Wednesday, December 31, 2014

વીજકરંટથી દીપડીનું મોત થતાં વાડીમાલિકની ધરપકડ, જેલહવાલે.

Dec 23, 2014 00:02

ખાંભા : ખાંભાના માલકનેસ ગામની સીમમાં વીજકરંટથી મૃત્યુ પામેલ બે વર્ષની દીપડીના મોત પાછળના જવાબદાર રહેલા વાડી માલિક ખેડૂત સામે આજે વનવિભાગે એફઆઈઆર નોંધી ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરી જેલહવાલે મોકલવાનો હુકમ કર્યો હતો.
ખાંભાના માલકનેસ ગામે રહેતા રૂખડ નાજા વાઘેલા (ઉં.૪૨) નામના કોળી ખેડૂતની વાડી પાસેના દહેવાસ વિસ્તારમાંથી શનિવારની સાંજે વીજકરંટથી મૃત્યુ પામેલ હાલતમાં બે વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસના અગે આજે વિધિવત રીતે વનવિભાગે વાડી માલિક રૂખડ નાજા વાઘેલાની ધરપકડ કરી હતી. તેણે વનવિભાગ પાસે કબૂલાત મુજબ તેના ખેતરમાં કપાસ અને રજકાના પાકનું રક્ષણ કરવા માટે સિંગલ ફેઈઝની લાઈનના વીજતાર ગોઠવ્યા હતા અને તેનો વીજકરંટ લાગવાથી આ દીપડીનું મોત થતાં દીપડીના મૃતદેહને તેણે જ દહેવાસ વિસ્તારમાં ફેંકી દીધો હતો. આ અંગે ડીએફઓ અંશુમન શર્મા અને એસીએફ જાડેજાની સૂચનાથી રબારીકા ફોરેસ્ટર બી. બી. વાળા સહિતનાએ વીજવાયરો કબ્જે લીધા હતા.
વનવિભાગે વન્ય પ્રાણી સંરક્ષાણની કલમો હન્ટીંગ, સેકશન-૯ અનવયે એફઆઈઆર નોંધી આરોપી રૂખડ નાજાને ખાંભા કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ અને આરોપીના જામીન નામંજૂર કરતા તેને અમરેલી જેલમાં ધકેલી દેવાયો હતો. આ કેસમાં ત્રણ થી સાત વર્ષની સખત કેદની જોગવાઈ હોવાનું ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું.
  • ૨૦૦૫માં પાંચ સિંહના વીજકરંટથી થયા હતા મોત
રાજકોટ : ધારી ગીર પૂર્વેના ધારીના પ્રેમપરા વિસ્તારમાં વર્ષ ૨૦૦૫ના વર્ષમાં આ જ રીતે વીજકરંટ લાગવાથી એકીસાથે પાંચ સાવજોના મોત થયા હતા જેમાં વાડી માલિક દુર્લભજી વાડદોરીયા, તેના પુત્ર, ભાગીયા સહિતના ચારની વનવિભાગે ધરપકડ કરી હતી. ખેડૂતે પાંચેય સાવજોને તેના જ ખેતરમાં ખાડો ખોદી દાટી દીધા હતા. જે કેસમાં ખેડૂતને કોર્ટે સખત સજા ફટકારી હતી.

No comments: