Wednesday, December 31, 2014

અઠવાડિયાથી ગીરમાં ઈજા પામેલા સિંહને પકડવામાં વન તંત્ર નિષ્ફળ.

Dec 28, 2014 00:05
ઢીલી કામગીરીથી એશિયાટીક સિંહ અસુરક્ષિત



અમરેલી : ગીરપૂર્વના હડાળા રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહની બાતમી મળ્યા બાદ એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં વન તંત્રના પાપે સિંહને સારવાર મળી નથી.
ધારી ગીર પૃર્વમાં હડાળા રેન્જના વિસ્તારમાં ઈન્ફાઈટમાં ઘવાયેલા અને કણસી રહેલા ઈજાગ્રસ્ત સિંહ અંગે વન વિભાગને સ્થાનિક માલધારીઓએ જાણ કરી હતી,પણ જે તે સમયે રેસ્કયુ ટીમ ઘણી જ મોડી પહોંચી હતી.બાદમાં આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં નિંભર વન તંત્ર દ્વારા આ ઘાયલ સિંહને શોધી કાઢીને સારવાર આપવામાં આવી નથી,પરિણામે ગીરમાં એશિયાટીક સિંહોની સલામતિના મુદે ગંભીર સવાલો ખડા થયા છે.
એક વર્ષ અગાઉ પણ હડાળા રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહ અંગે બાતમી મળ્યા બાદ એક મહીના સુધી વન તંત્ર દ્વારા તેની સંભાળ ન લેવાતા સિંહનું મોત થયું હતું. જે મુદે વનપ્રેમીઓ દ્વારા છેક ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી.ત્યારે હડાળા રેન્જમાં સિંહોની સલામતિ ફરી ન જોખમાય તે માટે ઢીલી કામગીરી મુદે ઉચ્ચ અધિકારી દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી પ્રબળ માગણી ઉઠી રહી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે હડાળા રેન્જમાં ઘનઘોર જંગલ આવેલું છે અને આ વિસ્તાર શહેરથી દૂર હોવાના કારણે અહી પેટ્રોલીંગ માટે મુકાયેલા કર્મચારીઓ જંગલમાં જતા નથી.
ધારીમાં વન વિભાગના કર્મચારીઓને સ્ટાફ કવાટર ફાળવવામાં આવ્યા હોવા છતાં અને રાત્રી સમયે હેડકવાટરમાં ન છોડવા માટેની સ્પષ્ટ સુચના આપવામાં આવી હોવા છતાં કર્મીઓ હેડકવાટરમાં રહેતા નથી. પેટ્રોલીગ માટે દરેકકર્મીને બાઈક પણ આપવામાં આવ્યા છે. છતાં પેટ્રોલીંગ માત્ર કાગળ ઉપર જ થાય છે.આ ઘોર બેદરકારી મુદે તંત્ર પગલા લેશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

No comments: