Thursday, December 26, 2019

વન વિભાગ સાપરમાં શોધતું રહ્યું અને કાગદડીની સીમમાંથી દીપડી ઝડપાઈ, માનવભક્ષી દીપડો હજુ પણ ફરાર

  • કેશોદ પંથકનાં મઘરવાડા વાડી વિસ્તારમાંથી દીપડી પાંજરે કેદ
  • ગુજરાતને દીપડામુક્ત કરવાની કિસાન સંઘની માંગ 

Divyabhaskar.com

Dec 10, 2019, 01:50 PM IST
અમરેલી: બગસરા પંથકમાં આદમખોર દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસના 200 કર્મચારીઓ કામે લાગ્યા છે. તેમજ 7 શાર્પશૂટરો પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બગસરાના કાગદડી સીમમાંથી એક દીપડી પાંજરે પૂરાઇ છે. વન વિભાગ સાપરમાં દીપડાને શોધતું રહ્યું અને દીપડી કાગદડીમાં પાંજરે પૂરાઇ છે.કાગદડીના સરપંચ વિનુભાઇ કાનાણીની વાડીમાંથી દીપડી પાંજરે પૂરાઇ છે. રાતના 3 વાગ્યે દીપડી પાંજરે પૂરાતા વન વિભાગ દ્વારા તેને અન્ય સ્થળે ખસેડી છે. આ અંગે વન વિભાગના મુખ્ય સંરક્ષક એ.એમ. પરમારે દીપડી પાંજરે પૂરાયાની પુષ્ટી આપી છે. પરંતુ આ દીપડી માનવભક્ષી છે કે નહીં તે તપાસ બાદ જ ખબર પડશે.
100 જેટલી ટીમનું સર્ચ ઓપરેશન
આ અંગે અમરેલી કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, દીપડાને પકડવા માટે 100 જેટલી ટીમો બનાવી છે. 30 જગ્યાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એકમાં દીપડી પકડવામાં સફળતા મળી છે. હજુ પણ એક બે દીપડા પકડવાના બાકી છે. મેગા ઓપરેશન ચાલુ રહેશે. કાગદડીમાં પકડાયેલી દીપડી શંકાસ્પદ છે અને જેટલા પણ શંકાસ્પદ દીપડાઓ હશે તેને પકડવામાં આવશે. પકડાયેલી દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ છે. ત્યાં પૃથકરણ થયા પછી જ ખબર પડશે કે આ દીપડી નરભક્ષી છે કે નહીં.
144 કલમ ચાલુ રહેશે
કલમ 144 અંગે ધારાસભ્ય હર્ષદ રીબડીયાના નિવેદન અંગે કલેક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પોલીસ અને વન તંત્રનું ઓપરેશન ચાલુ હોય ત્યારે કોઇ નાગરીકને ઇજા ન પહોંચે તે માટે 144 કલમ લગાવી છે. છેલ્લા 4 દિવસથી બગસરા પંથકમાં દિવસે વીજળી અપાઇ છે માટે રાત્રે ખેડૂતોને વાડી-ખેતરે જવાની જરૂર નથી.
લુંઘીયામાં 220 વિદ્યાર્થીઓને શાળાના બારી-બારણા બંધ કરી ભણાવાયા
બગસરાના લુંઘીયામાં ધો. 1 થી 8ની શાળામાં 222 છાત્રો અભ્યાસ કરે છે. દીપડાના ખૌફ વચ્ચે ગઇકાલે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે તો આવ્યા પરંતુ અહીં પણ દીપડાના હુમલાનો ભય માસુમ ભુલકાઓમાં સ્પષ્ટ નજરે પડતો હતો. સવારે સ્કૂલ શરૂ થયા બાદ કેટલાક છાત્રોએ દૂર ખેતરમાં દીપડો નજરે પડયાની વાત કરતા જ ગભરાહટનો માહોલ ફેલાઇ ગયો હતો.શાળાના શિક્ષકોએ છાત્રોને વર્ગખંડમાં લઇ સ્કૂલના બારી-બારણાઓ બંધ કરી દીધા હતાં અને આ સ્થિતીમાં જ બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. એટલુ જ નહી કોઇ છાત્રને ક્લાસરૂમમાંથી બહાર નિકળી લઘુશંકા માટે જવુ હોય તો એક શિક્ષક તેની સાથે જતા હતાં. અહીંની શાળા ગામના છેવાડે આવેલી હોય ગભરાહટ વધુ હતો. શાળા છૂટવાના સમયે વાલીઓ તેના સંતાનોને લઇ ગયા હતાં. ગામમાં કર્ફ્યુ જેવો માહોલ બન્યો હતો.
ગુજરાતને દીપડા મુક્ત કરો: કિસાન સંઘનો આક્રોશ
કિસાન સંઘે એવી માંગ પણ ઉઠાવી છે કે સિંહ અને દિપડા શેડ્યુલ -1 હેઠળ આરક્ષિત પ્રાણી છે. ત્યારે દીપડા ભૂંડ નીલગાય વગેરેને આ યાદીમાંથી દૂર કરવામાં આવે. વિસ્તારમાં રહેતા આ પ્રાણીઓને તાત્કાલિક જંગલમાં ખસેડવામાં આવે, મારણ કે હુમલાના સમયે લોકો અધિકારીઓને ટેલિફોનિક જાણ કરે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી, લોકોને જવાબ પણ આપતા નથી કે પોતાના ફરજના સ્થળે હાજર પણ રહેતા નથી. આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે. 15 દિવસમાં આ માંગણીઓ પ્રત્યે ધ્યાન નહીં અપાય તો કિસાન સંધે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

કેશોદ પંથકનાં મઘરવાડા વાડી વિસ્તારમાંથી દીપડી પાંજરે કેદ
કેશોદના મઘરવાડામાં દીપડાની રંજાડ વધી છે ત્યારે મઘરવાડાની વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હતો ત્યારે કેશોદ તા. પં.ના સદસ્ય માંડણભાઇ હેરભા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ભોજાભાઇ કરસનભાઈ હેરભાની વાડીમાં વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવેલ અને સોમવારે સવારે આ ખુખાર દીપડી પાંજરે પુરાઇ હતી.
દીપડો માનવભક્ષી કેમ બને છે ?
આ અંગે જાણવા મળ્યું છે કે, દીપડો હિંસક પ્રાણી છે. પરંતુ માણસથી તે ડરે છે. પરંતુ અગમ્ય કારણોસર તે માનવ પર હુમલા કરે છે. અને માનવ લોહી ચાખી જાય છે. તે દીપડો માનવભક્ષી બની જાય છે. કારણ કે માનવીઓ જ એક માત્ર એવો જીવ છે. જે ખોરાકમાં મીઠાનો ઉપયોગ કરે છે. જેથી માનવીઓનું લોહી હિંસક પ્રાણીઓને મીંઠુ લાગે છે. એક વાર જે દીપડો માનવીનું લોહી ચાખી જાય તે માનવભક્ષી બની જાય છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/female-leopard-arrested-in-kagdadi-village-of-bagasara-126255861.html

No comments: