Thursday, December 31, 2015

ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


  • Hirendrasinh Rathod, Khambha
  • Dec 16, 2015, 12:33 PM IST
ખાંભા: ખાંભા તાલુકાના નસેડી-સમઢિયાળા ગામે સવારથી એક સિંહણ ઘુસી ગઈ હતી અને ગામને બાનમાં લીધું હતું. જોતજોતામાં સિંહણે એક આધેડ પર હુમલો કરવાની કોશિષ કરી હતી પરંતુ વનકર્મી વચ્ચે પડતાં આધેડ બચી ગયા હતા. સિંહણે વનકર્મીને ઈજા પહોંચાડતા તે હાલ અમરેલી સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વનકર્મીનાં ઉમદા કાર્યની નોંધ લીધી હતી. વનવિભાગ દ્વારા વનકર્મીને બહાદુરી માટે એવોર્ડથી નવાજવામાં આવશે તેવી ચર્ચા વનવિભાગના સુત્રો તરફથી મળી રહી છે.
 
ખાંભા તાબાના સમઢિયાળા-2 ગામે મંગળવારે સવારે એક સિંહણ ગામમાં ઘૂસતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો, જેની વનવિભાગને જાણ કરાતા વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી આવી હતી અને સિંહણને ગામની બહાર ખસેડવા પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન સિંહણ એક આધેડ વયની વ્યક્તિ પર હુમલો કરવા જતી હોવાનું જોતાં રેસ્કયુ ટીમના કર્મચારી બચાવવા જતાં સિંહણે તેમની પર હુમલો કકી ઘાયલ કર્યા હતા. ઇજાગ્રસ્ત વનકર્મીને પ્રથમ ખાંભા અને બાદમાં અમરેલી રિફર કરાયા હતા. બાદમાં રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ સિંહણને ગામ બહાર ખસેડાઈ હતી.
 
નિતલીમાં કરંટથી સિંહણનું મોત :
 
તુલસીશ્યામ રેંજના કોઠારિયા રાઉન્ડ હેઠળ આવતા નિતલી ગામે એક સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. સિંહણનું મોત વાડીમાં તાર ફેન્સિંગમાં વીજ કરંટથી થયાનું ખૂલતાં વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

No comments: