Sunday, August 31, 2014

ધારી: જશાધાર રેંજની સીમમાં સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Dhari | Aug 30, 2014, 10:06AM IST
ધારી: જશાધાર રેંજની સીમમાં સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો
(સિંહણની પ્રતિમાનો પ્રતિકાત્મક ઉપયોગ)
 
- ઇનફાઇટમાં મોત થયાનું તારણ : ઉભા પાકમાં માત્ર અવશેષો પડયા હતાં

ધારી: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી હોય તેમ અવાર નવાર સાવજોના કમોતની ઘટના બનતી રહે છે. આવી વધુ એક ઘટના ગીરપૂર્વની જસાધાર રેંજમાં ઉના તાલુકાના સણોસરી ગામની સીમમાં બની હતી. જ્યાં એક દોઢ વર્ષની સિંહણના ઇનફાઇટમાં કદાવર સિંહે મારી નાખી હતી. આજે આ સિંહણનો અર્ધ ખવાયેલો મૃતદેહ વાડીના ઉભા પાકમાંથી મળી આવ્યો હતો.

ઇનફાઇટમાં સિંહણના મોતની આ ઘટના જસાધાર રેંજના સણોસરી ગામની સીમમાં સરપંચના ભાઇની વાડીમાં બની હતી. આજે સવારે અહિં વાડીમાં ઝારના ઉભા પાકમાં એક સિંહણના મૃતદેહના અવશેષો પડયા હોવાની જાત થતા વાડી માલીક દ્વારા વનતંત્રને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ધારીથી ડીએફઓ અંશુમન શર્મા, વેટરનરી ડો. હિ‌તેષ વામજા, સ્થાનીક આરએફઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

અહિં ઉભા પાક વચ્ચે આશરે દોઢેક વર્ષની ઉંમરની સિંહણનું માથુ, પગ, પુછડી જેવા અવશેષો મળી આવ્યા હતાં. સિંહણના બાકીના શરીરનો ભાગ ખવાઇ ગયો હતો. આ સિંહણનું મોત પ્રથમ દ્રષ્ટિએ ઇનફાઇટમાં થયાનું મનાઇ રહ્યુ છે. અહિં અન્ય સાવજોની અવર જવરના સગડ પણ મળી આવ્યા હતાં. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે અહિં એક કદાવર સાવજ પણ વસે છે. આ મૃતદેહને સાવજ ખાઇ ગયો હોવાનું મનાઇ રહ્યુ છે. સિંહણના મૃતદેહને પોસ્ટ ર્મોટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાયો હતો. ગીર પૂર્વના રેવન્યુ વિસ્તારમાં આ પ્રકારના સાવજોના કમોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે.
અર્ધ ખવાયેલો મૃતદેહ મળ્યો છે-ડીએફઓ શર્મા

ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે સણોસરાની સીમમાંથી દોઢ વર્ષની સિંહણનો અર્ધ ખવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહણનું ઇનફાઇટમાં મોત થયાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યુ છે. આમ છતાં પીએમ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

No comments: