Thursday, December 26, 2019

તુલસીશ્યામ રેન્જમાં સિંહબાળના મોત બાદ એકસાથે 7 સિંહોના ગ્રુપનું રેસ્ક્યુ કરાયું

  • બે સિંહણ અને પાંચ સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Divyabhaskar.com

Dec 17, 2019, 04:30 AM IST
ખાંભા: ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાંથી ગઇરાત્રે વનતંત્રએ અચાનક જ બે સિંહણ અને તેના પાંચ બચ્ચા સહિત સાવજોનું રેસ્ક્યુ કરી જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી દીધા છે. જો કે વનતંત્ર બન્ને સિંહણ ઘાયલ હોય તમામનું રેસ્ક્યુ કર્યાનો દાવો કરે છે. પરંતુ થોડા સમય પહેલા આ સિંહણનું એક બચ્ચુ બિમારીથી મૃત્યુ પામ્યુ હોય સાવજોમાં ફરી કોઇ જોખમી બિમારી છે કે કેમ તે અંગે ભારે ચર્ચા જાગી છે. વનતંત્રએ એક સાથે સાત સાવજોને રેસ્ક્યુ કરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડતા સિંહપ્રેમીઓમાં ચિંતાની લાગણી ફરી વળી છે. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે બન્ને સિંહણો ઘાયલ હતી. જેના કારણે આ રેસ્ક્યુ કરાયુ હતું. સિંહણોની સાથે તેમના બચ્ચાને પણ લવાયાં હતાં.
એક સિંહણને માથામાં, બીજીને પગમાં ઇજા
એક સાથે સાત સાવજના રેસ્ક્યુ અંગે સીસીએફ ડી.પી. વસાવડાએ જણાવ્યુ હતું કે એક સિંહણને માથામાં ઇજા હતી જ્યારે એક સિંહણને પગમાં ઇજા હતી. બન્ને સિંહણને સારવાર આપવાની જરૂરી હોવાથી બન્નેનું રેસ્ક્યુ કરતી વખતે તેમના બચ્ચાને પણ સાથે લેવા પડયા હતાં.
સુરક્ષાનાં કારણોથી બચ્ચાંને સાથે લેવાયાં
એસીએફ નિકુંજ પરમારે જણાવ્યુ હતું કે કોદીયાની સીમમાં બીજા 9 સાવજોની પણ હાજરી નોંધાઇ હતી. જેથી સિંહણની સાથે તેના બચ્ચાને પણ રેસ્ક્યુ કરી લેવાયા હતાં. જેથી બચ્ચા પર આ સિંહો તરફથી કોઇ જોખમ ન રહે. આ સાવજોના જરૂરી સેમ્પલ પણ લેવાશે અને સારવાર કરાયા બાદ સુરક્ષિત રીતે મૂક્ત કરી દેવામાં આવશે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/7-lion-rescue-in-tulsishyam-range-by-forest-department-126305390.html

No comments: