Friday, May 31, 2019

બાબરકોટ નર્સરીમાં મેડીકલ ચેકઅપમાં રખાયેલી સિંહણનું હડકવાથી મોત થયું

DivyaBhaskar News Network

May 14, 2019, 05:55 AM IST
એક પખવાડીયા પહેલા અચાનક જ એક સિંહણ જાફરાબાદ શહેરમાં આવી ચડી હતી. જેને વનતંત્રએ પાંજરે પુરી બાબરકોટ નર્સરીમાં ખસેડી હતી. જ્યાં આ સિંહણનું સારવાર દરમિયાન મોત થયુ હતું. સિંહણનું મોત હડકવાથી થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા ગીરના સાવજો પૈકી વધુ એક સિંહણનુ મોત થયાની ઘટના બહાર આવી છે. બાબરકોટ નર્સરી ખાતે પાછલા કેટલાક દિવસોથી વનતંત્રની દેખરેખ નીચે સારવારમાં રખાયેલી એક સિંહણનું આજે સારવાર દરમિયાન મોત થયુ હતું. એકાદ પખવાડીયા અગાઉ આ સિંહણ જાફરાબાદ શહેરની મધ્યમાં ઘુસી આવી હતી. જેને પગલે લોકોમાં નાસભાગ મચી હતી. જે તે સમયે વન વિભાગની રેસ્ક્યુ ટીમે ત્યાં દોડી જઇ શહેરની મધ્યમાંથી જ આ સિંહણને પાંજરે પુરી હતી અને ત્યારબાદ તેને દેખરેખ માટે અને મેડીકલ ચેકઅપ માટે બાબરકોટ નર્સરી ખાતે રખાઇ હતી.

આટલા દિવસની દેખરેખ અને સારવારના અંતે આ સિંહણની તબીયત વધુ લથડી હતી અને આજે સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. વનતંત્રને પ્રથમ દ્રષ્ટિએ આ સિંહણનું હડકવાના કારણે મોત થયાનું જણાયુ હતું. પાછલા કેટલાક સમયથી અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં આ રીતે સાવજોના કમોતની ઘટનાઓ અવાર નવાર બહાર આવી રહી છે.

રેસ્ક્યુ સમયે જ સિંહણનું વર્તન વિચિત્ર

વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હડકવા અને બિમારી જેવા કારણો સબબ જ સિંહણ શહેરી વિસ્તારમાં ધસી ગઇ હતી. તેને જ્યારે રેસ્ક્યુ કરવામાં આવી તે સમયે જ સિંહણનું વર્તન વિચિત્ર જણાયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lioness-rabble-killed-in-medical-check-up-in-babarkot-nursery-055535-4545684-NOR.html

No comments: