Thursday, December 26, 2019

ખાંભા પાસેથી 2 ઘાયલ સિંહણની સારવાર માટે વનતંત્રે 5 બચ્ચાને પણ સાથે લેવા પડ્યા

DivyaBhaskar News Network

Dec 17, 2019, 05:56 AM IST
ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાંથી ગઇરાત્રે વનતંત્રએ અચાનક જ બે સિંહણ અને તેના પાંચ બચ્ચા સહિત સાવજોનું રેસ્ક્યુ કરી જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડી દીધા છે. જો કે વનતંત્ર બન્ને સિંહણ ઘાયલ હોય તમામનું રેસ્ક્યુ કર્યાનો દાવો કરે છે. પરંતુ થોડા સમય પહેલા આ સિંહણનું એક બચ્ચુ બિમારીથી મૃત્યુ પામ્યુ હોય સાવજોમાં ફરી કોઇ જોખમી બિમારી છે કે કેમ તે અંગે ભારે ચર્ચા જાગી છે. વનતંત્રએ એક સાથે સાત સાવજોને રેસ્ક્યુ કરી એનીમલ કેર સેન્ટરમાં ખસેડતા સિંહપ્રેમીઓમાં ભારે ચિંતાની લાગણી ફરી વળી છે. ગીરપૂર્વની તુલસીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાં ગઇરાત્રે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ વિસ્તારમાં બે સિંહણ તેના પાંચ બચ્ચા સાથે આટા મારી રહી હતી. આમ તો આ ગૃપ 9 સાવજોનું હતું. પરંતુ થોડા દિવસ પહેલા એક બચ્ચુ બિમાર થતા તેને પકડીને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાયુ હતું. જ્યાં તે મૃત્યુ પામ્યુ હતું. આ ઉપરાંત અન્ય એક બચ્ચાને પણ આ વિસ્તારમાંથી બિમારી સબબ રેસ્ક્યુ કરાયુ હતું. દરમિયાન ગઇરાત્રે એક સાથે સાત સાવજોને ઉપાડી લઇ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઇ જવાયા હતાં. જો કે વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે બન્ને સિંહણો ઘાયલ હતી. જેના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન કરાયુ હતું. સિંહોની સાથે તેમના બચ્ચાને પણ રેસ્ક્યુ કરી લેવાયા હતાં. તમામ સાવજોના સેમ્પલની પણ જસાધારમાં ચકાસણી કરવામાં આવશે.

અગાઉ આંબરડી-દલખાણીયામાં આવા રેસ્ક્યુ થયા હતાં

હાલ વન વિભાગ દ્વારા જે ગૃપનું રેસ્કયું કરાયુ છે તેની પહેલાની ફાઇલ તસવીર.

એક સાથે અનેક સાવજોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય તેવી ઘટના પ્રથમ વખત નથી બની. અગાઉ આંબરડી પંથકમાં એક સાવજ માનવભક્ષી બની જતા આ વિસ્તારના 16 જેટલા સાવજોને એક સાથે પકડી લઇ જસાધાર ખસેડાયા હતાં. આવી જ રીતે ગત વર્ષે દલખાણીયામાં કેનાઇન ડીસ્ટેમ્પર વાયરલ ફેલાતા એક સાથે 30થી વધુ સાવજોને રેસ્ક્યુ કરાયા હતાં.

બચ્ચાને સુરક્ષાના કારણોથી સાથે લેવાયા

એસીએફ નિકુંજ પરમારે જણાવ્યુ હતું કે કોદીયાની સીમમાં બીજા 9 સાવજોની પણ હાજરી નોંધાઇ હતી. જેથી સિંહણની સાથે તેના બચ્ચાને પણ રેસ્ક્યુ કરી લેવાયા હતાં. જેથી બચ્ચા પર કોઇ જોખમ ન રહે. આ સાવજોના જરૂરી સેમ્પલ પણ લેવાશે.

એક સિંહણને માથામાં તો બીજીને પગના ભાગમાં ઇજા થઇ છે

એક સાથે સાત સાવજના રેસ્ક્યુ અંગે સીસીએફ ડી.પી. વસાવડાએ જણાવ્યુ હતું કે એક સિંહણને માથામાં ઇજા હતી જ્યારે એક સિંહણને પગમાં ઇજા હતી. બન્નેનું રેસ્ક્યુ કરતી વખતે ફરજીયાત તેમના બચ્ચાને પણ સાથે લેવા પડયા હતાં.

હાલ જશાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-5-infants-also-had-to-be-taken-for-treatment-of-2-injured-lions-from-the-mound-055635-6189738-NOR.html

No comments: