Tuesday, February 19, 2013

વિલીંગ્ડન ડેમ નજીક પેલિકન પક્ષીઓના ભેદી મોત.


જૂનાગઢ, તા.૧૫
જૂનાગઢ શહેરનું ફરવાનું રમણીય સ્થળ વિલીંગ્ડન ડેમ વિસ્તારમાં હાલમાં પેલીકન પક્ષીઓ માટે મોતના મુખ સમાન બની ગયું છે. પેલીકન પક્ષીઓના ભેદી રીતે મોત નિપજ્યા હોવાની અહી ઉપરાછાપરી બનેલી કેટલીક ઘટનાઓના પગલે પક્ષીપ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે. મળતી વિગતો અનુસાર છેલ્લા એકાદ મહિનામાં વારંવાર બનેલી ઘટનાઓમાં આઠથી દશ જેટલા વિદેશી મહેમાનો હોમાઈ ચૂક્યા છે. જેમાં આજે સવારે વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. પક્ષીઓના મોત પાછળનું કારણ શોધવામાં વનવિભાગ ઉણું ઉતરી રહ્યું છે. તથા મૃતદેહોના પી.એમ. કરવાની તસ્દી પણ લેવામાં આવતી નથી.
  • વધુ બે મૃતદેહો મળ્યા : કારણ શોધવામાં ઉણું ઉતરી રહેલું વનવિભાગ : પી.એમ. કરવાની પણ તસ્દી નથી લેવાતી
શિયાળા દરમિયાન પાણીના સ્ત્રોત્ર નજીક મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચે છે. સ્થળાંતર કરીને આવતા આ પક્ષીઓ અહી પોતાના જીવનું રક્ષણ કરવા માટે આવતા હોય છે. પરંતુ જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ વિસ્તાર હાલમાં વિદેશી પક્ષી પેલીકન માટે મોતનું કારણ બની ગયો છે. પાણીના લીધે અહી મોટા પ્રમાણમાં આવી પહોંચેલા યાયાવર પેલીકનના ભેદી મોત થઈ રહ્યા છે. પક્ષીપ્રેમીઓમાંથી ઉઠેલી ફરિયાદ અનુસાર છેલ્લા એકાદ મહિનામાં અહી આઠથી દશ જેટલા પેલીકન પક્ષીઓના મોત નિપજ્યા છે. જેને લઈને અરેરાટી પ્રસરી ગઈ છે. વન્ય જીવસૃષ્ટિની સલામતી રખાતી હોવાના થતા દાવાઓ વચ્ચે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં જ પેલીકન પક્ષીઓના મોતના બનાવો બની રહ્યા છે.
આજે સવારે વધુ બે પેલીકનના મૃતદેહ અહીથી મળી આવ્યા છે. આ પક્ષીઓના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજૂ સુધી બહાર આવ્યું નથી. અને કદાચ ક્યારેય આવશે પણ નહી. કારણ કે અહી મૃત્યુ પામતા પેલીકન પક્ષીઓ બાબતે વનવિભાગ દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી. તેના રક્ષણની વાત તો દૂર રહી મળી આવતા મૃતદેહો બાબતે જાણ કરવા છતાં વનવિભાગ દ્વારા કોઈ પગલા લેવાતા નથી. મૃતદેહોના પી.એમ. કરવામાં આવતા નથી.મૃતદેહો કબજે કરવાની તસ્દી પણ વનવિભાગે ક્યારેય લીધી નથી.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ઘટના શિકારની હોય તેવી શક્યતા વધારે છે. અને આ શિકાર કોઈ વન્યપ્રાણીઓ નહી, પરંતુ માનવી કરેલા હોય તેવી સ્થિતિમાં મૃતદેહો મળી રહ્યા છે. તો ડેમનું દૂષિત પાણી પીવાના કારણે પણ મૃત્યુ થયા હોઈ શકે છે. આ ઉપરાંત કોઈ ઝેરી અસરની શક્યતા પણ નકારી શકાય નહી. પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ પી.એમ. કર્યા બાદ જ ખ્યાલ આવી શકે. જે વનવિભાગ દ્વારા કરવામાં આવતું નથી. અહીથી મળતા પેલીકનના મૃતદેહોનું પી.એમ. કર્યા બાદ તેનું નક્કર કારણ જાણીને પગલા લેવાની તાતી જરૃરિયાત છે.
જૂનાગઢ શહેરમાં ડેમ ઉપરાંત અન્ય સ્થળ નરસિંહ મહેતા સરોવર ખાતે પણ પેલીકન પક્ષીઓ આવ્યા છે. અહી કૂતરાઓ દ્વારા શિકાર કરાયેલા અને અર્ધ ખાધેલા મૃતદેહો ઘણી વખત મળી આવ્યા છે. જેના માટે પણ વનવિભાગે પગલા લીધા નથી. અહીથી મળેલા મૃતદેહના પી.એમ. પણ થતા નથી. વનવિભાગને કદાચ ખ્યાલ પણ નહી હોય કે અહી પેલીકનના મોત થયા છે.
યાત્રાધામ અને પ્રવાસનધામ ગણાતા જૂનાગઢ શહેરમાં પ્રવાસીઓ માટેની ચિંતા વખતો વખત વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ વિદેશી મહેમાન બનીને અહી આવતા પેલીકન પક્ષીઓની દરકાર કરવાની તસ્દી કોઈ તંત્રએ લીધી નથી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ દિશામાં સત્વરે પગલા લેવામાં આવે તેમજ કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપવામાં આવે તેવી ઉગ્ર માગણી પક્ષીપ્રેમીઓમાંથી ઉઠી રહી છે.
દીપડા કે મગર દ્વારા શિકાર થાય છે : વનવિભાગનો બચાવ
ડેમ ખાતે પેલીકન પક્ષીઓના મોત થતા હોવાની ઘટનામાં વનવિભાગ દ્વારા ગળે ન ઉતરે તેવો બચાવ કરવામાં આવી રહ્યો છે. મોતની ઘટનામાં દીપડા કે મગર દ્વારા શિકાર કરાતો હોવાનું બહાનુ વનવિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જો કે વનવિભાગ એમ પણ કહે છે કે, શિકાર કર્યા બાદ આ પ્રાણીઓ પક્ષીઓના મૃતદેહને ખાતા નથી !! ગિરનાર અભયારણ્યની ડૂંગર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. પી.જે.મારૃએ જણાવ્યું છે કે, પેલીકન પક્ષીઓના મોત થતા હોવાની ઘટનાઓ ડેમ ખાતે બને છે. પરંતુ આ મોત શિકારના કારણે થતા હોવાનું નજરે નિહાળ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઘણા મૃતદેહોના પી.એમ. પણ કરવામાં આવ્યા છે.
વિલીંગ્ડન ડેમ વિસ્તારની કૂખ્યાતીમાં વધારો
આમ તો વિલીંગ્ડન ડેમ વિસ્તાર શહેરીજનોમાં ફરવા લાયક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ આ વિસ્તાર એટલો જ કૂખ્યાત પણ છે. ચાંદની હત્યા કાંડની ઘટના આ સ્થળ નજીક જ બની હતી. આ ઉપરાંત રોમિયોગીરી, આવારા તત્વો, દારૃ જેવા દૂષણો પણ અહી વ્યાપક પ્રમાણમાં પ્રસરેલા છે. ત્યારે વિલીંગ્ડન ડેમની કૂખ્યાતીમાં હવે વધારો થયો છે. પેલીકન પક્ષીઓના મોતને લઈને આ વિસ્તારના ખરાબ પાસામાં વધુ એકનો વધારો થઈ ગયો છે. અહી માણસોની સલામતી માટેની પણ પુરતી વ્યવસ્થા નથી ત્યાં પક્ષીઓની સલામતીનો વિચાર પણ ક્યાંથી કરી શકાય ?? કોઈ ચર્ચાસ્પદ ઘટના બને એટલા સમય પુરતો આ વિસ્તાર પ્રકાશમાં આવે છે. પછી બધુ જ ભૂલાઈ જાય છે. અને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.
http://www.sandesh.com/article.aspx?newsid=120681

No comments: