Tuesday, February 19, 2013

બે પેલીકનના મૃતદેહ સૂકાઈ જતા પી.એમ. ન થઈ શક્યુ, કુદરતી મોતનો તંત્રનો દાવો.


જૂનાગઢ, તા.૧૭ :
જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમ સાઈટ વિસ્તારમાં વિદેશી મહેમાનો એવા પેલીકન પક્ષીઓના ભેદી મોત થઈ રહ્યા હોવાની બહાર આવેલી ઘટનાને પગલે હરકતમાં આવેલા વનવિભાગે અહીથી મળેલા બે મૃતદેહોને પી.એમ. માટે મોકલ્યા હતાં. પરંતુ મૃતદેહો સૂકાઈ જવાના કારણે તેમનું પી.એમ. થઈ શક્યું નથી. જો કે આ બન્ને પક્ષીઓના મૃત્યુ કુદરતી રીતે જ થયા હોવાનો દાવો હજૂ પણ વનવિભાગ કરી રહ્યું છે.
  • જળસ્ત્રોત પાસે કર્મચારીઓને ફરજ સોંપાશે : હવે મૃતદેહ મળતા જ પી.એમ. થશે
જૂનાગઢના વિલીંગ્ડન ડેમ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં યાયાવર પેલીકન પક્ષીઓના ભેદી રીતે મોત થતા હોવાની ઘટનાઓ બની છે. આ અંગેની વિગતો બહાર આવતા જ વનવિભાગ હરકતમાં આવી ગયું છે. અહીથી તાજેતરમાં મળેલા બે મૃતદેહોને કબજે કરીને વનવિભાગે પી.એમ. માટે મોકલ્યા હતાં. પરંતુ મૃતદેહો બે-ત્રણ દિવસથી પડયા હોય સૂકાઈ જતા તેનું પી.એમ. થઈ શક્યું નથી. દરમિયાનમાં આર.એફ.ઓ. પી.જે.મારૂએ દાવો કરતા જણાવ્યું હતું કે, પેલીકન પક્ષીઓના મોતની ઘટના માનવસર્જીત શિકાર નથી. કુદરતી રીતે બનતી ઘટનાઓ જ મોતનું કારણ છે. ડેમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગર અને દીપડા વસવાટ કરે છે. તેના દ્વારા આ પક્ષીઓને મારી નાખવામાં આવે છે. આ વિસ્તારમાં દીપડાના સગડ પણ મળ્યા છે. તથા આવી રીતે ઘણી વખત પેલીકનનો શિકાર થતો વનવિભાગના સ્ટાફે રૂબરૂમાં પણ નિહાળ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, પાણીની અથવા અન્ય કોઈ રીતે ઝેરી અસરને લીધે પણ આ પક્ષીઓના મૃત્યુ થયા હોય તેવી શક્યતા નકારી શકાય નહી. બીજી તરફ વનવિભાગે વિદેશી પક્ષીઓ આવતા હોય તેવા જૂનાગઢના તમામ જળસ્ત્રોત ખાતે નિયમીત ફેરણુ કરવા સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=121157

No comments: