Thursday, December 26, 2019

બગસરા તાલુકામાં ધારા 144 લાગુ, દીપડાને પકડવા 8 શાર્પ શૂટર સહિત 200 લોકો ટીમ કામે લાગી

દીપડાના હુમલાને લઈ બગસરા તાલુકામાં એકઠી થયેલી પોલીસ અને વન વિભાગની ટીમ
દીપડાના હુમલાને લઈ બગસરા તાલુકામાં એકઠી થયેલી પોલીસ અને વન વિભાગની ટીમ

  • 8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવાનો હુકમ
  • માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે બગસરામાં 30 જેટલા પાંજરા મૂક્યા 

Divyabhaskar.com

Dec 08, 2019, 07:40 PM IST
અમરેલી/બગસરાઃ ગીર પંથકમાં દીપડાઓના વધી રહેલા આતંક મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દીધી છે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સૂર્યાસ્તના 3 કલાક પહેલા 5થી વધારે માણસોનું ટોળુ ભેગુ થઈ શકશે નહીં. તેમજ 8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવાનો હુકમ કર્યો છે. જો કોઈ ધારા 144નો ભંગ કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે.
એક જ દીપડો હોવાનું અનુમાનઃ વનમંત્રી
આ સિવાય રાજ્ય વનમંત્રીએ પણ દીપડાને પકડવા માટે વન વિભાગ કામે લાગ્યું હોવાનું જણાવ્યું છે. વનમંત્રીએ જણાવ્યું કે, દીપડાને પકડવા માટે 200 લોકોની ટીમ કામે લાગી છે. જેમાં 8 જેટલા શાર્પ શૂટર પણ સામેલ છે. દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ આપ્યા છે. એક જ દીપડો હોવાનું અનુમાન છે. દીપડાઓને ઝડપી લેવા અને મારવા માટે નાઈટ વિઝન કેમેરા અને ડ્રોન દ્વારા દીપડા પર નજર રાખવામાં આવી રહી છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે બગસરામાં 30 જેટલા પાંજરા મૂક્યા છે.
લુંઘીયામાં મહિલા પર દીપડાનો હુમલો, ગળા-આંખના ભાગે નહોર માર્યા
દિવસેને દિવસે વધી રહેલા દીપડાના હુમલા વચ્ચે આજે પણ દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડાએ ઘરમાં ઘુસી 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામના મહિલા પર હુમલો કર્યો હતો. જેને પગલે દયાબહેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને તેમને દીપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આમ છતાં દીપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ થઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, બગસરા પંથકમાં 24 કલાકમાં દીપડાનો બીજો હુમલો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leaopard-attack-in-gir-section-144-imposed-in-bagasara-taluka-8-sharp-shooters-ready-to-shoot-leopard-126240634.html

No comments: