Tuesday, February 19, 2013

જંગલ, વીજ, ખાણ તંત્ર દ્વારા કરાતી પરેશાની સામે કિસાન સંઘનાં ધરણાં.


જૂનાગઢ, તા.૧૨
જંગલ, ખાણ-ખનિજ અને વીજ તંત્ર દ્વારા મોટાભાગે ખેડૂતોને બિનજરૂરી રીતે પરેશાન કરવામાં આવતા હોવાની રાવ સાથે જૂનાગઢ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આવેદન પત્ર પાઠવીને આ અંગે સત્વરે યોગ્ય પગલા લેવાની માગણી પણ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં તળાવો ઉંડા ઉતારવા માટે ખેડૂતોને માટી ઉપાડવાની છૂટ આપવાની માગણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મંત્રી વિઠ્ઠલભાઈ દૂધાત્રા, જિલ્લા પ્રમુખ ઉકાભાઈ પટોળિયા, જમનભાઈ ટાંક સહિતના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, નિયમો વિરૂદ્ધ આડેધડ વીજ ચેકિંગ કરીને ખેડૂતોને રીતસર હેરાન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અત્યારની દૂષ્કાળની સ્થિતિમાં શહેરોના પ્રમાણમાં જ ગામડાઓમાં પણ પાણીની જરૂરિયાત છે. જેના માટે વ્યવસ્થા કરવાની જરૂર છે. જ્યારે કપાસના ખરીદ કેન્દ્રો ચાલુ કરાવીને આયાત બંધ કરીને વધુમાં વધુ નિકાસની છૂટ આપવી, ગત વર્ષે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકારે જાહેર કરેલું બોનસ તાત્કાલીક અસરથી ખેડૂતોને પહોંચતું કરવું, રસ્તાઓના કામ તાત્કાલીક અસરથી કરવા, ખેડૂતોને ડિઝલમાં સબસીડી આપવી, ખેત ઉત્પાદનના ઘટતા ભાવોને કાબૂમાં રાખવા સરકાર દ્વારા સત્વરે ખરીદી કરાય વગેરે જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારને લગતી માગણીઓ પણ આવેદન પત્રમાં કરવામાં આવી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=120092

No comments: