Saturday, August 23, 2014

સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન.

divyabhaskar.com | Aug 23, 2014, 12:14PM IST
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્ય તરીકે ઓળખાતા હિંગોળગઢ ગામે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
 
> જસદણ નજીક આવેલ હિંગોળગઢ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે
> દરબાર વાજસુર ખાચરે હિંગોળગઢની સ્થાપના કરી હતી
> અભ્યારણ તરીકે ઓળખાતા હિંગોળ ગઢમાં દેશ વિદેશના પક્ષીઓ અને જુદી જુદી પ્રજાતીના સાપ જોવા મળે છે 


રાજકોટઃ રાજાશાહીમાં રાજા દુશ્મનોથી રક્ષણ મેળવવા પોતાના મહેલને ગઢની માફક બનાવતા હતા. આવો જ એક ગઢ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા હિંગોળગઢમાં બેનમૂન છે. હિંગોળગઢને સરકારે અભ્યારણમાં સમાવેશ કર્યો છે. આ સમગ્ર  વિસ્તાર જંગલમાં આવેલો છે ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. ગઢને તે વખતના રાજવીએ ઉચા ડુંગરની ટેકરી ઉપર બનાવ્યો છે.

ગઢની સામેની બાજુ નીચે હિંગોળગઢનું પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આવેલું છે. આ પ્રાકૃતિક  શિક્ષણ કેન્દ્ર વિશાળ  વિસ્તારમા ફેલાયેલું છે. અહી દૂર દૂરથી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક શિક્ષણ મેળવવા આવે છે. કેન્દ્રમાં જુદી  જુદી પ્રજાતીના સાપ રાખવામાં આવે છે. તેમજ એક અજગર પણ છે. આજુબાજના વિસ્તારમાં પહાડી જંગલ વિસ્તાર હોવાથી રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની અંદર  રાત્રે રહી શકાય તે માટે ટેન્કો બનાવામાં આવી છે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(ગઢની તસવીર)
 
આપણાં ભારતમાં ઘણાં મોટાં ગઢો આવેલા છે. તેમાં સૌરાષ્ટ્રની માથે સત્તરમી સદીમાં જ્યારે મુસ્લિમ રાજાઓની સેના ચડી આવતી ત્યારે લોકોના જાન-માલનું રક્ષણ કરવા કેટલાંક રાજવીઓએ સંરક્ષણની દ્રષ્ટિએ ગઢ બંધાવેલા હતા. તેમાં જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે તેના સમયે  'હિંગોળગઢ'ની રચના કરેલી  તે ખરેખર જોવા લાયક છે. રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એ જ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે. 
 
આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઈતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી. કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી. આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબબાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગડોર સંભાળવા વિનંતી કરી. સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા. તેમણે અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
 
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે  રાજીવ વાજસૂરે જસદણ અને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું. પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૂઆત કરેલી ત્યાં જામનગરના સેનાધપિતી મેરૂ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં. 
 
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મિત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથે જસદણની ભાઇબંધી પાકી થઇ. એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી. શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્યમાં હરણની તસવીર)
 
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે. કાઠિયાવાડમાં પાંચ ગઢમાં હિંગોળગઢ અડીખમ ઉભો છે. ગઢમાંથી એક કાંકરી પણ નથી ખરી. હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૂખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

જસદણના દરબાર આલાખાચર બીજા ચોમાસું બેસતાં જ અહીં ચાર માસ મુકામ કરતા અને દશેરાએ ધામધૂમથી માતા હિંગળાજની પૂજા કરતાં આ ગઢ બાંધવામાં આવ્યો ત્યારે ખુબ જ ગાઢ જંગલ હતું. મુખ્યત્વે ગોરડ, બાવળ, ગુગળ, કરોળી જેવા ઝાડ અને ટૂંકા ઘાસના વીડથી આખો વિસ્તાર છવાયેલો રહેતો. પરંતુ રેસીડન્સીના વખતમાં દુર્લક્ષને કારણે ઘણાં બધાં વૃક્ષો કપાઇ ગયા. પચીસ વર્ષ પહેલાં આ જંગલમાં પંચાળના પંથકના દીપડા, વરૃ, સુવ્વર, ચિંકારા, નીલગાય વગેરે સારી સંખ્યામાં પ્રાણીઓ હતા. મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર પાખો થઇ જવાથી પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્યમાં સાપની જોવા મળતી દુર્લભ પ્રજાતિ)
 
છેલ્લાં દસેક વરસથી હિંગોળગઢ પક્ષીઓનાં શોખીનો માટે અનેરૃં ધામ બન્યું છે. પ્રાકૃતિક સંપત્તિથી ભરપુર હિંગોળગઢનો વિસ્તાર અનેક જાત-જાતનાં પંખીઓથી શોભી ઊઠે છે. ચોમાસા અને શિયાળામાં ખૂબ જ દૂરથી પંખીઓ અહીં આવે છે. ગુજરાત સરકારે આ વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કર્યા બાદ પશુ-પંખીઓનો શિકાર કરવાની મનાઇ ફરમાવી. ખાસ કરીને હિંગોળગઢ પરિસરનું આખું  ય વાતાવરણ પક્ષીઓના કિલ્લોલથી સંગીતસભર બન્યું છે.

હિંગોળગઢની તળેટીમાં હિંગોળ ગામ અને એક મંદિર વસાવવામાં આવ્યું છે. રબારી, કોળીઓની વસતિ ખાસ રહે છે. હવે તો હિંગોળગઢની વીડી ઘેંટાઉછેર કેન્દ્ર તરીકે જાણીતી બની છે. મેરીના ઘેટાં અહીં લવાયાં છે. હિંગોળગઢમાં રાત્રિ રોકાણ કરવું એ અદભૂત અનુભવ લેવા જેવું છે. પ્રકૃતિના તમામ રંગોથી સભર હિંગોળગઢ એક અદભૂત જગ્યા છે

No comments: