Friday, November 23, 2012

ગિરનારની પરિક્રમામાં ભાતીગળ સંસ્કૃતિ, રીતરસમોના થશે દર્શન.


જૂનાગઢ, તા.૨૦ :
પ્રેમ, શક્તિ, પ્રકાશ, જ્ઞાન અને સત્યની સાથે સુખ શાંતિ પણ પ્રકૃતિ પરાયણતામાં જ છુપાયેલી છે. આ જ્ઞાન હાંસલ કરવા તેમજ પૂણ્યનું ભાથું બાંધવા દેશ વિદેશના ભાવિકો ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમામાં આવે છે. ખાસ કરીને દરિયાખેડુ પરિવારોમાં ઉત્સાહ, ઉલ્લાસ અને સંઘભાવના સાથે પ્રકૃતિના ખોળે વિહરવાનો અવસર એવી પરિક્રમાનું અનેરૂ મહત્વ છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગુજરાતભરના ગ્રામીણો પરિક્રમામાં ઉમટી પડશે.
  • દરિયાખેડૂ પરિવારો સંઘભાવના સાથે પ્રકૃતિના ખોળે ઉમટી પડશે
  • વિવિધ જ્ઞાતિ અને અલગ-અલગ પ્રદેશના ભાવિકો એકત્ર થશે : અનેરો ભક્તિમય માહોલ સર્જાશે
નરસૈયાની નગરી જૂનાગઢમાં પ્રતિ વર્ષ કાર્તિક માસની અગિયારસથી પાંચ દિવસ માટે યોજાતી લીલી પરિક્રમામાં ખાસ કરીને દરિયાખેડૂઓ ભરત ભરેલા પરીધાનમાં હાથમાં રંગબેરંગી ભરત ભરેલી થેલી અને માથે જરૂરી સામગ્રીનું પોટલું મુકીને પરિક્રમા કરવા નીકળી પડે છે. આ ભાવિકો ગરવા ગિરનારમાં દામોદરરાયજી, ભવનાથ મહાદેવ થઈને, માં અંબાના શિખરો સર કરે ત્યારે દેવલોક ભુમિનો અહેસાસ કરી ધન્યતા અનુભવે છે.
આ ઉપરાંત વિશાળ સાગરકાંઠે વસવાટ કરતા વાણિયા, સોની, કણબી, લૂહાર, બ્રાહ્મણ, કોળી, રાજપૂત, મોચી, વાણંદ, ચારણ, આહિર, સુથાર, દરજી, ખારવા, કાઠી, મેર, સગર, સતવારા, સલાટ, લોહાણા, ઓડ, ઠાકોર, ભીલ, દલિત, સાધુ, રબારી, ભરવાડ સહિતના તમામ જ્ઞાતિજનો પોતાના આગવા પહેરવેશ, ભાતીગળ સંસ્કૃતિ, લોકબોલી, આગવી રીતરસમો, આભુષણો સાથે પરિક્રમામાં જોડાય છે.
તમામ જ્ઞાતિજનો કોઈપણ ભેદભાવ વગર ભજન કિર્તન અને સત્સંગ કરી અનેરો ર્ધાિમક માહોલ સર્જી દે છે. ખેડૂતો પણ ખરીફ પાકની લણણી અને રવી પાકના વાવેતરમાંથી ફુરસદ લઈને પુણ્યનું ભાથુ બાંધવા ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે પણ પ્રકૃતિના ખોળે વિહરવાનો આ અવસર ઝડપવા સોરઠ, કાઠીયાવાડ, બાબરીયાવાડ, નાઘેર, ઘેડ, ભાલ, હાલાર, બરડો, પાંચાળ, આલેચ સહિતના સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે.
પરિક્રમામાં દૂધ અને છાશના ભાવ નિયત કરાયા
જૂનાગઢમાં યોજાનાર આગામી ગિરનાર પરિક્રમા દરમિયાન યાત્રિકોને દુધ અને છાશ નિયત ભાવે અને સહેલાઈથી મળી રહે તે માટે જૂનાગઢ ડેરી, કિશાન મીલ્ક પ્રોસેસર્સ ધોરાજી અને ગિરનાર ડેરી જૂનાગઢના અધિકારીઓએ સાથે મળી બેઠકમાં નક્કી થયા મુજબ પરિક્રમા રૂટ પર જીણાબાવાની મઢી ખાતે પ વિતરણ કેન્દ્ર, માળવેલા ખાતે ર વિતરણ કેન્દ્રો તથા બોરદેવી ખાતે વિતરણ કેન્દ્રો ખુલ્લા મુકાશે. જેમાં પરિક્રમાર્થીઓને પ૦૦ એમ.એલ.ની એક નંગ થેલીના રૂ.૧૬ અને પ૦૦ એમ.એલ. છાશની એક થેલીના રૂ.૧૦ રહેશે તેમ કલેકટર મનીષ ભારદ્વાજે જણાવ્યું છે.

No comments: