Monday, February 18, 2013

રાજુલાનાં ધાતરવડી ડેમમાં ૨પ પ્રવાસી પક્ષીનાં ભેદી રીતે મોત.


Bhaskar News, Rajula | Feb 17, 2013, 00:10AM IST
પાંચ દિવસ પહેલા
ડેમ પર આવેલા પક્ષીઓ ટપોટપ મરવા લાગ્યા : ઉંડી તપાસ જરૂરી
 
અમરેલી જિલ્લાના અનેક જળાશયોમાં શીયાળો ગાળવા આવેલા પ્રવાસી પક્ષીઓ પાછલા દિવસોમાં મોતને ભેટયાની ઘટના તાજી છે ત્યાં હવે રાજુલાના પાદરમાં આવેલ ધાતરવડી ડેમમાં એક સાથે ૨પ જેટલા પ્રવાસી પક્ષીઓના મોત થયાનું બહાર આવતા ચકચાર મચી છે. દસ પેલીકન તથા પંદર જેટલા કુંજ પક્ષીઓનું કોઇ અકળ કારણે મોત થયુ હતું. આ જળાશયમાં હજુ પાંચ દિવસ પહેલા જ પ્રવાસી પક્ષીઓનું આગમન થયુ છે ત્યાં આજે આ ઘટના બની હતી.
 
રાજુલા નજીક આવેલા ધાતરવડી બે ડેમમાં હાલમાં પાણી ઘણુ ઓછુ છે આમ છતાં અહિં પાંચેક દિવસ પહેલા પ્રવાસી પક્ષીઓનું મોટુ ઝુંડ ઉતરી આવ્યુ છે. શીયાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે પ્રવાસી પક્ષીઓ પરત ફરી રહ્યા છે. તેવા સમયે છેલ્લે છેલ્લે આ પક્ષીઓ અહિં આવ્યા છે. પરંતુ આજે આ પ્રવાસી પક્ષીઓ પૈકી ૨પ જેટલા પક્ષીઓનું ભેદી રીતે મોત થયાનું બહાર આવેલ છે.
 
ધાતરવડી બે ડેમમાં આજે દસ જેટલા પેલીકન પક્ષી તથા પંદર જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ નઝરે ચડયા હતાં. કેટલાક પક્ષીઓના મૃતદેહ પાણીમાં તરતા હતાં. તો કેટલાક પક્ષીઓના મૃતદેહ જમીન પર પડયા હતાં. હાલમાં ડેમમાં પાણીનો જથ્થો ઘટતો જાય છે. ડેમનું પાણી પણ એકદમ દુષીત હોય તેવું લીલુ છે. ત્યારે આ ડેમમાં ઝેરી કચરો તો નથી ઠલવાઇ રહ્યોને તે પણ તપાસ થવી જરૂરી છે. વન વિભાગના અધિકારીઓ આ ઘટના બાદ પણ અહિં ડોકાયા ન હતાં. પ્રવાસી પક્ષીઓના આટલી મોટી સંખ્યામાં રહસ્યમય સંજોગોમાં મોત થવાની ઘટનાની તપાસ થવી જરૂરી છે.
 
કલરના ખાલી ડબ્બા જ્યાં ત્યાં ફેંકાયા
 
ધાતરવડી ડેમ પર હાલમાં કલર કામ ચાલુ છે. કલરના ખાલી ડબલાઓ જ્યાં ત્યાં ફેંકવામાં આવ્યા છે. ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે ત્યારે આ કેમીકલ યુક્ત કલરના ડબ્બાઓ પણ પાણીને પ્રદુષિત કરવામાં નિમિત બન્યા છે.

No comments: