બહાર આને સે પહેલે ખીર્ઝાં ચલી આઈ : બાબરામાં વન બન્યું વેરાન.
Aug 30, 2014 00:11
- સરકારી વન મહોત્સવમાં સંઘાણી સહિતના નેતાઓએ ફોટા પડાવ્યા તે પડાવ્યા, એ પછી કોઈએ દરકાર જ ન લેતા છોડ મૂરઝાયા
બાબરા : બાબરા ખાતે એક માસ પહેલા ૬૮માં વનમહોત્સવને અનુલક્ષીને
વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મોટા ગજાના નેતાઓ અને
અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પરંતુ એક જ માસમાં આ તમામ વૃક્ષોનું નિકંદન
નીકળી ચૂક્યુ છે. પ્રસિધ્ધિ ભૂખ્યા નેતાઓએ ફોટા પડાવ્યા બાદ જાળવણીના એક પણ
પગલા લીધા ન હોવાથી આ કાર્યક્રમ તદ્દન નિષ્ફળ રહ્યો છે.
બાબરાના કરીયાણા રોડ સંપ સ્ટેશન ખાતે ગત તા. ૩૦ ના રોજ
નગરપાલિકાના ઉપક્રમે ૬૮માં વનમહોત્સવ અંતર્ગત વૃક્ષા રોપણનો કાર્યક્રમ
રાખવામા આવ્યો હતો.
આ વૃક્ષારોપણમાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, જીલ્લા ભાજપ
પ્રમુખ સુખડિયા, બાંધકામ સમિતીના ચેરમેન સાનેપરા સહિત ભાજપના હોદ્દેદારો
તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. તમામે વૃક્ષારોપણ
કરીને ફોટા પડાવ્યા બાદ સોશ્યલ સાઈટ્સ પર પ્રસિધ્ધિ મેળવવા પ્રયત્નો કરવામા
આવ્યા હતા. આ કાર્યક્રમને માત્ર એક જ માસ પૂરો થયો ત્યાં જ વાવેલા વૃક્ષો
યોગ્ય કાળજીને અભાવે સૂકાઈ ગયા છે. ટ્રી ગાર્ડ વગરના છોડને રખડતા પશુઓએ
પોતાનો આહાર બનાવી લીધો છે. આટલા ટૂંકા ગળામાં જ તમામ વૃક્ષોનું નિકંદન
નીકળી ગયુ છે.
વન મહોત્સવમાં ભાગ લેનાર તમામ નેતાઓ અને અધિકારીઓ વૃક્ષારોપણને
પ્રસિધ્ધીનું માધ્યમ ગણતા હોય તેવુ ચર્ચાઈ રહ્યુ છે કારણ કે આ કાર્યક્રમ
બાદ કેટલાક લોકોના છોડ વાવેતર કરતા ફોટા સોશ્યલ સાઈટ્સ પર પણ વહેતા મૂકવામા
આવ્યા હતા.
શહેરમાં થતી ચર્ચાઓ મુજબ કોઈએ પણ વૃક્ષોની તકેદારી રાખવાની
જવાબદારી લીધી ન હતી જેથી વન મહોત્સવ જેવો સાર્વજનિક હિતનો કાર્યક્રમ પણ
નિષ્ફળ ગયો છે જે ખરેખર દુઃખદ બાબત છે.
No comments:
Post a Comment