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. 
 
આ બનાવના સમાચાર ગામમાં વાયુ વેગે પ્રસરતા સરપંચ સહિ‌ત ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતાં. વન વિભાગનાં આરએફઓ એલ.ડી. પરમાર, ફોરેસ્ટર મનસુખ પરમાર, એમ.એમ. ભરવાડ સહિ‌તનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પંચ રોજકામ કરી બંને બાળકીને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયાં સંજનાનું પીએમ કરાયેલ અને નિશાને તબીબોએ સારવાર આપી હતી. બનાવની જાણ થતા શિક્ષણ સમિતિના ચેરમેન સુરસિંહભાઇ મોરી સહિ‌તનાં આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતાં.
 
આ ઘટના બાદ વન વિભાગનાં સ્ટાફે દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને આ માનવભક્ષી દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.
 
કોડીનાર પંથકમાં હાહાકાર : લોકો ભયભીત
 
કોડીનાર પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં દીપડાના હુમલાનો આ બીજો બનાવ બન્યો છે. બે દિવસ પહેલા અરણેજ ગામે દીપડાએ હુમલો કરી એક બાળકીને ઘાયલ કરી દેતા ત્યાં વન વિભાગે પાંજરા ગોઠવી દીધા છે. આ બનાવની હજુ શાહી સુકાય તે પહેલા કડવાસણ ગામે દીપડાએ એક બાળકીને ફાડી ખાધી અને અને બીજી બાળકીને ઘાયલ કરી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. હવે રાત્રીનાં બદલે સમી સાંજના સુમારે હિંસક પ્રાણીઓનાં ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં આંટાફેરાથી લોકો ભયના માર્યા ખેતરે જવાનું ટાળી રહ્યા છે.

No comments: