Wednesday, December 31, 2014

ખેડૂતે ગોઠવેલા વીજ કરંટથી બે વર્ષની દિપડીનું મોત : ૩ની અટકાયત.

Dec 22, 2014 00:01

  • પી.એમ.માં વીજ કરંટથી મોત થયાનું ખુલતા વનવિભાગને આસપાસના વાડી માલિકોની પૂછતાછ
ખાંભા : ખાંભાના માલકનેશ ગામની સીમમાં દેહવાહ વિસ્તારમાંથી મળી આવેલ બે વર્ષની દિપડીના મૃતદેહને વનવિભાગે પી.એમ. કરાવતા દિપડીનું મોત વીજકરંટથી થયું હોવાનું ખુલતા ખાનગીરાહે તપાસ કરાવતા આસપાસના વાડી માલિકોએ ખેતરમાં ગોઠવેલા વીજતારથી મોત થયાનું જણાતા વનવિભાગે ત્રણ જેટલા વ્યક્તિની અટક કરી તપાસ શરૃ કરી છે.
શનિવારની સાંજે ખાંભાથી ૧૬ કિ.મી. દૂર આવેલા માલકનેશના રૃખડભાઈ વાઘેલાની વાડી પાસેના વિસ્તારમાંથી બે વર્ષની દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતાં ખાંભા આરએફઓ ડી.જી. ઝાલાએ મૃતદેહને કબજે લઈ જશાધાર પીએમ માટે ખસેડેલ હતો જેમાં દીપડીનું મોત વીજ કરંટથી થયું હોવાનું ખુલ્યું હતું.
આ અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે આ ઘટનાના પગલે અમારા સ્ટાફે ખાનગીરાહે તપાસ કરાવી આસપાસના વાડી વિસ્તારમાં ખેતરમાં તલાશી દરમિયાન ઈલેક્ટ્રીક વીજતાર મળી આવતા તે મુદ્દામાલ જપ્ત કર્યાે છે અને વાડી માલિક સહિતના ત્રણ જેટલા વ્યક્તિની હાલ અટકાયત કરીને પૂછપરછ શરૃ કરી છે.
પાકને બચાવવા માટે ખેડૂતે ખેતરના ફરતે વીજતાર ગોઠવ્યા હતા તે વીજ કરંટથી આ દિપડીનું મોત થયા બાદ ખેડૂતે મૃતદેહને દેહવાડી વિસ્તારમાં ફેંકી દીધો હોવાનું અનુમાન છે. સ્થળ પર જ દિપડીના મળત્યાગના નમુના એકઠા કરી પુરાવારૃપે કબજે લીધા છે જે અંગેની આગળ તપાસ હજુ શરૃ હોવાનું ડીએફઓએ જણાવ્યું હતું.

No comments: