Sunday, August 31, 2014

રસ્તા આડે ઉતરેલા દીપડાને વનરાજ દ્વારા સજા-એ-મોત.

Aug 23, 2014 01:26

  • વિસાવદરના વેકરિયાની સીમમાં બનેલો બનાવ
વિસાવદર : ગીરના જંગલ વિસ્તારમાં હિંસક વન્ય જીવોમાં હાલ સંવનનકાળ ચાલી રહ્યો છે અને એમાં નર માદા પર સર્વોપરિતા સાબિત કરવા માટે વીરતાનું પ્રદર્શન કરવાની તક કયારેય છોડતા નથી. આના કારણે અવારનવાર ઈનફાઈટ થવાના બનાવો બની જાય છે. આ ઉપરાંત હિંસક પ્રાણીઓમાં આધિપત્યભાવ પણ વકરી ગયો હોય છે એમાં સિંહ અને દીપડાઓ વચ્ચે અવારનવાર અસ્તિત્વની આરપાર લડાઈ થઈ જાય છે. તાજેતરમાં જ વિસાવદર તાલુકાના વેકરિયા ગામની સીમમાં રસ્તામાં આડો ઉતરનારો દીપડો સિંહના ગુસ્સાનો ભોગ બની ગયો હતો અને બન્ને વચ્ચે જોરદાર લડાઈ થતાં સિંહે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતોે.
   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વેકરિયાની સીમમાં પ્રકાશભાઈ શિવશંકરભાઈ ત્રિવેદી પોતાના ખેતરે જઈ રહ્યા હતા એવામાં ખેતરની વચ્ચો વચ્ચ દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેણે વનવિભાગને જાણ કરતા એસીએફ કપ્તા સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ત્યાં તપાસ કરતા દીપડાના ગળાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાના નિશાનો હતા. કાન નાકમાંથી લોહી વહી ગયું હતુ. મૃતદેહની આસપાસ તપાસ કરતા સિંહના સગડ મળી આવ્યા હતા. અને કહેવાય છે કે આ દીપડો રસ્તામાં આડો ઉતરતા એની સાથે ઈનફાઈટ થઈ હતી. મોતને ભેટનાર દીપડાની ઉમર બે વર્ષની છે. ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ માસમાં પણ બે વર્ષની વયના એક દીપડાને સિંહ સાથે લડાઈમાં મોત નિપજયુ હતુ આ બીજો બનાવ બન્યો છે. દીપડાના મૃતદેહને વિસાવદર લાવી પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

No comments: