Wednesday, December 31, 2014

તાલાલા પંથકના દેશી ગોળની સોડમ, ૧પ હજાર લોકોને મળતી રોજગારી.

Dec 30, 2014 00:26

  • ધમધમતા રપ૦ થી વધુ રાબડા : શેરડીની સાથે ઘઉંનો આંતરપાક લઈને બોનસ આવક મેળવતા કિસાનો
જૂનાગઢ : સૌરાષ્ટ્રના ગામડાના વિસ્તારોમાં એક સમયે શિરામણમાં ગોળ-ઘી અને ચુરમુ જ લેવાતુ.પરંતુ ચા ની આદતે શહેરની સાથે ગ્રામ્યના લોકો પણ ચા-ભાખરી અને ચા-રોટલીની આદતવાળા થતા જાય છે. અને પરંપરાગત પૌષ્ટીક ખોરાક ગોળનું ખોરાકમાંથી પ્રમાણ ઓછુ થયુ તેનુ સીધુ પરીણામએ આવ્યુ આજે કુ-પોષણનો ભોગ બને છે.
સિંહ, શેરડી અને કેસર કેરી માટે પ્રસિધ્ધ તાલાળા વિસ્તાર દેશીગોળનાં ઉત્પાદનમાં પણ મોખરે છે. અહિંની ફળદ્રુપ જમીનમાં શેરડીનું વિપુલ ઉત્પાદન થાય છે. તેમાંથી બનતો દેશીગોળ આરોગ્ય વર્ધક હોવાની સાથે શ્રેષ્ઠ છે. આજે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, પ્રાચી અને આસપાસના વિસ્તારમાં રપ૦ થી વધુ રાબડા ર૪ કલાક ધમધમે છે.જેમાં દરરોજ રપ૦૦ જેટલા ગોળના ડબાનું ઉત્પાદન થાય છે. અને ૧પ૦૦૦થી વધુ લોકોને રોજગારી મળે છે.
સૌરાષ્ટ્રના શેરડી પકવતાં બધા વિસ્તારોમાં ગોળનું ઉત્પાદન થાય છે. પરંતુ તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લાનાં ૧૩,૧૦૦ હેકટર જેટલાં વિસ્તારમાં શેરડીનું વાવેતર થાય છે. મદદનીશ ખેતીવાડી અધિકારી દિપક રાઠોડે જણાવ્યું છે કે, અન્ય સ્થળોએ ગોળના ડબાના બદલે ભીલા બને છે જ્યારે કણીદાર અને વિશેષ સોડમ ધરાવતો દેશી ગોળ પ્રસિધ્ધ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને શેરડીના વાવેતર સાથે સંકળાયેલા શૈલેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, અહિંના ખેડૂતો શેરડી સાથે ઘઉં સહિતનો આંતર પાક પણ મેળવી જમીનનો મહતમ ઉપયોગ કરે છે. અને હવે તો ઓર્ગેનીક પધ્ધતીથી રાબડાવાળા બિલકુલ દવા વગરના ગોળનું પણ પ થી ૧૦ કિલોના પેકિંગમાં ઉત્પાદન સાથે વેંચાણ કરે છે.
  • કેવી રીતે બને છે દેશી ગોળ ??
જૂનાગઢ ઃ શેરડીના રસને ક્રમબધ્ધ ચાર ઉકળતા તાવડામાં કાઢી આગળ વધારતા છેલ્લે ગોળ ચોકીમાં ઠાલવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં દેશી ભીંડીના રસને શેરડીના રસમાં નાખતાં ગોળ કેસરી ઝાંય વાળો થાય અને રસમાંથી મેલ દૂર થાય છે. ઉપરાંત હાઈડ્રો અને પાપડી પણ નખાઈ છે. જેનાથી ગોળ સફેદ થાય છે. ગરમ ગોળ ચોકીમાં કાઢી તેને પાવડીથી ઘુંટી ગોળના ડબામાં ભરાય છે. અને ડબાઓ વેપારીઓના માધ્યમથી સમગ્ર દેશમાં પહોંચે છે. દેશી ગોળ બનાવતા આ રાબડા ૪ થી પ માસ સુધી ૧પ હજાર લોકોને રોજગારી આપે છે.

No comments: