Sunday, February 28, 2016

અમરેલીના વૃદ્ધે તુંબડીમાંથી ખેડૂતે બનાવ્યા ચકલીનાં માળા

અમરેલીના વૃદ્ધે તુંબડીમાંથી ખેડૂતે બનાવ્યા ચકલીનાં માળા

Bhaskar News, Amreli

Feb 15, 2016, 00:36 AM IST
- નિ:સ્વાર્થ સેવા: દિતલાનાં પ્રગતિશીલ ખેડૂત વિનામુલ્યે માળાનું વિતરણ કરી ચકલી બચાવો અભિયાનને કરી રહ્યાં છે સાર્થક

અમરેલી: દિવસેને દિવસે ચકલીઓની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો હોય પ્રકૃતિપ્રેમીઓમા ચિંતા છે. ત્યારે ઠેર-ઠેર ચકલી બચાવો અભિયાન પણ ચાલી રહ્યું છે. જેને પગલે લોકોમા જાગૃતિ પણ આવી છે. ત્યારે ચકલી બચાવો અભિયાનને સાર્થક કરી રહ્યાં છે. ચલાલા તાબાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઇ ભટ્ટી. તેઓ પોતાની વાડીમાં તુંબડીના વેલા ઉગાડી તેમાથી ચકલીઓના માળાઓ બનાવે છે અને તેનુ વિનામુલ્યે વિતરણ પણ કરી રહ્યાં છે.

ખેડૂત ઉકાભાઇ ભટ્ટી ચકલીઓને બચાવવા માટે નિસ્વાર્થભાવે સેવાકાર્ય કરી રહ્યાં છે. તેઓ દિતલામા આંબાવાડી ધરાવે છે. તેમણે પોતાની વાડીમાં તુંબડીના વેલા ઉગાડયા છે. આમ તો તુંબડીનો ઉપયોગ સાધુ સંતો પાણી ભરવા માટે કરતા હોય છે. એ સિવાય તેનો ઉપયોગ કયાંય થતો નથી. ત્યારે ઉકાભાઇને વિચાર આવ્યો કે તુંબડીમાથી ચકલીઓ માટેના માળા બનાવી શકાય. ઉકાભાઇએ જણાવ્યું હતુ કે મારી વાડીમા મે તુંબડીના અનેક વેલાઓ ઉગાડયા છે. તેમા બારેમાસ તુંબડીઓ આવે છે. તુંબડીઓને એકઠી કરી બાદમાં તેને સુકવવામા આવે છે અને પછી તેમા ચકલી જઇ શકે તેટલુ હોલ પાડવામા આવે છે. તુંબડી કડવી હોવાથી અને આમેય તેનો અન્ય કોઇ ઉપયોગ ન હોવાથી ચકલીઓના માળા બનાવવાનુ નક્કી કર્યુ હતુ. તેઓએ અત્યાર સુધીમાં તુંબડીના 500 જેટલા માળા બનાવી લોકોને વિનામુલ્યે વિતરણ કર્યા છે.

તુંબડીમાંથી બનેલ માળામાં ઉનાળા સમયે ઠંડક રહે છે

ઉકાભાઇએ જણાવ્યું હતુ કે તુંબડીમાં ઉનાળામા અંદર ઠંડક રહે છે જેથી ચકલીઓને તેમા રહેવાની મજા આવે છે. તેમણે પોતાના નિવાસ સ્થાને પણ અનેક માળાઓ લગાડયા છે જેમા ચકલીઓ વસવાટ કરી રહી છે અને ચકલીનાં બચ્ચાઓ જીવીત રહી શકે છે. સાથે માળામાંથી સહેલાઇથી અવર-જવર કરી શકે છે.

વાડીમા પણ અનેક તુંબડી લગાવી છે

ઉકાભાઇએ તુંબડીમાથી બનાવેલા માળા વાડીમા પણ લગાડયા છે જેમા અનેક ચકલીઓ વસવાટ કરી રહી છે. તુંબડીમાથી બનાવેલો માળો મજબુત હોવાથી વર્ષો સુધી તે ટકી શકે છે. ચકલીઓને વાતાવરણ પણ અનુકુળ રહેતુ હોય તુંબડીમા તુરંત ચકલી માળો બનાવી દે છે.

No comments: