Thursday, December 26, 2019

તુલસીશ્યામથી સારવારમાં ખસેડાયેલી 12 વર્ષની સિંહણનું જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોત

  • ખડાધાર ગામની સીમમાંથી વધુ એક સિંહબાળને રેસ્ક્યુ કરી જસાધાર ખસેડાઇ

Divyabhaskar.com

Dec 19, 2019, 02:45 PM IST
અમરેલી: ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જમાં હજુ બે દિવસ પહેલા સાત સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર ખસેડાયા બાદ ખડાધારની સીમમાંથી વધુ એક સિંહબાળને રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડાયું છે, તો બીજી તરફ અગાઉ 9મી તારીખે અહીંથી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડાયેલી 12 વર્ષની સિંહણનું આજે મોત થયું હતું. અચાનક તુલસીશ્યામ રેન્જમાં જ સાવજોને લઇને તંત્રની એક્ટીવીટી વધી ગઇ છે.
9મી ડીસેમ્બરે વનતંત્રએ 12 વર્ષની સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું
તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં આવતા સોનારીયા ગામની સીમમાંથી ગત 9મી ડીસેમ્બરે વનતંત્રએ 12 વર્ષની ઉંમરની એક બિમાર સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી હતી. જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. વનતંત્રએ આ સિંહણના મોત માટે તે વૃદ્ધ થઇ ગયાનું કારણ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા અહીંથી રેસ્ક્યુ કરાયેલા એક સિંહબાળનું પણ આ જ રીતે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં મોત થયુ હતું.
વન વિભાગ દ્વારા સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર ખસેડાઇ રહ્યા છે
બીજી તરફ તુલસીશ્યામ રેન્જમાં જ વન વિભાગ દ્વારા એક પછી એક સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ રહ્યા છે. બે દિવસ પહેલા આ રેન્જના કોદીયા ગામની સીમમાંથી બે સિંહણ અને તેના પાંચ બચ્ચાને તંત્રએ પકડી લીધા હતાં. એક સિંહણને માથામાં ઇજા હોવાનું અને બીજી સિંહણને પગમાં ઇજા હોવાનું કારણ બતાવાયું હતું. વળી આ બન્ને સિંહણોના બચ્ચાને રેઢા મુકી શકાય તેમ ન હોય તેને પણ રેસ્ક્યુ કરાયા હતાં.
ખાંભાના નિંગાળામાં વધુ એક સિંહ બિમાર
રબારીકા રાઉન્ડના નિંગાળા ગામે ધોહ વિસ્તારમાં વધુ એક સારવારથી વંચિત બિમાર સિંહ થોડા દિવસોથી ખેડૂતોની નજરે ચડી રહ્યો છે. આ સિંહ જાડા-ઉલ્ટીની બિમારીથી પીડાઇ રહ્યો છે. તે મારણ કરવા પણ એકદમ અશક્ત હોવાનું અને એક જ જગ્યાએ લાંબો સમય પડ્યો રહેતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વન વિભાગના સબ સલામતના દાવા વચ્ચે તાત્કાલિક આ સિંહને રેસ્ક્યુ કરીને સારવાર આપવી અત્યંત જરૂરી છે. સાથે જ આ સિંહના હગાર, ઉલ્ટીના નમૂના લઇ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે તો જાણી શકાય કે સિંહને કેવા પ્રકારની બિમારી છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/12-year-old-lioness-death-during-treatment-in-jasadhar-animal-care-center-126329144.html

No comments: