Wednesday, December 31, 2014

બૃહદગીરમાં હવે વન્યપ્રાણી મિત્રો રાખશે એશિયાટીક સિંહની દેખભાળ.

Dec 23, 2014 00:06

અમરેલી : બૃહદગીરમાં એશિયાટીક સિંહો અને વન્યપ્રાણીઓની દેખભાળ રાખવા માટે અમરેલી જિલ્લાના ગીરના રપ ગામોમાં વનવિભાગ દ્વારા જેતે ગામમાં જ રહેતા હોય તેવા વ્યકિતની વન્યપ્રાણી મિત્ર તરીકે ભરતી કરવામાં આવશે.
ગીરના જંગલમાં એશિયાટીક સિંહો સલામત ન હોવાના મુદે દેશભરમાં ટીકાનો ભોગ બનેલ વનવિભાગ કોઈ જ કસર છોડવા માગતું ન હોય તેમ વન્યપ્રાણીની સારસંભાળ માટે નવો પ્રયોગ હાથ ધરાયો છે. અત્યાર સુધી જંગલમાં રહેતા માલધારીઓ હંમેશા વન્યપ્રાણી મિત્ર તરીકેની ભૂમિકા બજાવતા આવ્યા છે. જંગલમાં ક્યાંય પણ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ બિમાર હોય, ઈજાગ્રસ્ત હોય, કૂવામાં પડી ગયા હોય, મારણ કર્યુ હોય કે મૃતદેહ પડયો હોય તેવા સંજોગોમાં માલધારીઓ દ્વારા તુરંત વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે છે. ત્યારે આ ગ્રામજનોની સેવાને પ્રોત્સાહીત કરવા વનવિભાગ દ્વારા આ જ લોકોમાંથી ગામદીઠ એક વ્યકિતની વન્યપ્રાણી મિત્ર તરીકે નિમણૂક કરીને તેને માસિક વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
વનવિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ધારીગીર પૂર્વે વિભાગમાં પાણીયા રેન્જમાં પાણીયા, ચાંચઈ, ભાડેર, દલખાણીયા રેન્જમાં જીરા, શેતરડી, કાંગસા, જસાધાર રેન્જમાં ચોબતપરા, ભીંગરડા, જરગલી, દ્રોણ, કોબ, ઉમેજ, રાતડ, સાવરકુંડલા રેન્જમાં અભરામપરા અને તુલસીશ્યામ રેન્જમાં ચીખલકુબા, ગીદરડી, પીપરીયા, રૂગનાથપુર, લાસા, તાતણીયા, દલડી, નાનુડી, ધાવડીયા અને વડલી ગામે વન્યપ્રાણી મિત્રની ભરતી કરાશે. જે તે ગામમાં સ્થાનિક રહેવાસીને જ નિમણૂક અપાશે. તેમ ડી.એફ.ઓ અશુંમાન શર્માએ જણાવ્યું હતું.

No comments: