Thursday, December 31, 2015

ચાંદગઢમાં હવામાં ફાયરીંગ અંગે વનકર્મી દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

  • DivyaBhaskar News Network
  • Dec 24, 2015, 09:14 AM IST
મરેલીતાલુકાના ચાંદગઢ ગામની સીમમાં ગઇરાત્રે સાવજોની રક્ષા માટે પેટ્રોલીંગ કરી રહેલા એક વનકર્મી સામે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે હવામા ફાયરીંગ કર્યાની ઘટના બાદ આજે વનકર્મી દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામા આવી હતી. દરમિયાન ફાયરીંગના સ્થળથી થોડે દુર વનવિભાગને શિકાર કરાયેલા સસલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પર નજર રાખવા વનકર્મચારીઓને રાત્રે પણ પેટ્રોલીંગ કરવુ પડે છે. અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં વનવિભાગના કર્મચારી મેરાભાઇ ભગવાનભાઇ જાપડા ગઇરાત્રે સીમમા પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા તેમણે તેના પર બેટરીનો પ્રકાશ ફેંકી પડકાર્યા હતા.

દરમિયાન સંભવત: શિકારના ઉદ્દેશ્યથી આવેલા બંને શખ્સોના હાથમા દેશી બંદુક જેવુ હથિયાર હોય તેનાથી તેણે હવામા ફાયરીગ કરી વનકર્મચારીને ડરાવ્યા હતા. અને બાદમાં બાઇક પર બંને નાસી છુટયા હતા. જે અંગે આજે મેરાભાઇ જાપડાએ અમરેલી તાલુકા પોલીસમા લેખિત ફરિયાદ આપી હતી.

બીજી તરફ વનકર્મચારીઓ દ્વારા રાત્રે શખ્સોની શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન આજે ફાયરીંગના સ્થળની નજીકથી એક સસલાનો શિકાર કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઇન્ચાર્જ આરએફઓ આર.એમ.હેરભાએ જણાવ્યું હતુ કે સસલાને સળીયા વડે મોતને ઘાટ ઉતારવામા આવ્યુ હોવાનુ જણાઇ રહ્યું છે. વનતંત્રએ દિશામા પણ તપાસ શરૂ કરી છે.

અવાર-નવાર જંગલ વિસ્તારમાંથી પ્રાણીઓનાં શિકાર થતાં હોય અને મૃતદેહો મળી આવતા હોય આવી પ્રવૃત્તિ અટકાવવા વનપ્રેમીઓમાંથી તંત્ર દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે એવી માંગ પણ ઉઠાવવામાં આવી છે.

No comments: