Friday, November 23, 2012

અમરેલીમાં બે ડાલામથ્થાએ ભેંસના રામ રમાડી દીધા.


Bhaskar News, Amreli | Nov 21, 2012, 23:46PM IST
- સવારના પહોરમાં નદીના પટમાં દુઝણી ભેંસના રામ રમાડી દીધા

ગીર જંગલ બહાર વસતા સાવજો ધારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા વગેરે તાલુકામાં તો મોટી સંખ્યામાં જોવા મળે છે. પરંતુ આ સાવજો હવે અમરેલી તાલુકાના રેવન્યુ વિસ્તારમાં પણ કાયમી ધામા નાખેલા નઝરે પડે છે. આજે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે બે સાવજોએ વહેલી સવારે એક ભેંસને ફાડી ખાધી હતી. બનાવની જાણ થતા વનખાતાનો સ્ટાફ અહિં દોડી ગયો હતો.

અમરેલી તાલુકાના ચાંદગઢ તથા આસપાસના વિસ્તારોમાં સાવજોના સતત આંટાફેરા રહે છે. આ વિસ્તારના ખારામાં અને નદીનો પટ સાવજોને વધુ માફક આવી રહ્યો છે. જેને પગલે આ તેમનું નવું રહેઠાણ બની ગયુ છે. પાછલા કેટલાક દિવસોથી બે સાવજોએ અહિં ધામા નાખ્યા છે. સાવજોની સતત હાજરીના પગલે સીમ વિસ્તારમાં કામ કરતા લોકોમાં ફફડાટ રહે છે.

દરમીયાન આજે સવારે ચાંદગઢ ગામના નજુભાઇ હમીરભાઇ જેબલિયાની માલીકીની એક દુજણી ભેંસ ખારી નદીના પટમાં આંટા મારી રહી હતી ત્યારે બે ડાલામથ્થા ત્યાં આવી ચડયા હતાં અને આ ભેંસનું મારણ કર્યું હતું. બનાવની જાણ થતા આરએફઓ એ.કે. તુર્ક, સ્ટાફના હીંગુભાઇ, ખંખાળભાઇ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાગળપરની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

No comments: